આતંકવાદનો ભારેલો અગ્નિ ત્યાં કેમ ભભૂકી રહ્યો છે...?
તાજેતરમાં ત્યાંની હિન્દુ પ્રજાને ધમકી મળતાં આતંકીઓને નેસ્તનાબૂદ કરવાને બદલે સરકારે સુરક્ષા વધારવાનાં ઠાલાં વચન આપ્યાં છે અને ખુદ લોકોને `વર્ક ફ્રોમ હોમ'નો આદેશ આપ્યો છે...! આવા અનિશ્ચિત માહોલમાં ત્યાંના હિન્દુઓને સરકાર પર વિશ્વાસ ક્યાંથી બેસે?
કવર સ્ટોરી - વિજય વ્યાસ
જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદીને 7 વર્ષ પૂરાં થઈ ગયાં. 6 ઓગસ્ટ, 2019ના રોજ ભારતની સંસદે જમ્મુ - કાશ્મીરને ખાસ દરજ્જોઆપતી કલમ 370 અને કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર આપતી કલમ 35 A નાબૂદ કરવાના ખરડા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હુંકાર કરેલો કે, `આજનું ભારત જમ્મુ - કાશ્મીરની વાત કરે ત્યારે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ તેમાં આવી જાય છે ને અમે જમ્મુ અને કાશ્મીર માટે જીવ પણ આપી દઈશું...'
અમિત શાહના આક્રમક તેવર જોયા પછી લાગતું હતું કે, ભૂતકાળની સરકારોએ જમ્મુ અને કાશ્મીરનાં લાલિયાવાડી ચલાવી તેના કારણે કાશ્મીરમાં આતંકવાદ વકરવા સહિતનાં દૂષણો ઘર કરી ગયાં તેનો કાયમી ઉકેલ આવી જશે. મોદી સરકાર કાશ્મીરમાં તો બધું સરખું કરી જ નાખશે, પણ પાકિસ્તાન પાસેથી POK (પાકિસ્તાન હસ્તગત કાશ્મીર) પણ આંચકી લઈને આખું કાશ્મીર ભારતના કબજામાં હોય એવો સીન ઊભો કરી દેશે.
આ વાતને 7 વર્ષ થઈ ગયાં ને 7 વર્ષ પછી શું સ્થિતી છે?
શાસક પક્ષવાળા તો કાશ્મીર માટે જીવ આપી રહ્યા નથી, પણ સામાન્ય હિંદુઓના જીવ લેવાઈ રહ્યા છે. પાકિસ્તાન પાસેથી POK આંચકી લેવાની વાત તો બાજુ પર મૂકો, પણ આપણા કબજાના જમ્મુ અને કાશ્મીરમાં પણ સ્થિતી બદલાઈ નથી, બલકે બદતર બની રહી છે. કલમ 370 અને કલમ 35 A ની નાબૂદી પછી ભારતનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, કાયમી વસવાટ કરી શકે છે અને કાશ્મીરમાં રહેનારા હવે કાશ્મીરી નહીં પણ ભારતીય નાગરિક જ કહેવાય છે તેમ છતાં ભારતનાં બીજાં રાજ્યોમાંથી લોકો કાશ્મીરમાં આવીને વસતાં નથી.
કલમ 370ની નાબૂદી પછી બીજાં રાજ્યોમાંથી કેટલાં લોકો જમ્મુ અને કાશ્મીરમાં આવ્યાં કે પ્રોપર્ટી ખરીદી તેનો સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ ડેટા બહાર પડાતો નથી કેમ કે જાહેર કરી શકાય એવો કોઈ ડેટ જ નહીં હોય. મીડિયા રિપોર્ટમાં જમ્મુ, ઉધમપુર, રીસી જિલ્લાઓમાં બહારનાં લોકોએ કેટલાક પ્લોટ ખરીદ્યા હોવાના દાવા થાય છે, પણ આ પ્લોટ ખરીદનારા કોઈ મકાન બનાવીને કાશ્મીરમાં જઈને રહ્યા નથી એ હકીકત છે.
બીજું એ કે, આ જિલ્લા જમ્મુ ડિવિઝનના છે કે જ્યાં હિંદુ બહુમતીમાં છે ને હિંદુઓની બહુમતી ધરાવતા જિલ્લાઓમાં બહારના લોકો પ્લોટ ખરીદે એ મોટી વાત ના કહેવાય. જમ્મુ અને કાશ્મીરમાં અસલી જંગ કાશ્મીર ખીણમાં છે. કાશ્મીર ખીણમાં લગભગ 99 ટકા વસતિ મુસ્લિમોની છે અને ત્યાં જવા કોઈ તૈયાર નથી. બહારનાં લોકોની વાત છોડો પણ દાયકાઓ પહેલાં કાશ્મીર ખીણ છોડીને ગયેલા પંડિતો સહિતના હિંદુ કાશ્મીરીઓ પણ આ વિસ્તારમાં પાછા નથી આવ્યા ને સરકારમાં એટલો દમ નથી કે મુસ્લિમ આતંકવાદીઓના ડરે કાશ્મીર છોડીને ભાગેલા હિંદુઓને ફરી કાશ્મીરમાં વસાવે.1
આ બધા વચ્ચે અત્યંત શરમજનક વાત એ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં હવે ધર્મ પૂછીને હત્યાઓ થાય છે અને હિંદુ હોવાની ખબર પડે કે તરત ગોળીએ દઈને `રામનામ સત્ય' કરી દેવામાં આવે છે.
31 જુલાઈ, 2026ના દિવસે કુલગામ જિલ્લાના કેલામ વિસ્તારમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે મજૂરોની આ રીતે હિંદુ હોવાના કારણે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હિંદુઓની બહુમતી ધરાવતા દેશમાં કહેવાતી હિંદુવાદી સરકારના શાસનમાં કોઈ વ્યક્તિની માત્ર હિંદુ હોવાના કારણે હત્યા કરી દેવાઈ તેનાથી વધારે શરમજનક શું કહેવાય? લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે, 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં આ રીતે જ 26 હિંદુ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી પૂછીને ગોળીએ દેવાયા હતા. 1994માં જમ્મુ અને કાશ્મીરની મસ્જિદોમાંથી હિંદુઓને કાશ્મીર છોડી જવા ધમકીઓ અપાયેલી ને પછી હિંદુઓને શોધી શોધીને ગોળીઓ મારીને હત્યા કરાયેલી. 1994માં કલમ 370 અસ્તિત્વમાં હતી પણ 2025 કે 2026માં કલમ 370 અસ્તિત્વમાં નહોતી છતાં હિંદુ હોવાના કારણે જ હત્યાઓ થઈ તો કલમ 370ની નાબૂદીથી જમ્મુ અને કાશ્મીરમાં શું બદલાયું ? કશું જ નહીં.
આઘાતજનક વાત હવે આવે છે.
કુલગામની ઘટના પછી આતંકવાદીઓએ ઓનલાઇન પોસ્ટર વાયરલ કર્યાં છે. આ પોસ્ટરોમાં જમ્મુ અને કાશ્મીરમાં કામ કરતા છ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓનાં નામ અને ફોન નંબર છે. લશ્કર-એ-તૈયબા (LeT)ના પીઠ્ઠુ જેવા `યુનાઈટેડ લિબરેશન કાઉન્સિલ' નામના સંગઠને પોસ્ટરો ફરતાં કરીને આડકતરી રીતે ધમકી જ આપી છે કે, હવે પછી આ કર્મચારીઓ અને તેમના પરિવારોનો વારો છે. પોસ્ટરમાં દાવો કરાયો છે કે, અમારી પાસે કર્મચારીઓના પરિવારના સભ્યોના નામ અને રહેઠાણના સ્થળો સહિતની સંપૂર્ણ વિગતો છે એટલે ભ્રમમાં ના રહેતા...
આ ધમકી દ્વારા આતંકવાદીઓએ સરકારને સીધો પડકાર જ ફેંકી દીધો છે કે, `તમારામાં દમ હોય તો કાશ્મીરમાં રહેતા હિંદુઓને રક્ષણ આપીને બચાવી લો....' કેન્દ્ર સરકારે આ પડકાર ઉપાડીને આતંકવાદીઓ પર તૂટી પડવાનું હોય પણ તેના બદલે સરકારે શું કર્યું ખબર છે ? વહીવટીતંત્રે ખીણમાં તૈનાત પંડિત કર્મચારીઓને 26 ઓગસ્ટ લગી `વર્ક ફ્રોમ હોમ' (ઘરેથી કામ) કરવા કહી દીધું છે. એટલું જ નહીં, પંડિતો રહે છે એ વિસ્તારોમાં સરકારે સુરક્ષા વધારી હોવાના દાવા પણ કર્યા છે... પણ અમિત શાહ જે આક્રમકતાની વાત સાત વર્ષ પહેલાં કરતા હતા એવી કોઈ આક્રમકતા આતંકવાદીઓને પાઠ ભણાવવામાં આવ્યા હોય એવું કશું દેખાતું નથી.
માની લીધું કે કર્મચારીઓની સલામતી માટે તેમને `વર્ક ફોર્મ હોમ' કરાવવાનો નિર્ણય યોગ્ય છે, પણ આતંકવાદીઓનો ડર ઘટાડવા માટે પણ ચમકારો બતાવવો પડે કે નહીં ? એ ચમકારો કયાંય દેખાતો જ નથી. કાશ્મીરમાં રહી ગયેલા રડ્યાખડ્યા હિંદુઓને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો હોય પણ તેના બદલે સરકાર કશું કરી રહી નથી.
આતંકવાદી સંગઠને જેમના નામનાં પોસ્ટર ફરતાં કર્યાં એ હિંદુ કર્મચારીઓને `પીએમ પેકેજ' હેઠળ માંડ માંડ સમજાવીને કાશ્મીરમાં પાછા લાવવામાં આવ્યા છે, કારણ કે મોટા ભાગના હિંદુઓ તો કાશ્મીર ખીણમાં પાછા ફરવા તૈયાર જ નથી કેમ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આતંકીઓથી પોતાને બચાવી શકશે એવો હિંદુઓને ભરોસો જ નથી. તાજી ધમકીની ઘટના પછી સરકારે જે નિષ્ક્રિયતા દેખાડી છે એ જોયા પછી પરત આવવા માગતા હશે એ લોકો પણ પાછા નહીં આવે. ગમે ત્યારે ગોળી ખાઈને મરવાનું થાય એવા માહોલમાં કોણ પાછું આવે ?
કાશ્મીરી પંડિતો વતી લડતા સંગઠન `કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ'એ તો સાફ શબ્દોમાં કહ્યું જ છે કે, કાશ્મીર ખીણમાં થયેલા હિંદુઓ પરના આતંકવાદી હુમલા અને હવે કાશ્મીરી પંડિત કર્મચારીઓના નામ સાથેના ધમકીભર્યા પોસ્ટરોના કારણે કાશ્મીરમાં પંડિતોમાં રહેલી અસુરક્ષાની ભાવના ફરી જાગશે...
છેલ્લાં 7 વર્ષમાં બીજી પણ ઘણી એવી ઘટનાઓ બની જ છે કે જેના કારણે કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પછી કશું બદલાયું નથી તેનો અહેસાસ થાય. કલમ 370ની નાબૂદી પછી હિંદુઓને ઉમળકો આવી ગયેલો અને કાશ્મીરના પ્રવાસે જનારાંની સંખ્યા વધી ગયેલી, પણ પહલગામના હુમલા પછી આ ઉમળકો ને ઉત્સાહ સાવ ઠંડાં પડી ગયાં છે. 2024માં 25 લાખ ભારતીયો કાશ્મીર ફરવા ગયેલા જ્યારે એપ્રિલના હુમલા પછી ઓટ આવતાં 2025માં 12.50 લાખ પ્રવાસીઓ જ આવ્યા. આ વરસે પણ એમાં વધુ ઘટાડો થશે કેમ કે લોકો કાશ્મીર જવામાં સલામતી નથી અનુભવતા.
કલમ 370ની નાબૂદીને કારણે કાશ્મીર મુખ્ય પ્રવાહમાં આવી જશે એવો આશાવાદ પેદા થયેલો પણ આ આશાવાદ વાંઝિયો સાબિત થયો છે. આ સરકારે કાગળ પર બંધારણીય જોગવાઈને નાબૂદ કરી પણ જમીન પર કશું બદલી શકી નથી. કાશ્મીરમાં 1994માં હિંદુ મરતા હતા ને હિંદુઓ હજુય મરી રહ્યા છે. હવે ઓછા હિંદુ મરે છે કેમ કે કાશ્મીરમાં મરવા માટે પણ હિંદુઓ બચ્યા નથી. ભવિષ્યમાં આતંકવાદીઓ મારવા ઈચ્છતા હોય તો પણ હિંદુઓ શોધ્યા નહીં જડે એ સ્થિતિ તરફ કાશ્મીર ખીણ આગળ વધી રહી હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે.