પુણે: હાલમાં પુણે સહિત સમગ્ર દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં પુણે ગ્રામીણ પોલીસે તાજેતરમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાડા પાંચ હજાર પાનાની ચાર્જશીટમાં કેતન અગ્રવાલની હત્યા કેવી રીતે કરવામાં આવી અને તેના માટે કેવી રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું,
તે તમામ વિગતો આપવામાં આવી છે. જેમાં ઘણી રસપ્રદ બાબતોનો ઉલ્લેખ કરાયો છે. પુણે પોલીસે કેતન અગ્રવાલની હત્યાની તપાસ કરતી વખતે સિયા ગોયલના સ્કૂલ સમયના પ્રેમપ્રકરણના તાર પણ શોધી કાઢ્યા છે. સિયા સ્કૂલમાં ભણતી હતી ત્યારે પણ તેનું અફેર ચાલતું હોવાની માહિતી એક્સ-બોયફ્રેન્ડે પોલીસને આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિઆ ગોયલ જ્યારે દસમા ધોરણમાં હતી ત્યારે શાળામાં તેનું એક છોકરા સાથે અફેર હતું. સિયાના એક્સ બૉયફ્રેન્ડે કેતનની હત્યા કેસમાં પોલીસને આવું નિવેદન આપ્યું છે. તેને સિયા અને ચેતન વિશે જાણ થતાં, સિયા સાથેના સંબંધો તેણે તોડી નાખ્યા હતા.
હવે કેતન હત્યા કેસમાં પણ સિયાનું નામ ચેતન સાથે જોડાયેલું જોઈને, આ એક્સ બોયફ્રેન્ડે એવું નિવેદન આપ્યું હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે પોલીસને આપેલી માહિતી પણ ચાર્જશીટમાં નોંધવામાં આવી છે.
વિશાલ અગ્રવાલે દાવો કર્યો હતો કે, પહેલી મુલાકાતમાં સિયાને ૮ લાખ રૂપિયાનો ડ્રેસ આપવામાં આવ્યો હતો અને સગાઈ વખતે અમે ૮૦ લાખ રૂપિયાના દાગીના આપ્યા હતા. તેમજ સિયા અને કેતનના લગ્ન માટે અગ્રવાલ પરિવારે ચારથી પાંચ કરોડ રૂપિયાની ખરીદી કરવાની તૈયારી રાખી હતી, તેમ વિશાલ અગ્રવાલે પોલીસને જણાવ્યું હતું.
આ લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરમાં એક વૈભવી રિસોર્ટ બુક કરવામાં આવ્યો હતો. આ માટે, રિસોર્ટ માલિકને ૨૫ લાખની બુકિંગ રકમ આપવામાં આવી હતી, ચાર્જશીટમાં જણાવાયું હતું.