જંગલ વિસ્તારોમાં આરોપીઓની શોધ ચલાવવા પોલીસે કર્યો થર્મલ ડ્રોનનો ઉપયોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં જ્વેલરી શૉપમાંથી 6.80 કરોડ રૂપિયાના સોના-હીરાજડિત દાગીનાની ચોરીનો કેસ પોલીસે ઉકેલી કાઢ્યો હતો અને બે સેલ્સમેન સહિત ચાર જણને રાજસ્થાનથી ફકડી પાડ્યા હતા. ગુનો આચર્યા બાદ રાજસ્થાન ભાગી છૂટેલા આરોપીઓની ત્યાંના જંગલ વિસ્તારોમાં શોધ ચલાવવા માટે પોલીસની ટીમે થર્મલ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ પાસેથી 4.50 કરોડ રૂપિયાથી વધુની મતા જપ્ત કરવામાં આવી હોઇ તેમના ફરાર સાથીદારની પોલીસ હવે શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રભુસિંહ ગોપસિંહ દસાણા, ગોડસિંહ ચુનસિંહ દસાણા, ગણપતસિંહ મોહન દસાણા અને કિશનસિંહ બગ્ગાલાલ રેવાની તરીકે થઇ હતી, જેમની વધુ પૂછપરછ ચાલી રહી છે.
બોરીવલીના ચિકુવાડી વિસ્તારમાં રહેતા દુકાનમાલિક રાકેશ પોરવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બોરીવલીનમાં હોલી ક્રોસ રોડ પર આવેલી તેમની દુકાનમાં 13 જાન્યુઆરીની રાતથી 14 જાન્યુઆરીની બપોર દરમિયાન દાગીનાની ચોરી થઇ હતી. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં રહેતા અને દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા પ્રભુસિંહ અને નારાયણસિંહે દુકાનમાં ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું, જેને પગલે પોલીસે બંને સેલ્સમેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બંને સેલ્સમેન ગુનો આચર્યા બાદ રાજસ્થાન ભાગી છૂટ્યા હોવાનું તપાસ દરમિયાન જાણ મળતાં પોલીસની ટીમને ત્યાં રવાના કરાઇ હતી.
દરમિયાન એક આરોપી રાજસમંદ જિલ્લાના ગામ નજીક જંગલ વિસ્તારમાં આવેલા મંદિરમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાંથી પ્રભુસિંહને તાબામાં લીધો હતો. પ્રભુસિંહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે પોતાના ચાર સાથીદાર ગણપતસિંહ, કિશનસિંહ, ગોડસિંહ અને દેવીસિંહ દસાણા સાથે મળીને યોજના બનાવી હતી અને ચોરી કર્યા બાદ તમામ આરોપીઓ રાજસ્થાનમાં ભાગી છૂટ્યા હતા અને તેઓ પણ અહીંના જંગલ વિસ્તારોમાં છુપાયા છે. આથી સ્થાનિક પોલીસની મદદથી જંગલ વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું અને તેમને શોધવા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્ચ ઑપરેશન દરમિયાન પોલીસને ગોડસિંહ મળી આવતાં તેની ધરપકડ કરાઇ હતી.
ગોડસિંહની પૂછપરછ બાદ પોલીસની ટીમે રવિવારે કુવારિયા ગામ નજીક તથા જંગલમાંથી ગામ તરફ આવનારા માર્ગ પર છટકું ગોઠવ્યું હતું અને ગણપતસિંહ તથા કિશનસિંહને ઝડપી પાડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.