Mon May 18 2026

Logo

શિવ રહસ્યઃ કામધેનુની શક્તિઓનો જો કોઈ દુરુપયોગ કરે તો અનર્થ થઈ જશે..

2026-05-18 08:51:00
Author: Bharat Patel
Article Image

ભરત પટેલ

રાજા આર્યવર્તન મહામંત્રી મણિકાને કહે છે, રાજ્યની અશ્ર્વ શાળાને દસ સહસ્ર અશ્ર્વની જરૂરત છે, તમારો પશુપ્રેમ તો જગવિખ્યાત છે, એટલે આ દસ સહસ્ર અશ્ર્વ ખરીદવાની જવાબદારી હું તમને આપું છું. મહામંત્રી મણિકાને રસાલા સાથે અશ્ર્વોની ખરીદી કરવા જતાં જોઈ એક યાત્રાળુ તેમની પાસે જાય છે અને કહે છે, તમારે જો દસ સહસ્ર અશ્વ ખરીદવા હોય તો તમને એક માણસ અવશ્ય મદદ કરી શકે. એમને બધા પશુપૂજક કહે છે. 

અદ્ભુત વ્યક્તિત્વ, તેઓ માંદાં પશુઓની સેવા કરે, તેમની પૂજા કરે, તેમના સંરક્ષણની વાતો કરે અને તેને અમલમાં પણ મૂકે. તેમની સૌથી અદ્ભુત વાત તો એ છે કે તેઓ પશુઓની ભાષા સમજે છે અને પશુઓ પણ તેમની ભાષા સમજે છે. સીધા માર્ગે જશો તો રાત્રી સુધીમાં તેમની પાસે પહોંચી જશો.’ મહામંત્રી મણિકાનો રસાલો રાત્રીના સમયે એ પશુપૂજકના આશ્રમ પર પહોંચે છે ત્યાં એ પશુપૂજક પશુઓની ગરીમા વિશે સવિસ્તાર સમજણ આપતાં હોય છે. મહામંત્રી મણિકા તેમને કહે છે, ‘હે મહાપુરુષ! તમારા આ શબ્દો સાંભળી સંતોષ થયો. 

આ પ્રકારના વિચારોને સમર્થન આપવાવાળો ફક્ત હું જ નથી, સાથે તમે પણ છો. તમારો એક એક શબ્દ મારા સિદ્ધાંતોને સમર્થન આપી રહ્યા હતાં. હું જે વાત કોઈને સમજાવી ન શક્યો તે વાત તમે કેટલી સરળતાથી બધાને સમજાવી દીધી. હે મહાપુરુષ મારી એક શંકા દૂર કરી મને માર્ગદર્શન કરશો?’ આટલું સાંભળતાં જ પશુપૂજક તેના હાથમાં રમાડી રહેલા શ્વાનના બચ્ચાંને દૂર મૂકી આવે છે. પણ, થોડી જ ક્ષણમાં એ શ્વાનનું બચ્ચું ફરી એ પશુપૂજક પાસે આવીને ઊભી રહે છે. પશુપૂજક કહે છે: ‘હું તને બહુ દૂર છોડી આવ્યો હતો, તને ફરી પાછા મારી પાસે આવવા પણ નહોતું કીધું, પણ તેને એ ગંતવ્ય પસંદ છે જયાં પ્રસન્નતા અને સંતોષની અનુભૂતિ થતી હોય છે.’ 

બીજી તરફ સ્વર્ગલોક ખાતે અસુરોએ કામધેનુનું અપહરણ કર્યું હોય છે. કામધેનુ અસુરોના ચુંગાલમાંથી છૂટી ફરતા સ્વર્ગલોક આવે છે. દેવરાજ કામધેનુને પૂછે છે કે તમે ક્યાં ચાલી ગયા હતા.’ ક્રોધિત કામધેનું કહે છે, ‘દેવરાજ મારી સુરક્ષાની જવાબદારી તમારી છે, અસુરોએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું ત્યારે તમે ક્યા હતા, તેઓ મને પોતાની સાથે લઈ ગયા અને ખૂબ પીડા આપી છે.’ એજ સમયે દેવગુરુ બૃહસ્પતિ કહે છે, ‘દેવરાજ કામધેનુ તો પરત ફરી છે, પણ હવે તમે ચિંતા કરો કે સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, પવનદેવ અને વરુણદેવ ક્યાં છે?’

પોતાના અપમાનથી દુ:ખી કામધેનુ સ્વર્ગલોક ત્યાગવાનો નિશ્ચય કરે છે અને ત્યાંથી ચાલી જાય છે.
*
બીજી તરફ પશુપૂજક મહામંત્રી મણિકાને પૂછે છે કે, તમે કંઈ પ્રશ્ર્ન પૂછવાના હતા.

મહામંત્રી મણિકા: ‘હે મહામાનવ, વગર પ્રશ્ન પૂછયે જ તમે જવાબ આપી દીધો, મારું આવવાનું કારણ સ્પષ્ટ થઈ ગયું છે. હું ઘણા સમયથી ગુરુને શોધી રહ્યો હતો, જે આજે મળી ગયા.’

પશુપૂજક: ‘હું સામાન્ય માનવ છું, કોઈનો ગુરુ નથી.’

મહામંત્રી મણિકા: ‘પણ મેં તમને મારા ગુરુ માની લીધા છે. હું રાજા આર્યવર્તનનો મહામંત્રી મણિકા છું, મારા રાજાએ મને  દસ સહસ્ર અશ્ર્વ ખરીદવાની જવાબદારી સોંપી છે. તેમનું કહેવું છે કે સેનાની જરૂરત છે, પણ મને ખબર છે સેના જ નહીં આમાંના મોટી સંખ્યામાં અશ્ર્વો યજ્ઞમાં બલી ચઢી જશે, આ જ ધર્મસંકટમાં હતો અને અહીંથી જઈ રહ્યો હતો. મને કોઈ ઉપાય બતાવે કે જેથી હું મારા રાજાને સમજાવી શકું કે તમે પશુ હત્યા અને પશુ અત્યાચારનો વિચાર ત્યાગી દો.’
*
એક તરફ કામધેનુ સ્વર્ગલોકનો ત્યાગ કરી ચાલી ગઇ છે એ વાતની જાણ સપ્તઋષિઓને થાય છે.

તેઓ દેવરાજ ઇન્દ્રને મળવા સ્વર્ગલોક પહોંચે છે.

સપ્તર્ષિ: ‘દેવરાજ ઇન્દ્ર તમે સંસારના કલ્યાણ માટે કામધેનુને સ્વર્ગલોક લઈ ગયા હતા, પણ અમને ખબર પડી છે કે કામધેનુ સ્વર્ગમાં નથી. ક્યાં ગઈ કામધેનુ.’

દેવરાજ ઇન્દ્ર: ‘સપ્તઋષિ! તમે ચિંતા ન કરો, કામધેનુ તુરંત આવી જશે, મારા સૈનિકો શોધી જ રહ્યાં છે.’

સપ્તર્ષિ: ‘દેવરાજ ઇન્દ્ર તમે આટલા બેદરકાર કઈ રીતે થઈ શકો? કામધેનુ ક્યા ંછે એ તમને ખબર નથી, કામધેનુની સુરક્ષાની જવાબદારી તમે લીધી હતી.’

દેવરાજ ઇન્દ્ર: ‘જવાબદારી તો મેં લીધી જ હતી, કોઈ કષ્ટ કે તકલીફ એને અહીં નહોતા, અસુરોએ સ્વર્ગલોક પર એટલો કાળો કેર વર્તાવ્યો કે કામધેનુ એટલી દુ:ખી થઈ કે એણે સ્વર્ગનો ત્યાગ કર્યો, એમાં દેવતાઓનો કોઈ હાથ નથી. અમે દેવતાઓ એટલા પિડાયા તો કામધેનુ તો પશુ છે.’

સપ્તર્ષિ: ‘દેવરાજ ઇન્દ્ર કામધેનુ માતા સ્વરૂપી છે તેને પશુ કહી તેમની દિવ્યતાનું અપમાન ન કરો.’

દેવરાજ ઇન્દ્ર: ‘ક્ષમા આપો સપ્તઋષિ, કહેવાનો અર્થ એ હતો કે અસુરો દ્વારા થયેલા હુમલાથી હું એટલો વ્યાકુળ છું કે હું શું બોલું છું એની જાણ મને રહેતી નથી, કામધેનુનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ હું તમને આશ્ર્વાસન આપું છું કે તમારી કામધેનુ અવશ્ય પાછી આપીશ.’

સપ્તર્ષિ: ‘દેવરાજ કામધેનુ પાછી ક્યારે આપશો એ ચિંતાનો વિષય નથી, પણ ચિંતાનો વિષય એ છે કે કામધેનુ કોઈ એવી વ્યક્તિને મળી જાય જે એની શક્તિઓનો દુરુપયોગ કરે તો અનર્થ થઈ જશે. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કામધેનુ અમને ઋષિઓને સોંપી હતી, તેમને શું જવાબ આપવો.’

દેવરાજ ઇન્દ્ર: ‘મને ખબર છે! આપ અહીં સ્વર્ગલોકમાં વિશ્રામ કરો, અમે દેવતાઓ કામધેનુને શોધીને લઇ આવીએ એવું હું તમને વચન આપું છું.’

આટલું કહી દેવરાજ ઇન્દ્ર અન્ય દેવગણ સાથે કામધેનુને શોધવા નીકળી પડે છે. ઘણી જગ્યાએ શોધ્યા બાદ પણ કામધેનુ ન મળતાં દેવરાજ ઇન્દ્ર અને દેવતાગણ ત્રસ્ત થઈ જાય છે.

દેવરાજ ઇન્દ્ર: ‘દેવતાગણ હવે શું કરી શકાય? ભગવાન શ્રીહરિ વિષ્ણુએ જ કામધેનુને સપ્તર્ષિને આપી હતી, હવે તેમની પાસે કઈ રીતે જવાય. હા એક યુક્તિ છે, આપણે પરમપિતા બ્રહ્માજી પાસે જવું જોઈએ.’

થાકી હારેલા દેવતાગણ બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘પરમપિતા બ્રહ્માજીની જય હો!’
માતા સરસ્વતી: ‘દેવરાજ અહીં બ્રહ્મલોકમાં કહો શું સમસ્યા છે?’
દેવરાજ ઇન્દ્ર: ‘માતા તમને કઈ રીતે ખબર પડી કે કોઈ સમસ્યા છે?’
માતા સરસ્વતી: ‘સમસ્યા વગર દેવરાજ પોતાના રસાલા સાથે અહીં બ્રહ્મલોક પધારે ખરા?’

દેવરાજ ઇન્દ્ર: ‘પરમપિતા તમને તો ખબર જ હશે કે થોડા દિવસ પહેલાં અસુરોએ સ્વર્ગલોક પર આક્રમણ કર્યું હતું ત્યારે મારી જાણબહાર તેઓ કામધેનુને પોતાની સાથે લઈ ગયા હતા અને હવે કામધેનુ ક્રોધિત થઈ સ્વર્ગલોકને ત્યાગી ક્યાંક જતાં રહ્યાં છે, પરમપિતા તમે જ અમને સહાય કરી શકો.’  (ક્રમશ:)