(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઉકાઇના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ કરી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે રૂપિયા ૧૨૫ કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે એમ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક તેમજ પ્રવાસન રાજ્ય પ્રધાન ડો. જયરામ ગામીતે જણાવ્યું હતું. ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન આયોજિત "રૂરલ, ટ્રાઈબલ એન્ડ વેડિંગ ટુરિઝમ" વિષયક સેમિનારમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી ગામીતે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરવા માટે પ્રવાસન વિભાગ મહત્વની ભૂમિકા અદા કરી શકે એમ છે એમ કહી તેમણે રાજ્ય સરકાર દ્વારા સાપુતારા સહિત રાજ્યમાં આવેલા મહત્વના પ્રવાસન સ્થળોએ પ્રવાસન વિકાસ માટે કરવામાં આવેલી કામગીરી અંગે વિગતે છણાવટ કરી હતી.
ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવામાં આવશે
વધુમાં તેમણે ગ્રામીણ વિસ્તારમાં તેમજ આદિવાસી વિસ્તારમાં પ્રવાસનના વિકાસ થકી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે એમ કહી તેમણે ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસનના વિકાસ થકી રોજગારીનું સર્જન કરવામાં ખુબ મદદ મળશે એમ કહ્યું હતું. પ્રવાસનના વિકાસથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રોજગાર અને સ્વરોજગાર થકી ગ્રામીણ અર્થતંત્ર મજબુત થશે. ગ્રામીણ વિસ્તારમાં ઉત્પાદિત ખેતપેદાશો, હાથ બનાવટની વસ્તુઓ, ટ્રાઈબલ કલ્ચર, ટ્રાઈબલ ટ્રેડિશનનો પણ વ્યાપક પ્રચાર પ્રસાર થતાં પ્રવાસનને વેગ મળશે. જેનાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત થતા સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરી શકાશે તેમ જણાવ્યું હતું.
આનાથી ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમને વેગ મળશે
ગુજરાત ગુજરાતના આદિવાસી વિસ્તાર, દરિયા કિનારો, વર્લ્ડ ક્લાસ રિસોર્ટ, રણવિસ્તાર પ્રવાસનના વિકાસ માટે અમાપ શક્યતા ધરાવે છે જેનાથી ડેસ્ટિનેશન વેડિંગ ટુરિઝમને વેગ મળશે એમ જણાવ્યું હતું. પ્રવાસન વિભાગના એચ.એમ સોલંકીએ ગુજરાતમાં પ્રવાસન, જી.ડી.પીમાં પ્રવાસન વિભાગનો ફાળો, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં પ્રવાસન વિકાસની તકો અને પ્રવાસન વિકાસથી રોજગાર સર્જન અને અર્થતંત્ર ફાળા અંગે વિગતે જાણકારી આપી હતી.