મુંબઈઃ બોલિવૂડની મસ્તીખોર, બેબાક, અને એક્સપ્રેશનથી ફેન્સને હંમેશાં ચોંકાવનારી એક્ટ્રેસ કાજોલ આજે પોતાનો 52મો જન્મદિવસ મનાવી રહી છે. કાજોલે એકથી એક ચઢિયાતી ફિલ્મો આપીને એક માઈલસ્ટોન ઊભો કર્યો છે. બોલીવુડની જાણીતી ફિલ્મ 'કરણ-અર્જુન' જેવી ઈમોશનલ, લવ સ્ટોરી અને એક્શન સિક્વન્સથી લઈને 'ટ્રાયલ' જેવી વેબસિરીઝમાં વકીલનું દમદાર પાત્ર પ્લે કરીને કેરેક્ટર્સની તમામ ચેલેન્જમાં તે પાસ થઈ ચૂકી છે. આજે કાજોલના જન્મદિવસના દિવસે કેટલાક એવા કિસ્સાઓની વાત કરીએ જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. વાત એક એવી પણ છે કે, એક પાર્ટીમાં કાજોલે પ્રોડ્યુસર કરણ જોહરની એવી અને એટલી મજાક કરી હતી કે કરણ ચાલુ પાર્ટી છોડીને ચાલ્યો ગયો હતો. તો કિસ્સો એક એવો પણ છે કે, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આઉટડોર પર કાજોલે કડકડતી ઠંડીમાં પણ શોર્ટમાં શોટ આપ્યો જે જોઈને 'કિંગ ખાન'એ પણ સેટના તમામ મેમ્બર્સ સામે તાલીઓ પાડેલી.
કાજોલની અટક શું છે?
એક્ટ્રેસ તનુજા અને ફિલ્મમેકર શોમુ મુખર્જીની ચુલબુલી દીકરી કાજોલની અટક જાણવા તમે આતુર હશો, ત્યારે ચાલો જણાવીએ કે કાજોલના પપ્પાની સરનેમ મુખર્જી અને મમ્મી મરાઠી બેગ્રાઉન્ડથી હતી. બોર્ડિંગ સ્કૂલમાંથી ભાગીને ઘરે આવતી વખતે એવી રીતે પકડાઈ કે, કોઈ કલ્પના ન કરી શકે કે, આ જ ગુડ લુકિંગ લેડી એક દિવસ મસ્ત એક્ટ્રેસ બની જશે. 16 વર્ષની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ પછી એકથી એક બેસ્ટ ફિલ્મો કરીને માત્ર ઈન્ડસ્ટ્રીમાં જ નહીં, ફેન્સના દિલમાં પણ જગ્યા બનાવી લીધી. ત્રીસ વર્ષની ફિલ્મી જર્નીમાં અનેક એવા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પિતા શોમુ મુખર્જી દીકરીનું નામ મર્સિડિઝ રાખવા માગતા પણ પણ તનુજાની જીદના કારણે આ દીકરીનું નામ કાજલ નક્કી થયું, જે પછીથી બંગાળી પ્રોનાઉન્સને કારણે કાજોલ થઈ ગયું. આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તેને કાજોલથી જ ઓળખે છે અને બોલાવે છે.

આ રીતે મળી હતી પહેલી ફિલ્મ
સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ આગળ ભણવાનો રસ ન હતો પણ ફિલ્મોમાં કામ કરવાની ધૂન આ એક્ટ્રેસ પર બાળપણથી જ સવાર હતી. 31 જુલાઈ 1992માં ફિલ્મ પહેલી ફિલ્મ આવી 'બેખુદી'. હકીકત એવી હતી કે કાજોલ આ ફિલ્મ કરવા જ માગતી નહોતી. તુનજા ઈચ્છતી ન હતી કે, કાજોલ કોઈ ફિલ્મ બનાવે કે ફિલ્મમાં કામ કરે.પણ કિસ્મતને કંઈક ઔર મંજૂર હતું. પોતાની ફ્રેન્ડ સાથે પોર્ટફોલિયો બનાવવા માટે ગૌતમ રાજાધ્યક્ષ પાસે તે ફ્રેન્ડ સાથે ગઈ હતી. ફ્રેન્ડનું ફોટોશુટ ચાલી રહ્યું હતું એ સમયે તનુજા ત્યાં પહોંચ્યા, મેકઅપ આર્ટિસ્ટે તનુજાના કહેવા પર કાજોલને તૈયાર કરી અને ફોટોશૂટ કરી પોર્ટફોલિયો બનાવી દીધો. આ એના જીવનનું પહેલું ફોટોશુટ હતું એ પણ એક્સિડેન્ટલ. ગૌતમ રાજાધ્યક્ષએ સમયે 'બેખુદી' ફિલ્મના સ્ક્રિનપ્લે પર કામ કરી રહ્યા હતા. એને કાજોલનો ફેસ પસંદ પડ્યો અને ફોટો લઈને ડાયરેક્ટર રાહુલ રવૈલ પાસે પહોંચ્યો. એમને પણ કાજોલ પર પસંદગી ઊતારી. કાજોલનો સંપર્ક કરવાના બદલે ડાયરેક્ટરે સીધો જ તનુજાનો સંપર્ક કરીને ફિલ્મ માટેની વાત સમજાવી. ફિલ્મ અંગે વાત મળતા કાજોલ નારાજ થઈ અને ના પાડી દીધી. પણ સ્કૂલના બોરિંગ ટાઈમને દૂર કરવા ફિલ્મ સાઈન કરી દીધી. ફિલ્મ તો ન ચાલી પણ કાજોલની એક્ટિંગ ચાલી ગઈ.
બેસ્ટ નેગેટિવ રોલનો પહેલો એવોર્ડ
એ પછી વર્ષ 1993માં આવી ફિલ્મ 'બાઝિગર'. શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી અને કાજોલ. ગીત, સંગીત, ડાયલોગ્સ અને ફ્રેમ સિક્વન્સ બધુ જ પર્ફેક્ટ. 'હાર કે જીતનેવાલે કો બાઝિગર કહતે હૈ' ડાયલોગ અમર થઈ ગયો અને કિંગ ખાન-કાજોલ વચ્ચેનું ટ્યુનિંગ ફેન્સે સ્વીકારી લીધું. આ પછી કાજોલને સફળતાની એ ઊંચાઈ મળી, જે અગાઉ આટલી નાની ઉંમરે ખાસ કોઈ એક્ટ્રેસને મળી નહોતી. એના પછી આ જોડીએ એકથી એક ચડિયાતી ફિલ્મો આપી. 'કરણ-અર્જુન', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ' બધી જ ફિલ્મ સુપરડુપર હિટ. 1995નું આખું વર્ષ કાજોલ માટે કરોડોની કમાણી કરી જનારૂ સાબિત થયું. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી કાજોલને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ડાર્ક અને નેગેટિવ રોલમાં પણ કાજોલે ઝંડા લહેરાવી દીધા. 'બાઝિગર'માં ડાર્કશેડના રોલમાં કોઈ પાત્રને સાઈન કરનારી કાજોલ ફર્સ્ટ ફિમેલ એક્ટ્રેસ હતી. એ પછી એવો જ થોડો ડાર્ક પ્લસ નેગેટિવ રોલ મળ્યો 'ગુપ્ત'માં. વર્ષ 1997માં આવેલી આ ફિલ્મની બેસ્ટ એક્ટિંગથી કાજોલને નેગેટિવ રોલ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

પિતાપુત્રી વચ્ચે અઠવાડિયા સુધી અબોલા રહ્યા હતા
વર્ષ 1987ના દાયકામાં જ્યારે અક્ષયની એન્ટ્રી ઈન્ડસ્ટ્રીમાં થઈ એ સમયે કાજોલ માત્ર 17 વર્ષની હતી. આજે જ્યારે બેસ્ટ અને સક્સેસફૂલ કપલ તરીકે વાત થાય ત્યારે કાજોલ અને અજય દેવગનની જોડી પહેલા ક્રમે આવે. એમની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મ એંગલથી કમ નથી. પણ એ માટે આખો એપિસોડ તૈયાર થઈ જાય. શરૂઆતમાં જ્યારે કાજોલ અને અજયની ફિલ્મ આવતી ત્યારે અજય કાજોલને પસંદ કરતો ન હતો. કારણ કે, બિન્દાસ્ત, ચુલબુલી, વારંવાર બોલ બોલ કરતી, ખુશમીજાજી અને બેબાક એક્ટ્રેસની છાપ માત્ર સ્ક્રિન પર જ નહીં, ઓફ સ્ક્રિન પર એટલી જ હતી. આ વાતથી અજય ચિડાઈ ગયો હતો. 'હલચલ'ના સેટ પર પહેલી મુલાકાત થઈ એ સમયે એના ચહેરા પર ઈગો કરતા મસ્તીખોર તત્ત્વ વધારે હતું. પછી સારી એવી દોસ્તી થઈ અને મજાકીયા અંદાજમાં અજય પણ આવી ગયો. 24 વર્ષની ઉંમરમાં લગ્નના પ્રસ્તાવ સામે શોમુ મુખર્જીને વાંધો હતો. આ કારણે અઠવાડિયા સુધી પિતા-પુત્રી વચ્ચે અબોલા રહ્યા. પણ કાજોલે તો મન અને દિલ પર અજય લખી નાંખ્યું હતું. નાનકડા પ્રસંગ તરીકે બન્નેના લગ્ન થયા એ વર્ષ હતું 1999. આજે એના પરિવારમાં દીકરી ન્યાસા અને યુગ એમ બે સંતાનો છે.
પદ્મશ્રી મેળવનારી કાજોલની છે કેટલી સંપત્તિ?
કાજોલ પાસે એક સમયે ફિલ્મો જ આવકનો સ્ત્રોત હતો, પછીથી બ્રાંડ, એડ્સ, ગેસ્ટ અપિરિયન્સ અને પેઈડ માર્કેટ થકી સારી આવક થવા લાગી. એક રિપોર્ટ અનુસાર એમની નેટવર્થ 240થી 250 કરોડ હોવાનું માનવામાં આવે છે. રિયલ એસ્ટેટ અને બ્રાંડ પ્રમોશન થકી જે આવક થાય છે એનો અલગથી હિસાબ તે પોતે રાખે છે. જેને આ આંક સાથે જોડાયો નથી. એમના બંગલાનું નામ શિવશક્તિ છે જ્યારે લંડનમાં પણ એક ઘર છે. એક્ટિંગના ક્ષેત્રમાં સફળતા એવી મળી છે કે, એમને પદ્મશ્રી અને ફિલ્મફેર સર્વોચ્ચ એમ બે મોટા એવોર્ડ મળ્યા છે. વર્ષ 2011માં પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો અને 6 જેટલા ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. કાજોલના એક્સપ્રેસનને માર્ક કરતા મેડમ તુસ્સાદ મ્યુઝિયમ ઓફ વેક્સ આર્ટ દ્વારા સિંગાપોરમાં એનું સ્ટેસ્ચ્યુ તૈયાર કરાયું છે. જે જોવા માટે તે પણ ગયેલી હતી. હવે તે ફિલ્મો કરતા વેબ સિરિઝને પ્રાયોરિટી આપી રહી છે.