Thu Apr 23 2026

Logo

કંડલાના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ: દીનદયાલ પોર્ટ બન્યું દેશનું પ્રથમ 'ઈ-મિથેનોલ બંકરિંગ' પોર્ટ

2026-04-03 11:58:58
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભારતના સમુદ્રી વ્યાપારને કાર્બન મુક્ત (ડી-કાર્બનાઇઝેશન) કરવાની દિશામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 'ગ્રીન હાઇડ્રોજન હબ' તરીકે જાહેર કરાયેલા મહાબંદર કંડલા ખાતે દેશમાં પ્રથમ વખત ઈ-મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત હવે વૈશ્વિક ગ્રીન શિપિંગના નકશા પર મજબૂતીથી ઉભરી આવ્યું છે. 

આ પરીક્ષણ દરમિયાન જહાજમાં ઈ-મિથેનોલ લોડ કરવાની પ્રક્રિયા, પાઇપલાઇન દ્વારા વહનની ક્ષમતા અને સુરક્ષાના માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના સફળ નિષ્કર્ષ બાદ હવે કંડલા બંદર મોટા માલવાહક જહાજોમાં ઈ-મિથેનોલ ઈંધણ ભરવા માટે સજ્જ બન્યું છે. ડીપીએ દ્વારા તાજેતરમાં જ મિથેનોલના પુરવઠા માટે આસામ પેટ્રોકેમિકલ્સ સાથે વ્યૂહાત્મક કરાર કરવામાં આવ્યા છે.સિંગાપોર અને રોટરડેમ પોર્ટ વચ્ચે ગ્રીન કોરિડોર પર ચાલતા આંતરરાષ્ટ્રીય જહાજો હવે ઈંધણ ભરવા (બંકરિંગ) માટે કંડલા પોર્ટનો સંપર્ક કરી શકશે.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘ, યુરોપિયન સંસ્થા ડેટ નોર્સ્કે વેરિટાસના ઉચ્ચ અધિકારીઓ તેમજ કંડલા બંદરના વિવિધ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ થયેલું આ પરીક્ષણ પર્યાવરણ સુરક્ષાની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

મેરીટાઇમ ડી-કાર્બનાઇઝેશન તરફ ડીપીએ દ્વારા આ એક મક્કમ ડગલું માંડવામાં આવ્યું છે. દેશભરમાં માત્ર કંડલા ખાતે જ અત્યારે આ પ્રકારની આધુનિક સુવિધા વિકસાવવામાં આવી છે, જે ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સિદ્ધિ બાદ આગામી દિવસોમાં કંડલા પોર્ટ વિશ્વના અગ્રણી ગ્રીન પોર્ટ્સની યાદીમાં સ્થાન પામશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થવાની સાથે વિદેશી હૂંડિયામણની પણ બચત થશે તેમ ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)