Sun May 17 2026

Logo

એક ધોયા વગરની ચાની રકાબીએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ! અંતિમવિધિમાં ગયેલો પાડોશી જ નીકળ્યો કાતિલ!

2026-05-17 21:58:48
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: ગુજરાતમાં સતત ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે થોડા દિવસ પહેલા જૂનાગઢમાં ધોળા દિવસે વૃદ્ધાની તેના જ ઘરમાં ગળું કાપી હત્યાની ચકચારી ઘટના બની હતી. જો કે ત્યારે હવે પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી લીધો છે. હત્યારાએ પોલીસની નજરથી છટકવા માટે મૃતકની અંતિમવિધિમાં પણ હાજર રહ્યો હતો. પણ આ હત્યાનો ઉકેલ એક ચાની રકાબીએ શોધી કાઢ્યો હતો. 

મળતી વિગતો અનુસાર, જૂનાગઢના ગિરિરાજ વિસ્તારની એક સોસાયટીમાં  સુનિતાબેન રાઈજાની (ઉ. વ.63)  તેના જ ઘરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યારો બીજું કોઈ નહીં પણ તેના પાડોશમાં રહેતો એક યુવક જ હતો.  સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શેરબજારમાં પૈસા હારી ગયો હતો અને બાદમાં વૃદ્ધા માટે ઉછીના માગવા ગયો હતો અને આ દરમિયાન યુવક અને વૃદ્ધા વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા યુવાને તીક્ષણ હથિયાર વડે વૃદ્ધાનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. 

જો કે હત્યાને અંજામ આપ્યા બાદ યુવક પોલીસની નજરથી બચવા માટે વૃદ્ધાની અંતિમવિધિમાં પણ હાજર રહ્યો હતો.ત્યારબાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી ચા પીધા બાદ ત્રણ ખાલી રકાબી મળી આવી હતી. જેમાં કામવાળા બહેન તો વહેલું કામ પતાવીને જતાં રહ્યા હતા. જો કે હવે માત્ર મૃતક મહિલા અને તેનો દીકરો બે જ હોય તો પછી આ ત્રીજી રકાબીમાં કોણે ચા પીધી તે અંગે પોલીસને શંકા ગઈ હતી. 

આથી પોલીસે મૃતકના નજીકના શકમંદોની આકરી પૂછપરછ આદરી હતી અને આ દરમિયાન તપાસ કરતાં મૃતકના પુત્રના મિત્ર સુરેશ ઉર્ફે કાનાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. આથી પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી હતી અને તપાસમાં આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે બનાવના દિવસે સાંજે તે મૃતકના ઘરે ગયો હતો. આરોપી યુવકને શેરબજારમાં મોટી ખોટ આવી હતી અને તેને ભરવા માટે આરોપી આરોપી સુરેશ ઉર્ફે કાના વાધવાણીએ મૃતક મહિલા પાસેથી ઉછીના પૈસાની માંગ કરી હતી. જો કે  મૃતક મહિલાએ  ઉછીના પૈસા માટે કોઈ કીમતી વસ્તુ સિક્યુરિટી તરીકે મારી આપવાની માંગ કરી હતી અને આથી ઉશ્કેરાયેલા યુવકે મહિલાની હત્યા કરી નાખી હતી.  આમ એક ધોયા વગરની રકાબીએ આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.