Wed Aug 26 2026

Logo

ભવનાથના મેળાની ખુશી માતમમાં ફેરવાઈ: જેતલસર બ્રિજ પર અક્સ્માત બાદ કારના બે ટુકડા, 3 મિત્રોના કરુણ મોત

2026-02-15 14:45:00
Author: Mayur Patel
ભવનાથના મેળાની ખુશી માતમમાં ફેરવાઈ: જેતલસર બ્રિજ પર અક્સ્માત બાદ કારના બે ટુકડા, 3 મિત્રોના કરુણ મોત

રાજકોટઃ જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર આજે અકસ્માત સર્જાયો હતો.જેમાં જૂનાગઢના ભવનાથના શિવરાત્રિ મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર પૈકી ત્રણ મિત્રોના કરૂણ મોત થયા હતા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બે ટુકડા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે તેમજ બનાવમાં ઘાયલ એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો

કારના બે ટુકડા થઈ ગયા

પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે કાર જેતલસર જંકશન રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર સીધી પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારના બે ટુકડા થઈને ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ પહોંચી હતી. પોલીસે ક્રેનની મદદથી રસ્તા પરથી કારના વિખરાયેલા ભાગોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

બે લોકોના ઘટના સ્થળે જ મોત

અકસ્માતનો ભોગ બનેલી કારમાં ત્રણ યુવક અને એક યુવતી સવાર હતા. કારમાં સવાર મુસ્કાન બગડા, અરુણ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ જયદીપ ચૌહાણને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુઆંક ત્રણે પહોંચ્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત અમિત પરમાર નામનો યુવક હાલ સારવાર હેઠળ છે.

પરિવારમાં શોકનો માહોલ

અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તો અને મૃતદેહોને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. શિવરાત્રિના પવિત્ર પર્વ પર મેળાની ખુશી માણી પરત ફરતા યુવાનોના આ મોતના સમાચારથી તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.