ગાંધીઘામ: ગુજરાતના કચ્છના ગાંધીધામમાં 5 માર્ચના રોજ ભાજપના યુવા મંત્રી દિપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલી આત્મહત્યાના કેસમાં આદિપુર પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં 18 આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે મૃતકને લોન અપાવી કમિશન માટે ઉત્પીડન કરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક પ્રકાશ મોદીની ધરપકડ કરી લીધી છે.
રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ સમગ્ર કેસની વિગત મુજબ 5 મી માર્ચના રોજ ગાંધીધામ ભાજપના અગ્રણી યુવા નેતા દિપેશ ભટ્ટે (ત્રિપાઠી) રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ભારે ચકચાર જગાવી હતી. મૃત્યુ પૂર્વે દિપેશે એક સ્યુસાઇડ નોટ અને વીડિયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં 14 વ્યાજખોરો સહિત કુલ 18 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસે તપાસ શરૂ
જેની બાદ મૃતકની પત્ની દીપાબેન ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ દિપેશને વ્યાજના વિષચક્રમાં ફસાવી માનસિક રીતે તોડી નાખ્યો હતો. આ ફરિયાદ અને ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ અંગે ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મૃતકને લોન અપાવી તેમાંથી અડધી રકમ પોતે રાખી લઈ આર્થિક સંકડામણ ઊભી કરનાર અને કમિશનની માંગણી કરી સતત ત્રાસ આપનાર પ્રકાશ મોદીની અટકાયત કરવામાં આવી છે.આ કેસમાં હજુ 17 આરોપીઓ ફરાર છે. આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ વ્યાજખોરીના આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ કારાગૃહમાં હશે તેવી મુકેશ ચૌધરીએ ખાતરી આપી હતી.
(ઉત્સવ વૈધ)