તહેરાન/દુબઈઃ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર ઈરાને હુમલો કરી દીધો છે. ડ્રોન હુમલાને કારણે સાઉદી અરેબિયાને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે અમેરિકાની મહત્ત્વની E-3 Sentry AWACS (Airborne Warning and Control System) વિમાનનો ખાતમો બોલી ચૂક્યો છે. આ સાથે હવામાં જ વિમાનને ફ્યુલ આપતા વિમાન પણ આ હુમલાનો શિકાર બન્યું છે. ઈરાને કરેલા દાવા અનુસાર આ હુમલામાં 10થી વધુ અમેરિકી સૈનિકોને ઈજા પહોંચી છે. બે સૈનિકોની સ્થિતિ ગંભીર છે.
હવે ચિંતાનો વિષય વધ્યો
સોશિયલ મીડિયા પર આવેલી તસવીરમાં E-3 Sentry AWACS વિમાનને ભારે નુકસાન થયું છે. અમેરિકાની સેનાના સેન્ટ્રલ કમાન્ડે આ ઘટના પર હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના રિપોર્ટ અનુસાર આ હુમલા બાદ વિમાનની તસવીર આવી છે.
ફ્લાઈટ ડેટા ટ્રેક અનુસાર આ બેઝ પર આશરે E-3 Sentry વિમાન પાર્ક હતા. એક સિવિલ સર્વિસ વિમાન હતું, જેનો ઉપયોગ આકાશમાં દુશ્મનો પર વૉચ રાખવા અને સંભવિત જોખમને પારખીને એલર્ટ કરવાનો છે. ઈરાની હુમલા દરમિયાન આ મહત્વપૂર્ણ વિમાનને થયેલા નુકસાનથી આ ક્ષેત્રમાં યુ.એસ.હવાઈ કામગીરીની ક્ષમતાઓ અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે.
કરોડો રૂપિયાનું વિમાન નષ્ટ
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ એક વિમાનની કિંમત આશરે $700 મિલિયન (₹6,600 કરોડ) છે. E-3 સેન્ટ્રી એરક્રાફ્ટને યુ.એસ. હવાઈ કામગીરીનો આધાર માનવામાં આવે છે.એરબોર્ન કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કાર્યરત, આ એરક્રાફ્ટ યુ.એસ. હવાઈ દળને ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી જેવી મહત્વપૂર્ણ ક્ષમતાઓ પૂરી પાડે છે.
1970ના દાયકાથી સેવામાં આ એરક્રાફ્ટે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ, કોસોવો યુદ્ધ, ઇરાક અને અફઘાનિસ્તાનમાં કામગીરી અને ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ સહિત અનેક મુખ્ય લશ્કરી ઝુંબેશમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ પ્લેટફોર્મ વિશાળ હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ કરવા અને વિવિધ લડાયક વિમાનો વચ્ચે કામગીરીનું સંકલન કરવા સક્ષમ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ અને સાઉદી અરેબિયા જેવા અન્ય ઘણા દેશોના સશસ્ત્ર દળો પણ આ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.
એક્સપર્ટનો મત
એર પાવર એક્સપર્ટના મત અનુસાર આ રીતે વિમાન પર હુમલો થાય ત્યારે સ્થિતિ અતિ ગંભીર બની જાય છે. અમેરિકી વિમાનનો જે રીતે ભોગ લેવાયો એ દુઃખદ અને ગંભીર ઘટના છે. હવે અમેરિકાના ડિફેન્સ પોલીસી એક્સપર્ટ કેલી ગ્રીકોએ અલર્ટ આપતા કહ્યું હતું કે, આનાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં અમેરિકાના ઑપરેશન કવરેજમાં ગેપ આવી શકે છે. આ કોઈ આકસ્મિક ઘટના છે. પૂર્વ આયોજિત પ્લાનનું પરિણામ છે.
ઈરાનની લાંબી અને નિશ્ચિત રણનીતિનો એક ભાગ હોઈ શકે છે.આ વિસ્તાર અમેરિકાના ઑપરેશન યુનિટનો મુખ્ય ભાગ હતો. ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકી સેના ઘણી રીતે આ એરબેઝ પર નિર્ભર છે. આ વિસ્તારને એટલે જ હાઈ વેલ્યુ ટાર્ગેટ તરીકે જોવામાં આવે છે. આ રીતે હુમલો કરીને અમેરિકી બેઝ કેમ્પને ખતમ કરાવાનો ઈરાનનો ઈરાદો છે.