Mon Jun 15 2026

Logo

એકસ્ટ્રા અફેર: જસપાલ રાણા ભારતમાં શૂટિગના ઓરિજિનલ ચેમ્પિયન

2026-06-13 09:01:00
Author: Baharat Bhardwaj
Article Image

 

 

 

- ભરત ભારદ્વાજ

 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની પહેલી વરસીએ એક માઠા સમાચાર જસપાલ રાણાના નિધનના આવ્યા. ભારતના ઓરિજિનલ શૂટિગ ચેમ્પિયન અને એક જ ઓલિમ્પિક્સમાં ભારતને ડબલ મેડલ જીતાડનારી મનુ ભાકર સહિત ઘણા શૂટિગ ચેમ્પિયનના કોચ જસપાલ રાણા ઈન્ટરનેશનલ શૂટિગ સ્પોર્ટ્સ ફેડરેશન આઇએસએસએફના વર્લ્ડ કપ માટે ભારતીય શૂટર્સ સાથે  જર્મનીના મ્યુનિક ગયા હતા. વર્લ્ડ કપ દરમિયાન જ જસપાલને છાતીમાં દુ:ખાવો અને અસ્વસ્થતાનો અનુભવ થતાં  ભારત પાછા આવવા નિકળ્યા હતા. 

 

પ્લેનમાં પણ જસપાલને ફરી છાતીમાં દુ:ખાવો થતાં પ્લેનમાં સારવાર અપાઈ હતી અને લેન્ડિંગ પછી સીધા  હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ સારવાપ કામ ના આવી અને રાણાનું ગુરુવારે રાત્રે હૉસ્પિટલમાં અવસાન થઈ ગયું. જસપાલ રાણા માત્ર 49 વર્ષના હતા. મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિ અને જસપાલ રાણા પોતે એક સ્પોર્ટ્સપર્સન હતા એ જોતાં આ ઉંમર મરવાની નહોતી પણ કદાચ સતત દોડધામ અને તણાવે તેમનો ભોગ લઈ લીધો. કરુણતા એ છે કે, રાણાના પિતા નારાયણ સિંહ હજુ અડીખમ છે અને દીકરો કાળનો ભોગ બની ગયો. 

 

જસપાલ રાણાના નિધન સાથે ભારતીય સ્પોર્ટ્સનો એક યાદગાર યુગ પૂરો થઈ ગયો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જસપાલ રાણાને ભારતમાં શૂટિગને એક સ્પોર્ટ્સ સ્થાપિત કરવાનો અને યંગસ્ટર્સને તેમાં રસ લેતા કરવાનો યશ અપાય છે. જસપાલ રાણા એક શૂટર તરીકે અત્યંત સફળ હતા ને કોચ તરીકે પણ ભવ્ય સફળતા મેળવી એ જોતાં રાણાને ભારતમાં શૂટિગ સ્પોર્ટ્સના સૌથી મોટા સ્ટાર ગણવામાં કશું ખોટું નથી. 

રાણાના પિતા નારાયણ સિંહ આર્મીમાં હતા અને પોતે શૂટર હતા. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા સિંહ નિવૃત્તિ પછી રાજકારણમાં આવેલા અને ભાજપમાં જોડાયેલા. ઉત્તરાખંડની રચના થઈ પછી બનેલી ભાજપની પહેલી સરકારમાં નારાયણ સિંહ સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા. નારાયણ સિંહે બહુ નાની ઉંમરથી મોટા દીકરાને શૂટિગમાં પળોટવા માંડ્યો તેમાં કિશોરાવસ્થા સુધી પહોંચતાં પહેલાં જ રાણાનું નામ ગાજવા માંડેલું. માત્ર 12 વર્ષની ઉંમરે અમદાવાદમાં યોજાયેલી નેશનલ શૂટિગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને સૌને દંગ કરી દેનારા રાણાએ 1994માં 18 વર્ષની ઉંમરે ઈટાલીના મિલાનમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ શૂટિગ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધુંઆધાર એન્ટ્રી કરી હતી. 

 

જસપાલ રાણા 1990ના દાયકામાં એક પછી એક રેકોર્ડ તોડતા હતા તેના કારણે જસપાલ રાણા ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતી લાવશે એવું કહેવાતું. રાણા ખેલાડી તરીકે આ અપેક્ષા પૂરી ના કરી શક્યા પણ કોચ તરીકે તેમણે આ અપેક્ષા ચોક્કસ પૂરી કરી. ઓલિમ્પિક ગેમ્સ સિવાયની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રાણાએ યશસ્વી દેખાવ કરીને ભારતને ગૌરવ અપાવ્યું જ છે.  જસપાલ રાણાએ એશિયન ગેમ્સમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મળીને કુલ  8 મેડલ જીત્યા હતા. 

 

કોમનવેલ્થ ગેમ્સમાં તો રાણાએ 9 ગોલ્ડ મેડલ સાથે  કુલ 15 મેડલ જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ પણ જીતનારા રાણા છેક 30 વર્ષની ઉંમર સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા ને ભારતને મેડલ અપાવતા રહ્યા. 2006ની  કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ પછી તેમણે નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં અનેક રેકોર્ડ તેમણે પોતાના નામે કરી લીધેલા. 2006માં છેલ્લી એશિયન ગેમ્સમાં રાણાએ 3 ગોલ્ડ મેડલ જીતેલા એ જોતાં તેમને ધક્કા મારીને નહોતા કાઢવા પડ્યા પણ કારકિર્દી મધ્યાહ્ને હતી ત્યારે માનભેર નિવૃત્ત થયેલા. 

 

સ્પોર્ટ્સમાંથી નિવૃત્ત થયા પછી રાણાએ રાજકારણમાં ઝંપલાવેલું પણ બહુ સફળતા નહોતી મળી.  2005ની એશિયન ગેમ્સ પછી સ્પોર્ટ્સમાંથી નિવૃત્તિ લઈને રાણા ભાજપમાં જોડાયા હતા. જસપાલની બહેન સુષમા સિંહ પણ  શૂટર છે. સુષમાએ 2006 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પિતા નારાયણસિંહની કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સાથેની દોસ્તીના કારણે  સુષમાનાં લગ્ન  રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહ સાથે થયાં છે. 

 

પંકજ સિંહ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં નોઈડાનો ધારાસભ્ય છે અને ઉત્તર પ્રદેશ ભાજપનો ઉપપ્રમુખ છે.  પિતા પણ ભાજપમાં હતા ને રાજનાથ સાથે પારિવારિક સંબંધો હોવાથી રાણાએ ભાજપમાં જોડાવાનું પસંદ કરેલું. રાણા 2009ની લોકસભા ચૂંટણીમાં રાણા ઉત્તરાખંડની તેહરી બેઠક પરથી ઉભા રહેલા પણ કૉંગ્રેસના વિજય બહુગુણા સામે 53 હજારથી વધારે મતે હારી ગયેલા. 

 

ઉત્તરાખંડમાં 2012ની વિધાનસભા ચૂંટણી વખતે જસપાલે ટિકિટ માગી હતી પણ ભાજપે ટિકિટ ના આપતાં  ગિન્નાયેલા જસપાલ ભાજપ છોડીને કૉંગ્રેસમાં જતા રહેલા. 2012ની વિધાનસભા ચૂંટણી પછી વિજય બહુગુણા ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બનતાં તેહરી લોકસભા બેઠક ખાલી કરી ત્યારે જસપાલ રાણા ભાજપમાં હોત તો તેમને ફરી તક મળી હોત પણ રાણા કૉંગ્રેસમાં જતા રહેલા તેથી ભાજપે તેહરી ગઢવાલનાં મહારાણી માલા રાજ્યલક્ષ્મી શાહને ટિકિટ આપી.  માલા સળંગ 4 ટર્મથી આ બેઠક પરથી ચૂંટાય છે એ જોતાં ભાજપનો નિર્ણય રાજકીય રીતે સાચો સાબિત થયો છે. રાણાને વિજય બહુગુણાએ અવગણેલા પણ 2014માં બહુગુણાને સ્થાને હરીશ રાવત આવ્યા પછી જસપાલ રાણાને ઉત્તરાખંડમાં સ્પોર્ટ્સનું કલ્ચર વિકસાવવાની જવાબદારી સોંપાયેલી. રાણાએ 2017 સુધી આ કામગીરી બજાવી પણ 2017માં કૉંગ્રેસ હારી ગયેલી તેથી રાણા પાછા નવરા થઈ ગયા. રાણાને પણ રાજકારણનો અનુભવ  બહુ સારો નહોતો રહ્યો તેથી તેમણે રાજકારણ છોડીને ફરી સ્પોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ને આ નિર્ણય ભારત માટે સારો સાબિત થયો. 

મનુ ભાકર જસપાલ રાણાની કોચિંગ કરીયરમાં સુવર્ણ પ્રકરણ છે કેમ કે મનુએ 2024ના ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. મનુ પહેલાં 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની. એ પછી મનુએ મીટર પિસ્તોલ મિશ્ર ટીમમાં સરબજોતસિંહ સાથે મળીને બીજો બ્રોન્ઝ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો. મનુ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનાર પહેલી ભારતીય બની. મનુ 25 મીટર પિસ્તોલમાં સહેજ માટે રહી ગયેલી અને ચોથા સ્થાને આવેલી. બાકી એક જ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ પણ જીતી ગઈ હોત. 

 

મનુની સફળતાના કારણે રાણાની મહેનત તરફ સૌનું ધ્યાન ગયું, બાકી રાણા 2012થી જુનિયર શૂટર્સને ટે્રનિંગ આપવાનો કાર્યક્રમ ચલાવતા. મનુ આ કાર્યક્રમમાં જ તૈયાર થયેલી. મનુ ઉપરાંત સૌરભ ચૌધરી, અનીશ ભાનવાલા અને ચિંકી યાદવ સહિતના હાલના ભારતના શૂટિગ સ્ટાર્સ રાણાના કોચિંગમાં જ તૈયાર થયા છે અને દેશને ગૌરવ અપાવી રહ્યા છે. 

 

રાણાના નિધન પછી મીડિયાએ મનુ ભાકર સાથેની એક તસવીર પ્રસિદ્ધ કરી છે અને આ તસવીર જ રાણાએ  ભારતીય યંગ શૂટર્સ માટે શું કર્યું ને યંગસ્ટર્સ તેમને કેવું માન આપતા એ સ્પષ્ટ કરી દે છે. તસવીરમાં મનુ અને જસપાલ રાણા કારની પાછલી બેઠકમાં બેઠા છે ને મનુ રાણાના ખભે માથું ઢાળીને સૂઈ ગઈ છે. જે દેશમાં ફેડરેશનના રાજકારણી હોદ્દેદારો સામે સગીર છોકરીઓની જાતિય સતામણીના કેસ થયા છે ત્યાં એક શૂટરનું કોચ સાથે આવું બોન્ડ ક્યારે હોય ? કોચને પિતાતુલ્ય માનીને છોકરી ક્યારે વર્તી શકે ? 

 

જસપાલ રાણા શું હતા તેનો જવાબ આ સવાલના જવાબમાં છે.