Sat Aug 22 2026

Logo

આર્ટીકલ 370 દૂર કર્યાને સાત વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીરમાં વિકાસની નવી શરૂઆત

2026-08-05 18:23:26
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યાને સાત વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પીએમ મોદીએ કહ્યું છે કે 5 ઓગસ્ટ 2019થી જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિકાસની નવી શરૂઆત થઇ છે.

નાગરિકોને સમાન બંધારણીય અધિકારો અને નવી તકો મળી

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન  માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વિસ્તારમાં ભારતના બંધારણના સંપૂર્ણ અમલથી મહિલાઓ અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સહિત તમામ નાગરિકોને સમાન બંધારણીય અધિકારો અને નવી તકો મળી છે.

કલમ 370 અને 35(A) ઇતિહાસ બની ગયા

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, સાત વર્ષ પહેલાં આજના દિવસે, કલમ 370 અને 35(A) ઇતિહાસ બની ગયા હતા. આનાથી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની વિકાસ યાત્રામાં એક નિર્ણાયક નવા અધ્યાયની શરૂઆત થઈ.

આ વર્ષે 5 ઓગસ્ટનું મહત્વ વધુ 

પીએમ મોદીએ કહ્યું, મહિલાઓ હોય કે હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો જેઓ દાયકાઓથી તેમના મૂળભૂત બંધારણીય અધિકારોથી વંચિત હતા તેઓ સશક્ત બન્યા છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષે 5 ઓગસ્ટનું મહત્વ વધુ છે કારણ કે દેશ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ દશકો પહેલા જે સ્વપ્ન જોયું હતું

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ દશકો પહેલા જે સ્વપ્ન જોયું હતું તે ઐતિહાસિક રીતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ સાકાર થયું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકાર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની પ્રગતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે અને દરેક નાગરિકો  સારા જીવનના સપનાઓ જોવા આઝાદ છે.