Wed Jun 17 2026

Logo

પાટીદાર સમાજ વ્યસનમુક્ત થાય ને બાયું જરા ફેશનમુક્ત થાય, ક્યા આગેવાને કરી આ ટકોર ?

2026-02-19 14:32:00
Author: MayurKumar Patel
Article Image

જામનગરઃ ધ્રોલમાં પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં પાટીદાર અગ્રણી જેરામબાપાએ ટકોર કરતાં કહ્યું, પાટીદાર સમાજ વ્યસનમુક્ત થાય ને બાયું જરા ફેશનમુક્ત થાય. તેમણે ભાઈઓને વ્યસનથી અને બહેનોને ફેશનથી દૂર રહેવા અપીલ કરતાં કહ્યું, સમાજમાં સંપત્તિને શિક્ષણ આવ્યા પણ સંસ્કારની ખામી દેખાઈ રહી છે. 9 ફેબ્રુઆરીએ યોજાયેલા કાર્યક્રમનો હાલ વીડિયો વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.

બાપ છૂટાછેડા માટે કરોડો રૂપિયાની માગણી કરે છે

જેરામબાપાએ કહ્યું, આપણા સમાજમાં ઋષિમુનિઓ અને વડીલોએ જે પ્રણાલી પાડી હતી તેને આપણે ભૂલી ગયા છીએ. સમાજમાં શિક્ષણ આવ્યું તે સારી વાત છે, એનાથી જ સમાજનો વિકાસ થાય પણ સંસ્કાર ભૂલાતા જાય છે. આપણા સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ખુબ વધ્યું છે. દીકરીને ન રહેવું હોય તો તેનો બાપ છૂટાછેડા માટે કરોડો રૂપિયાની માગણી કરે, આ આપણા સમાજનું ભયંકર દૂષણ છે. આખા સમાજે ગંભીરતાથી લેવાની જરૂર છે. આપણા સમાજ કરતા જૈન સમાજ ખુબ સમજુ છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ એટલું કહો જૈન ભોજન જોઈએ છે તો મળે. આ સમાજમાં છૂટાછેડાનો રિવાજ નથી, એમની પાસેથી આપણે શીખ મેળવવી જોઈએ. આપણી પ્રગતિ ખુબ સારી થઈ પણ સમાજે હજુ ઘણું શીખવાની જરૂર છે. 

સંતાનો પર પકડ હોવી જોઈએઃ જેરામબાપા

આ ઉપરાંત તેમણે કહ્યું બહેનોને પ્રાર્થના છે, દીકરો હોય કે દીકરી 18થી 20 વર્ષનો થાય ત્યાં સુધી આપણી પકડ તેના ઉપર હોવી જોઈએ.તમે કહો 20 વર્ષ સુધી તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું એટલે ચોક્કસ નહિ થાય. સમાજ વ્યસનમુક્ત થાય એ જરૂરી છે અને બાયું ફેશન મુક્ત થાય એ જરૂરી છે.

 

શું બોલ્યા રૂપાલા

રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ કહ્યું, બાળકોના ઉછેરમાં કમી રહી જાય છે એ દૂર કરવાની જરૂર છે. આજે બાળક રડે તો આપણે મોબાઈલ આપીને એને શાંત કરી દઈએ છીએ. તમે અત્યારે મોબાઈલ આપીને શાંત કરી દ્યો, મોટા થઈને એ પણ તમને આમજ સાઈડમાં મૂકી દેશે, પછી એ સામે નહિ બેશે. આપણે બાળકોને સમય જ આપતા નથી. બાળકોના ઉછેરમાં આપણું ધ્યાન હોવું જોઈએ. એ શું કરે છે? કોની સાથે રમે છે? કોની સાથે ફરે છે? એની ટોળકીમાં કોણ છે? એ આપણે ધ્યાન રાખવું જોઈએ. બાળકોને જૂની કહેવતો, જુના ગીતો, જૂની રમતો, જુના લગ્ન ગીતો આ બધું શીખવું જોઈએ, અત્યારે તો બધું ભાડા પર જતું રહ્યું છે. એકનો એક ભાઈ પરણે તો ભાડાવાળા આવીને ગીતો ગાય. આપણા ભાઈના લગ્નમાં એક ગીત આપણે ન ગાય શકીએ?

આ ઉપરાંત રૂપાલાએ સમાજને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજમાં લગ્નમાં ખોટા ખર્ચા, સમાજમાં છૂટાછેડા, દીકરીના પૈસા લેવા આ બધા કુરિવાજો બંધ કરવા જોઈએ. સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવાનો છે, તોડવાનો નહીં.