મુંબઈ: આગામી સીમાંકન (Delimitation) પ્રક્રિયામાં પૂરતું સમર્થન મેળવવા માટે ભાજપ દ્વારા પ્રાદેશિક પક્ષોને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મુદ્દે એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલે આરોપ લગાવ્યો હતો કે રાજકીય પક્ષોને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને પ્રસ્તાવિત સીમાંકન કવાયત માટે પૂરતું સમર્થન મળી શકે. ત્રિપુરા સ્થિત નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયામાં તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોના વિલીનીકરણ વિશે પૂછવામાં આવતા પાટીલે પત્રકારોને કહ્યું હતું.
સીમાંકન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા વધારવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવતા, પાટીલે કહ્યું કે હાલમાં પણ ધારાસભ્યોને ઘણીવાર વિધાનસભાઓમાં બોલવાની તક મળતી નથી.
"જો સંખ્યા વધશે, તો તેઓ ક્યાં બોલી શકશે? ફક્ત સંખ્યા વધારવાથી મહારાષ્ટ્ર અને દેશની સમસ્યાઓ હલ થશે નહીં," એનસીપી (એસપી) નેતાએ કહ્યું. ધારાસભ્યોની સંખ્યા કરતાં કાર્યક્ષમ વહીવટ સારા શાસન માટે ચાવીરૂપ છે, એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને ઉમેર્યું.
સંભવિત પક્ષપલટા અંગે પાટીલે કહ્યું કે દરેક પક્ષે વિવિધ પ્રકારના દબાણને કારણે વિભાજનનું જોખમ સહન કર્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસથી અલગ થયેલા પક્ષોએ ભાજપના પડકારનો સામનો કરવા માટે એમાં ભળી જવું જોઈએ.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના સૂચન પર, પાટીલે કહ્યું કે એનસીપી (એસપી) માં આવી કોઈ ચર્ચા થઈ રહી નથી. કેટલાક ઈન્ડિયા બ્લોક નેતાઓ દ્વારા વડા પ્રધાનપદનો ચહેરો રજૂ કરવાના કોલ વિશે પૂછવામાં આવતા, પાટીલે કહ્યું કે તેમની પાર્ટીએ હજુ સુધી આ બાબતે ચર્ચા કરી નથી.
તેમણે અલ નિનો ઘટનાને કારણે ખાસ કરીને મહારાષ્ટ્રમાં દુષ્કાળની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકારે તમામ પક્ષોને વિશ્વાસમાં લઈને તૈયારીઓ શરૂ કરવી જોઈએ.