Sun Jun 07 2026

Logo

મુંબઈનો પહેલો રાહદારી ઝોન કાલાઘોડામાં ખુલ્લો મુકાશે

2026-06-05 08:38:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનો સૌથી પહેલો રાહદારી ઝોન (પેડેસ્ટ્રીયન ઝોન) બહુ જલદી  મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. દક્ષિણ મુંબઈના પ્રખ્યાત કાલા ઘોડા વિસ્તારનો બ્યુટીફિકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે હેઠળ શનિવાર તથા રવિવારે આ રસ્તા પર ફક્ત રાહદારીઓને જ પ્રવેશ રહેશે.

પ્રતિષ્ઠિત કાલા ઘોડા વિસ્તારના બ્યુટીફિકેશન કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે, જેમાં કાલા ઘોડા વિસ્તારમાં ઊભો કરવામાં આવનારો  નોન-વ્હીકલ (પદયાત્રી) ઝોનના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાના કામ  અંતિમ તબક્કામાં છે.  મુંબઈનો સૌથી પહેલો રાહદારી ઝોન તરીકે ઓળખાશે. અહીં પ્રવેશદ્વાર પર બોલાર્ડ લગાવવામાં આવશે.  અહીં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં કલા, હસ્તકલા અને સંગીત સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણ કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. 

સ્થાનિક નગરસેવકના કહેવા મુજબ  આ પહેલ વિશ્ર્વના ઘણા શહેરોની જેમ અમલમાં મૂકવામાં આવી રહી છે.  ગ્લાસગોમાં બુકાનન સ્ટ્રીટ અને લંડનમાં કાર્નાબી સ્ટ્રીટનું ઉદાહરણ લઈને પાલિકાએ કાલા ઘોડા વિસ્તારના રસ્તાઓને રાહદારી માર્ગ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.  આ વિસ્તારને વધુ સુરક્ષિત અને પ્રવાસીઓનું આકર્ષણ બનાવશે.

આ પ્રોજેક્ટ હેઠળ વી. બી. ગાંધી માર્ગ (ફોર્બ્સ સ્ટ્રીટ), રોપવોક લેન, સાંઈબાબા રોડ, રૂધરફિલ્ડ સ્ટ્રીટ અને બી. ભરૂચા રોડ હેઠળના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.  આ પ્રોજેક્ટનું ખાસ આકર્ષણ સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટના કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ચાર સુંદર શિલ્પ છે. અહીં ટૂંક સમયમાં  ‘અલ ફ્રેસ્કો’ ડાઇનિંગ સુવિધા શરૂ કરવામાં આવશે. તેથી પ્રવાસીઓ ખુલ્લા વાતાવરણમાં તેમના ભોજનનો આનંદ માણી શકશે. પથ્થરના પાકા ફૂટપાથ જેવા બાંધકામ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે રંગબેરંગી ભીંતચિત્રો અને કલાત્મક સ્થાપત્ય (શેરી કલાકૃતિઓ) વિસ્તારના સાંસ્કૃતિક આકર્ષણને વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે.