Sun Mar 15 2026

Logo

ઈરાન હુમલાથી ગુજરાતના વેપાર-ધંધાને આર્થિક ફટકોઃ 300 % વધ્યું ભાડું, વીમો થયો 60 % મોંઘો

1 week ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો ચોથો દિવસ છે. જેની અસર હવે ગુજરાતના વેપાર-ધંધા પર જોવા મળી રહી છે. શિપિંગ લાઈનોએ ખાડીના જોખમી રૂટ છોડી દેતા નૂર દરો, વીમા ખર્ચ અને ટ્રાન્ઝિટ સમયમાં મોટો વધારો થયો છે. પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા પસંદગીના રૂટ પર નૂર દરો 200-300 % વધ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મરીન વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં 60 % સુધીનો વધારો થયો છે. જહાજો હોર્મુઝની ખાડીથી દૂર ડાયવર્ટ થવાને કારણે જહાજોની ઉપલબ્ધતા ઘટી છે, જેનાથી આયાતકારો અને નિકાસકારોએ લાંબી રાહ જોવી પડી રહી છે અને ભારે ખર્ચ સહન કરવો પડી રહ્યો છે.

હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાનું ટાળ્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વિક્ષેપ પ્રસ્થાપિત શિપિંગ કોરિડોર વિશે ફરીથી વિચારવા મજબૂર કરી રહ્યો છે. મોટા કેરિયર્સ મિસાઇલના જોખમો, જહાજ જપ્ત થવાની ધમકીઓ અને વધતા વોર-રિસ્ક વીમા પ્રીમિયમને ટાંકીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે અથવા સ્થગિત કરી રહ્યા છે.

આ સંઘર્ષ રેડ સી(લાલ સુમદ્ર)માં  હુતી બળવાખોરોના હુમલાને કારણે પહેલેથી જ સર્જાયેલી અસ્થિરતામાં વધારો કરી રહ્યો છે. ભારત, ખાસ કરીને ગુજરાત માટે, જે મુંદ્રા પોર્ટ પર વધુ નિર્ભર છે, તેના માટે આ નૂર દરોમાં અસ્થિરતા, વીમા ખર્ચમાં વધારો, લાંબો ટ્રાન્ઝિટ સમય અને કન્ટેનરની સંભવિત અછત ઉભી કરે છે.

ભારતના 4.5 અબજ ડોલરના ડ્રાયફ્રૂટ આયાત ક્ષેત્ર પર પહેલેથી જ દબાણ દેખાઈ રહ્યું છે, જેમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં 20-30 ટકાનો વધારો થયો છે. આ વધારો અછતને કારણે નહીં પરંતુ શિપિંગ વિલંબ અને ઊંચા જોખમ પ્રીમિયમને કારણે છે. જો આ વિક્ષેપ મે-જૂન સુધી ચાલુ રહેશે, તો તહેવારોની સિઝનમાં ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. ભારતની ક્રૂડ ઓઈલ અને LNG આયાતનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડીની આસપાસથી પસાર થાય છે.

દબાણ હેઠળ ગુજરાતના નિકાસકારો

આ ઉપરાંત જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તેની અસર વર્તાઈ રહી છે. નૂર દરો 200-300% વધ્યા છે અને વીમા પ્રીમિયમમાં 60% સુધીનો વધારો થયો છે, જેમાં વોર-રિસ્ક વીમાનો પણ સમાવેશ થાય છે. આનાથી ગુજરાત અને સમગ્ર ભારતની આયાત અને નિકાસ બંને પ્રભાવિત થઈ છે.

એક અંદાજ મુજબ, એન્જિનિયરિંગ સામાન, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા નિકાસ ક્ષેત્રો ઊંચા લોજિસ્ટિક્સ ખર્ચને કારણે વૈશ્વિક સ્પર્ધામાં પાછળ પડવાનું જોખમ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત ખેતી, ઉત્પાદન અને નાણાકીય બજારો પર પણ ખર્ચનું દબાણ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ જોવા મળી શકે છે.