Wed Jun 17 2026

Logo

જૂનાગઢમાં નાગા બાવાએ ખુલ્લી તલવાર સાથે પાછળ પડી લોકોને દોડાવતાં ફફડાટ

2026-02-13 12:58:26
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: ગિરનારની ગોદમાં હાલ મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે, આજે મેળાનો ત્રીજો દિવસ છે. ત્યારે મેળામાં અનેક સાધુ સંતો આવી પહોંચ્યા છે. અઘોરી અને નાગા સાધુઓ મેળાનું આકર્ષણ બની રહે છે. પરંતુ આ દરમિયાન એક સાધુના હિંસક વર્તનને કારણે નાસભાગ મચી હતી. ગઇકાલ રાતના સમયે નાગાસાધુએ અચાનક ઉશ્કેરાઈ જઈને હાથમાં ખુલ્લી તલવાર અને અન્ય એક સાધુએ અન્ય શ્રદ્ધાળુઓ અને સાધુઓને હેરાન કર્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 

મળતી વિગતો અનુસાર, મહાશિવરાત્રિના મેળામાં ૧૨ ફેબ્રુઆરીની રાત્રે દત્ત ચોક વિસ્તારમાં એક નાગાસાધુના હિંસક વર્તનને કારણે ભારે દહેશત ફેલાઈ હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉશ્કેરાયેલા સાધુએ ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓ પાછળ દોડી નાસભાગ મચાવી હતી. નાગા સાધૂએ રસ્તા પર સૂતેલા નિરાધાર લોકોને પણ હેરાન કર્યા હતા. એટલું જ નહીં, સાધુએ પોતાની સાથેના વાંદરા દ્વારા પણ લોકો પર હુમલો કરાવતા અનેક યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે પવિત્ર મેળાના વાતાવરણમાં ક્ષણિક અફરાતફરી સર્જાઈ હતી. જો કે આ સિવાય અન્ય સાધુઓ સાથે પણ તેમણે અસયંમીત વર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. 

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. હજારો શ્રદ્ધાળુઓ આ પાવન પર્વમાં સહભાગી થવા માટે સિદ્ધભૂમિ ગિરનાર પહોંચી રહ્યા છે. આજે મહાશિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે પણ સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના કારણે ભવનાથ તળેટી 'શિવમય' બની ગઈ હતી. ભવનાથમાં સાધુ-સંતોનો મેળાવડો જામ્યો છે, શ્રદ્ધાળુઓ અઘોરી, નાગા સાધુઓના આશીર્વાદ લઈ રહ્યા છે. આ વર્ષે રાજ્ય સરકારના સહયોગથી મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો તેમની સાથે વિશેષ સ્મૃતિઓ લઈ જઈ શકે તે માટે સમગ્ર મેળાના રૂટ ઉપર આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવાની સાથે વિશેષ સુશોભનો કરવામાં આવ્યો છે. ચાલો માણીએ મેળાની તસવીરી સફર.

આ વર્ષે મહા શિવરાત્રીના મેળામાં વાહનો માટે પ્રવેશબંધી હોવાથી વાહનો તળેટી સુધી પહોંચી શકતા નથી. પરંતુ આ દરમિયાન દિવ્યાંગ અને વૃદ્ધજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ 50 વાહનોનો ઉપયોગ કરી દિવ્યાંગ અને વૃદ્ધજનોને ભવનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવી હતી.

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ
સૌરાષ્ટ્ર એ સંતોની ભુમિ છે. અહી ભજનની સાથે ભોજનની પરંપરા રહી છે. સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓ આજે પણ તેના હરિહરના નાદ માટે ખ્યાત છે. હાલ જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં ભગવાન ભવનાથના સાંનિધ્યમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં ઠેરઠેર અન્નક્ષેત્રોની સેવા ચાલી રહી છે. રાતદિવસ થાક્યા વિના સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં આવનારા માનવોની જઠરાગ્નિ ઠારીને માનવસેવાથી પ્રભુસેવાનો અનેરો લ્હાવો લઈ રહ્યા છે.