(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ માંડવી સહીત કચ્છના અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી રોજી-રોટી માટે મસ્ક્ત,દુબઇ,શારજહાં, બહેરીન, અબુધાબી સહિતના અખાતી વિસ્તારોમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો ભારે ચિંતામાં આવી પડ્યા છે અને ઉચાટની લાગણી ફરી વળી છે.પશ્ચિમ એશિયા સુધી વિસ્તરેલા ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને અખાતી દેશોમાં રોજગારી અર્થે વસતા ભારતીયો, ખાસ કરીને કચ્છી માડુઓમાં ભારે ફાળ પડી છે. કતાર, દોહા, દુબઈ, શારજાહ અને બહેરીન જેવા વિસ્તારોમાં વર્ષોથી સ્થાયી થયેલા હજારો કચ્છી પરિવારો અત્યારે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે.
દુબઈ અને શારજાહમાં કચ્છી લોહાણા, મુસ્લિમ ખત્રી, અને મિસ્ત્રી સમાજના અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકો વસે છે. જ્યારે કતાર અને બહેરીનમાં પણ મોટી સંખ્યામાં કચ્છીઓ વ્યાપાર અને ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા છે. યુદ્ધને કારણે ભારત પરત ફરવા માંગતા લોકો માટે વિમાની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થયો છે.કચ્છમાં રહેતા પરિવારો પોતાના સ્વજનો સાથે સતત વીડિયો કોલ અને ફોન દ્વારા સંપર્ક કરી રહ્યા છે.
શારજાહ અને દુબઈના બજારો પર અત્યારથી જ મંદી વકરતાં સ્થાનિક કચ્છી વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કચ્છની વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે જો સ્થિતિ વધુ વણસે, તો અખાતી દેશોમાં ફસાયેલા કચ્છીઓ માટે ખાસ 'રેસ્ક્યુ ફ્લાઈટ્સ'ની વ્યવસ્થા કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે, દુબઇ અને શારજહાં ખાતે અંદાજે ૩૦,૦૦૦,દોહા-કતાર ખાતે ૧૦,૦૦૦ અને બહેરીન જેવા વિસ્તારમાં આશરે ૫૦૦૦ જેટલા કચ્છી પરિવારો સ્થાયી થયેલા છે જેને લઈને કચ્છના ભુજ સહીત માંડવી-મુંદરા, અબડાસા, લખપત, વાગડ પંથક જેવા વિસ્તારોમાં લોકો ભારે ચિંતાતુર બન્યા છે.
સૌથી વધુ ચિંતા કચ્છના પટેલ ચોવીસી તરીકે ઓળખાતા ગામોમાં ફેલાઈ છે, કારણ કે, આ પટેલ ચોવીસીમાં આવેલાં નારાણપર, સુખપર, માનકુવા જેવા ગામોમાંથી મોટી સંખ્યામાં, ખાસ કરીને લેવા પટેલ સમાજના પરિવારો ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે.દરમ્યાન, આ પરિસ્થિતિ અંગે મૂળ ભુજના અને છેલ્લા દશેક વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા અવની કાંતિલાલ સોલંકી સાથે ફોન પર વાતચીત કરતા તેમણે ત્યાંની ભયાનક વાસ્તવિકતા વર્ણવતાં જણાવ્યું હતું કે,"અત્યારે દુબઈમાં જેબેલ અલી પોર્ટની આસપાસ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.
જોકે જનજીવન ઉપરથી સામાન્ય લાગે છે, પણ અંદરખાને દરેક કચ્છી પરિવારના મનમાં ડર છે. જ્યારે પણ સમાચારમાં ઈરાન દ્વારા મિસાઈલ છોડાયાના અહેવાલ આવે છે ત્યારે અમને ભુજમાં રહેલાં અમારા માતા-પિતાની ચિંતા થાય છે અને તેમને અમારી. રાત્રે આકાશમાં ડ્રોન કે ફાઈટર જેટ્સનો અવાજ સંભળાય ત્યારે ફાળ પડે છે કે ક્યાંક સ્થિતિ વધુ ન બગડે."બજારોમાં અત્યારથી જ ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. ભારત આવવા માટે ફ્લાઈટની ટિકિટના ભાવ ડબલ થઈ ગયા છે, જેથી મધ્યમ વર્ગના પરિવારો માટે તાત્કાલિક વતન આવવું પણ મુશ્કેલ બન્યું છે. અમે અત્યારે માત્ર ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ યુદ્ધ વિરામ લે અને અમારો કચ્છી સમુદાય સુરક્ષિત રહે.
ઉલ્લેખનીય છે કે, બંદરીય માંડવી,મુંદરા કે કંડલા તરફથી અરબી સમુદ્રમાં ઈરાન તરફ જતા માત્ર ૬૦૦ નોટિકલ માઈલ દૂર દુબઈનું જેબેલ અલી બંદર આવે છે અને આ બંદરની આસપાસ અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચલાવાતા 'ઓપરેશન એપિક ફ્યુરી'ને લઈને આ દરિયામાં મોટી સંખ્યામાં અમેરિકી યુદ્ધ જહાજો, સબમરીન્સ, મોજુદ છે.
(ઉત્સવ વૈદ્ય)
AI-Generated Image