Sat Sep 12 2026

Logo

દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠાની સરકારી જમીન પરથી રૂપિયા ૨.૩૧ કરોડથી વધુના ધાર્મિક દબાણો દૂર કરાયા

2026-05-01 18:33:57
Author: Vimal Prajapati
દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠાની સરકારી જમીન પરથી રૂપિયા ૨.૩૧ કરોડથી વધુના ધાર્મિક દબાણો દૂર કરાયા

(અમારા પ્રતિનિધિ તરફથી) 

દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ બીજા દિવસે પણ જોરશોરથી ચાલુ રહી છે. પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની સીધી દેખરેખ હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે વરવાળા ગામના દરિયાકાંઠે આવેલા સરકારી સર્વે નંબર 51માં એક મોટા ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવ્યું છે. 

કરોડોની કિંમતના દબાણો દૂર કરવામાં આવ્યાં
 
વહીવટી તંત્રના અંદાજ મુજબ આ દબાણ હેઠળની મિલકતની કિંમત આશરે રૂપિયા 1.06 કરોડ આંકવામાં આવી રહી છે. ત્યારબાદ વહીવટી કાફલો પોશીત્રા ગામે પહોંચ્યો, જ્યાં સરકારી સર્વે નંબર 567 અને 51માં આવેલા અન્ય ધાર્મિક દબાણો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પોશીત્રા ખાતે દૂર કરાયેલા આ તમામ દબાણોની કુલ અંદાજિત કિંમત રૂપિયા 1.24 કરોડ જેટલી થાય છે.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રના સુવ્યવસ્થિત આયોજનને કારણે બીજા દિવસની આ કામગીરી પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. દરિયાકાંઠાની કીમતી સરકારી જમીનોને દબાણમુક્ત કરવાની તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.