Tue May 26 2026

Logo

આઇપીએલમાં હવે ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપ માટે કોણ રેસમાં છે, જાણી લો...

2026-05-26 18:37:17
Author: Ajay Motiwala
Article Image

ધરમશાલાઃ આઇપીએલ-2026ની લીગ મૅચો બાદ હવે પ્લે-ઑફ (play off) રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એમાં ખાસ કરીને બૅટિંગ તથા બોલિંગમાં કયા ખેલાડીઓ ટોચના સ્થાનો પર છે અને કોણ આવનારી મૅચોમાં અગ્રેસર રહી શકે એ જાણવાની ક્રિકેટપ્રેમીઓને ઇન્તેજારી હશે. હાલના કયા ખેલાડીઓને આવનારી મૅચોમાં કોણ પડકારી શકે એનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.

ગુજરાત-બેંગ્લૂરુ વચ્ચેની ક્વૉલિફાયર-વન મૅચ બાદ હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મૅચ રમાશે. ફૉર્મેટ મુજબ ક્વૉલિફાયર-વનની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જાય અને પરાજિત ટીમે શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં એલિમિનેટરની વિજેતા ટીમ સામે રમવું પડે અને એમાં જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવે.

પ્લે-ઑફ રાઉન્ડની આ ચાર ટીમના ખેલાડીઓમાંથી જેઓ ઑરેન્જ કૅપ (સર્વશ્રેષ્ઠ બૅટ્સમેન) અને પર્પલ કૅપ (સર્વશ્રેષ્ઠ બોલર) માટે દાવેદાર છે તેમની વચ્ચે હવે મુખ્ય હરીફાઈ છે.

ગુજરાત-બેંગ્લૂરુની મંગળવારની ક્વૉલિફાયર-વન પહેલાં (લીગ રાઉન્ડને અંતે) ગુજરાતના ઓપનર સાઇ સુદર્શન (638 રન) પાસે સર્વોચ્ચ બૅટ્સમૅન બનવા બદલ ઑરેન્જ કૅપ હતી. જોકે આ કૅપ માટે તેની સાથે ખાસ કરીને ગુજરાતનો જ શુભમન ગિલ, હૈદરાબાદનો હિન્રિક ક્લાસેન, રાજસ્થાનનો વૈભવ સૂર્યવંશી, હૈદરાબાદના ઇશાન કિશન તથા અભિષેક શર્મા તેમ જ બેંગ્લૂરુનો વિરાટ કોહલી પણ હરીફાઈમાં છે.

સર્વોચ્ચ બોલર બદલ પર્પલ કૅપ બેંગ્લૂરુના પેસ બોલર ભુવનેશ્વર કુમાર (24 વિકેટ) પાસે હતી. જોકે આ કૅપ માટે તેની સાથે ગુજરાતનો કૅગિસો રબાડા, રાજસ્થાનનો જોફ્રા આર્ચર, ગુજરાતનો જ રાશીદ ખાન, હૈદરાબાદનો એશાન મલિન્ગા તેમ જ ગુજરાતનો મોહમ્મદ સિરાજ પણ હરીફાઈમાં છે. બેંગ્લૂરુનો પેસ બોલર રસિખ સલામ (14 વિકેટ) તથા પ્રસિદ્ધ ક્રિષ્ના (14 વિકેટ) પણ હરીફાઈમાં છે.

ઑરેન્જ કૅપ માટે કોણ હરીફાઈમાં?

(1) સાઇ સુદર્શનઃ ગુજરાત, 638 રન

(2) શુભમન ગિલઃ ગુજરાત, 616 રન

(3) હિન્રિક ક્લાસેનઃ હૈદરાબાદ, 606 રન

(4) વૈભવ સૂર્યવંશીઃ રાજસ્થાન, 583 રન

(5) ઇશાન કિશનઃ હૈદરાબાદ, 569 રન

(6) અભિષેક શર્માઃ હૈદરાબાદ, 563 રન

(7) વિરાટ કોહલીઃ બેંગ્લૂરુ, 557 રન

પર્પલ કૅપ માટે કોણ હરીફાઈમાં?

(1) ભુવનેશ્વર કુમારઃ બેંગ્લૂરુ, 24 વિકેટ

(2) કૅગિસો રબાડાઃ ગુજરાત, 24 વિકેટ

(3) જોફ્રા આર્ચરઃ રાજસ્થાન, 21 વિકેટ

(4) રાશીદ ખાનઃ ગુજરાત, 19 વિકેટ

(5) એશાન મલિન્ગાઃ હૈદરાબાદ, 19 વિકેટ

(6) મોહમ્મદ સિરાજઃ ગુજરાત, 17 વિકેટ

(7) સાકિબ હુસૈનઃ હૈદરાબાદ, 15 વિકેટ