Thu May 14 2026

Logo

જેટ ફ્યૂલના ભાવ બમણા થતા એરલાઈન્સ કંપનીઓને આર્થિક ફટકો, હવે એર ટિકિટ મોંઘી થશે

2026-05-14 20:20:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ઈરાન-અમેરિકા વચ્ચેની લડાઈની માઠી અસર એવિએશન સેક્ટર પર થઈ રહી છે. દુનિયાની મોટી અને પ્રતિષ્ઠિત એરલાઈન્સ સિંગાપુર એરલાઈન્સે સ્વીકાર્યું છે કે, જ્યારથી આ યુદ્ધ શરૂ થયું ત્યારથી જેટ ફ્યૂલની કિંમત બમણીથી પણ વધારે થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ થયો કે, એરલાઈન્સ કંપનીઓની તિજોરી પર આર્થિક ભારણ વધી રહ્યું છે. જેની સીધી અસર એર ટિકિટ લેનારા પ્રવાસીઓ પર થઈ રહી છે. ટિકિટના ભાવ એકાએક વધી ગયા છે. આવનારા દિવસોમાં ફ્લાઈટની ટિકિટ વધારે મોંઘી થઈ શકે છે. 

એર ઈન્ડિયાને સીધી અસર


ભારતમાં એર ઈન્ડિયા પર આ સંકટનો માર પડ્યો છે.ચાર મોટા પડકારોમાંથી એર ઈન્ડિયા પસાર થઈ રહી છે. સપ્લાય ચેઈન, મિડલ ઈસ્ટમાં એરસ્પેસ શટઓફ, ખાડીના દેશમાં આવેલા માર્કેટ પર મંદીની અસર અને વધી રહેલી જેટફ્યૂલની કિંમત. સિગાપુર એરલાઈન્સે એ પણ ચોખવટ કરી કે,ટાટા સાથે જોડાઈને એર ઈન્ડિયા આ પડકારમાંથી બેઠા થવા માટે પ્રયાસ કરી રહી છે. એર ઈન્ડિયાના ફ્લીટ અપગ્રેડ અને નવા વિમાનનું કામ યથાવત છે.જેટ ફ્યૂલની વધી રહેલી કિંમતને કારણે ફ્લાઈટ ઑપરેશન ખર્ચ વધે છે.એર ઈન્ડિયા પણ આ સંકટનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઑપરેશન માટે વધારે જેટ ફ્યૂલની જરૂર પડે છે. એવિએશન ટર્બાઈન ફ્યૂલની કિંમત વધતા ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઑપરેશન એવિએશન કંપનીને મોંઘા પડે છે. 

ફ્લાઈટ ઑપરેશન પર કાપ મૂકાશે


આ કારણે એર ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાંથી કેટલાક રૂટ પર કાપ મૂકી દીધો છે. જેટ ફ્યૂલ મોંઘું થઈ રહ્યું છે અને મિડલ ઈસ્ટમાંથી લઈને પાકિસ્તાન સુધી એરસ્પેસ બંધ છે. આ કારણે વિમાનને બીજા રૂટ પરથી જવાનો વારો આવ્યો છે. આ કારણે વધારે ફ્યૂલની જરૂરિયાત ઊભી થાય છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકા માટે લાંબા અંતરના રસ્તાથી જવાની ફરજિયાત જરૂર પડે છે. જેટ ફ્યૂલની વધી રહેલી કિંમતથી માત્ર એર ઈન્ડિયા નહીં અન્ય એરલાઈન્સ પણ પરેશાન છે.જર્મની, આયરલેન્ડ, દુબઈ અને અમેરિકાની એરલાઈન્સે પોતાને યોગ્ય લાગે એ પ્રકારના નિર્ણય લીધા છે. કોઈએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી તો કોઈ એરલાઈન્સે રૂટ પર કાપ મૂકી દીધો છે. 

પ્રવાસીઓ ઘટી જશે

હકીકત એ પણ છે કે, એર ઈન્ડિયા બોઈંગ અને એરબસ એમ બન્ને પ્રકારના વિમાનનો ઓર્ડર આપી ચૂકી છે. પણ હવે ડિલેવરી મોડી થાય એવી પૂરી શક્યતાઓ છે. જૂના વિમાનને અપગ્રેડ કરવા માટે એર ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે. ખોટમાંથી બેઠા થવા માટે કંપનીએ આ પગલું એવા સમયે ભર્યું જ્યારે જેટ ફ્યૂલની કિંમત વધવામાં છે.આ કારણે એવિએશન કંપનીને વધારે આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ફ્લાઈટ ઑપરેશન ઘટી જતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ફેર પડ્યો છે. આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ અંગે સ્થિતિ હજુ ગંભીર થાય એવા અણસાર છે.