Thu Sep 03 2026

Logo

કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત

2026-05-13 21:19:56
Author: Chandrakant Kanoja
કંડલા પોર્ટ પર જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત

કંડલા : કચ્છના કંડલા પોર્ટ પર જહાજમાં દુર્ઘટના સર્જાઇ છે. જેમાં દીનદયાલ પોર્ટ (કંડલા) પરની જેટી નંબર-13 પર લાંગરવામાં આવેલા લાકડા ભરેલા એમ.વી ઓપ્ટિમમ જહાજમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકોના ઝેરી ગેસની અસરને કારણે શંકાસ્પદ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે પોર્ટ પર કામ કરતા મજૂરોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. આ શ્રમિકો ઋષિ શિપિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ મીરા કાર્ગો હેન્ડલિંગ દ્વારા કાર્યરત હતા.

શ્રમિકોના શ્વાસ રૂંધાતા મૃત્યુ પામ્યા 

આ અંગે મળતી માહિતી મુજબ  બપોરના લગભગ બાર વાગ્યાની આસપાસ જેટી નંબર-13 પર ટિમ્બર (લાકડા) ભરેલું એક જહાજ આવ્યું હતું. આ જહાજની માલ રાખવાની જગ્યામાં કામગીરી કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો રાજેશ, માશુક અલી અને રાજકુમાર અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, લાકડાને જંતુમુક્ત રાખવા માટે જે કેમિકલ કે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, તેની તીવ્ર અસરને કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાયા હતા અને તેઓ મૃત્યુ પામ્યા હતા.

 શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો

આ બનાવની જાણ થતા જ પોર્ટ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા સ્ટાફ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બેભાન શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા પોર્ટ પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ દુર્ઘટનાએ કંડલા બંદર પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 

 પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી

કંડલા પોલીસ અને પોર્ટ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. ઝેરી ગેસનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર કે શિપિંગ એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

( ઉત્સવ વૈધ)