Fri May 01 2026

Logo

ગૃહનિર્માણ કૌભાંડમાં જળગાવના પાલક પ્રધાન જ સામેલ હતા!

2026-03-11 08:25:00
Author: પ્રફુલ શાહ
Article Image

પ્રફુલ શાહ

મરાઠીમાં `જળગાવ ઘરકુલ ઘોટાળા' તરીકે ઓળખાતા સ્કેમમાં આગળ થયું શું? છેક 2021ના ફેબ્રુઆરીમાં જળગાવ ડિસ્ટ્રિકટ કોર્ટે અંતે આ ગૃહનિર્માણ કૌભાંડ માટે સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકરને દોષિત જાહેર કર્યાં. આ કૌભાંડમાં સરકારને એટલે કે પ્રજાને રૂા. 110 કરોડનો ચુનો લાગ્યાનું પણ જાહેર થયું.

આ ખટલામાં ગુલાબરાવ દેવકર પર શું સાબિત થયું? ને તેઓ કેવી રીતે ગુનેગાર ઠર્યાં? એક દેવકરસાહેબ બાંધકામ સમિતિના અધ્યક્ષ હતા, જેની જવાબદારીઓ ઘણી હોય. બે, આ પ્રોજેક્ટની પ્રગતિની ચકાસણી સભ્યોમાં પણ તેઓ સામેલ હતા. સરકારી સમિતિ કે એના માનનીય સભ્યો જો પોતાની જવાબદારી પ્રામાણિકતા (એ વળી શું?)થી નિભાવે તો કૌભાંડ શકય જ ન બને. પણ આપણા એવા નસીબ ક્યાં?

વળી પોલીસ તપાસમાં શોધી કઢાયું હતું કે ખાનદેશ બિલ્ડર્સની સ્થાપના કરનારા જગન્નાથ વાણી અને રાજા મયુર બન્ને સુરેશ જૈનના મિત્ર હતા. જે. એમ. સી. તરફથી ખાનદેશ બિલ્ડર્સને મળેલી રકમ બે કંપનીમાં ટ્રાન્સફર કરાઈ એ બન્નેની માલિકી જૈનસાહેબના સગાંસંબંધીની હતી. એનાથી વધુ આશ્ચર્યની કે આઘાતની બાબત એ પર્દાફાશ થઈ કે ખાનદેશ બિલ્ડર્સના હેડકવાર્ટર્સ તરીકે અપાયેલું સરનામું સુરેશ જૈનનું સત્તાવાર નિવાસસ્થાન હતું!

મહારાષ્ટ્રના રાજકારણમાં ચકચાર જગાવનારા આ ખટલામાં કુલ 53 જણા સામે ગુના દાખલ કરાયા હતા, જેમાં જે. એમ. સી.ના અમુક કર્મચારી ય હતા. આ ખટલામાં ચુકાદો આવે એ અગાઉ ત્રણ આરોપી તો અનંતની યાત્રાએ નીકળી ગયા હતા. અને મુખ્ય કૌભાંડકર્તા જાહેર થયેલા સુરેશ જૈન ચુકાદા સમયે શિવસેના વતી વિધાન પરિષદના સભ્ય હતા.

આવા વગદાર રાજકારણીઓની સંડોવણી હોય ત્યારે કૌભાંડની તપાસ આસાન હોતી નથી. તપાસકર્તાઓએ ખાંડાની ધાર પર ચાલવાનું હોય છે. આ ગોટાળાની તપાસ આઈ.પી.એસ. ઓફિસર ઈશુ સિંધુ કરતા જ હતા.  સાથોસાથ આ કૌભાંડની વિગતોમાં ઊંડા ઉતરવા માટે ત્રણ - ત્રણ અલગ સમિતિ રચાઈ હતી. નેતાલોગના કરતુત છાપરે ચડીને બોલતા હોય એટલા જાતભાતના પ્રત્યાઘાત આવે ને આવવા જ જોઈએ. જાણીતા સમાજ સેવક અણ્ણા હઝારેએ સુરેશ જૈન અને ગુલાબરાવ દેવકર વિરુદ્ધ અન્ય આરોપો કર્યાં હતા.

આ બધું તો સમજ્યા પણ મુખ્ય તપાસકર્તા ઈશુ સિંધુનું નિવેદન જાણવા - સમજવા જેવું છે: `અમે આ કેસની ખૂબ જહેમતપૂર્વક તપાસ કરી હતી અને એકદમ સજજડ આરોપનામું અદાલતમાં દાખલ કર્યું હતું.' આ વાક્યો વચ્ચે ઘણી અવ્યક્ત હકીકતો સંતાયેલી છે. સ્વાભાવિક છે કારણ કે કૌભાંડની તપાસ દરમિયાન સુરેશ જૈન રાજ્યમાં પ્રધાન હતા અને શહેરી વાહન વ્યવહાર ખાતું સંભાળતા હતા. 

કહેવાની જરૂર ન હોય કે તપાસના છ વર્ષ દરમિયાન ન જાણે કેટકેટલી અને કેવી રીતે રાજકીય વગ અને દબાણના ઉપયોગ થતા રહ્યા હશે ને ક્યારેક તપાસ ટીમના અધિકારીઓની બદલી થઈ જેને સત્તાવાર પણ રાબેતા મુજબની ટ્રાન્સફર ગણાવવાનું મુશ્કેલ નથી. ક્યારેક તપાસ પૂરી કરવામાં અડચણો ઊભી કરાતી રહી.

આ સામાન્ય કેસ નહોતા. આ કૌભાંડમાં સત્તાધિશ રાજકારણીઓ, જળગાંવ પાલિકાના અમલદારો, કોન્ટ્રાક્ટર્સ અને ધનવાન બિલ્ડર્સ સંડોવાયેલા હતા. છતાં એ ઉઘાડું પડ્યું એ નાનીસુની ઘટના ન ગણાય. આમ છતાં પોલીસ ફરિયાદ બાદ તપાસ પૂરી થઈ, કોર્ટમાં આરોપનામું દાખલ થયું. એ સમયના ઈન્ડિયન પિનલ કોડની સેક્શન્સ 409, 420 અને 120બી, પ્રિવેન્શન ઑફ કરપ્શન એકટની સેકશન્સ 7, 12(1)(ડી) અને 13(2) ઉપરાંત મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એકટની સંબંધિત જોગવાઈ હેઠળ કામ ચલાવાયું હતું.

આપણા દેશને કે ભારતને કૌભાંડની જરાય નવાઈ નથી. એમાંય રાજકારણીઓ કે મોટા માથા સંડોવાયેલા ન હોય તો આઘાત થાય. બચાડો આમ આદમીને તો પેટિયું રળવા, કર ચુકવવા, ટે્રનની ભીડ, ગુંગળાવતા પ્રદૂષણ અને ભયંકર ટ્રાફિકમાંથી નવરાશ મળે તો કંઈક સાચું કે ખોટું કરવાનું વિચારી શકે ને?

જળગાંવ ઘરકુળ કૌભાંડની વધુ એક વિચિત્રતા જુઓ કે બેમાંથી એક મુખ્ય આરોપી તો પાછાં જળગાંવના ભૂતપૂર્વ પાલક પ્રધાન હતા! વાડ ઊઠીને ચીભડા ગળે એનું આનાથી વધુ શરમજનક ઉદાહરણ શું હોઈ શકે!

જળગાંવ ગૃહનિર્માણ કૌભાંડની પોલીસ ફરિયાદ, આરોપનામું, કોર્ટની કાર્યવાહી અને સજા પછી શું થયું? એ અગાઉ અને પછી કેવા ખેલ ખેલાયા એ તો `માનો યા ન માનો'ની દુનિયામાં લઈ જશે! (ક્રમશ:)