Wed May 06 2026

Logo

કલ્યાણની જેલમાં આરોપીનું મૃત્યુ: તંત્રની બેદરકારીનો પરિવારનો આરોપ

2026-05-06 19:32:21
Author: Yogesh C Patel
Article Image

થાણે: કલ્યાણની આધારવાડી જેલમાં તમ્મર અને શ્ર્વાસ લેવામાં તકલીફ પછી આરોપીનું મૃત્યુ થતાં જેલના સત્તાવાળાઓની બેદરકારીને કારણે યુવાને જીવ ગુમાવ્યાનો આરોપ પરિવારજનોએ કર્યો હતો.

જેલમાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ હૃષીકેશ પવાર (27) તરીકે થઈ હતી. ડોમ્બિવલીમાં રહેતા પવારનો સાપ્તાહિક માર્કેટમાં વિવાદ થયો હતો, જેને કારણે ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. પવારને આધારવાડી જેલમાં રાખવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે એકાએક પવારનું સ્વાસ્થ્ય લથડ્યું હતું. ચક્કર આવવાની સાથે તેને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પહેલાં તેને જેલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. રાતે 9.30 વાગ્યે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પવારના પરિવારના સભ્યો અને રહેવાસીઓ મોડી રાતે હૉસ્પિટલ બહાર જમા થયા હતા અને જેલના સત્તાવાળાઓની બેદરકારીનો આરોપ કર્યો હતો. પરિવારજનોએ દાવો કર્યો હતો કે સાંજે પાંચ વાગ્યે જ પવારને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો, પરંતુ તેને સારવાર આપવામાં મોડું કરાયું હતું.

પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પવારની તબિયત અત્યંત ખરાબ હોવા છતાં તેને એમ્બ્યુલન્સને બદલે જેલ અધિકારીની ખાનગી કારમાં હૉસ્પિટલ લઈ જવાયો હતો, જેમાં મોડું થતાં પવારે જીવ ગુમાવ્યો હતો.

કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં ખસેડવાના સમય અને વાહન બાબતે પવારના પરિવારે સવાલ કર્યા હતા. આ પ્રકરણે એડીઆર નોંધવામાં આવ્યો છે અને મૃત્યુના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)