ભાટી એન.
ભવાઈ કલા ગુર્જર વસુંધરાની અનમોલ કલા છે, તેમાં તમામ પાત્રો પુરુષ ભજવે છે. તેમાંય સ્ત્રી પાત્ર એટલું આબેહૂબ ભજવે કે સાચે જ દર્શકો તેના પર મનમોહિત થઈ જાય અને રૂપિયાનો વરસાદ કરી નાખે તો ભવાઈ કલામાં હાસ્ય કલાકાર ડાગલો પાત્ર જોતાંવેત પેટ પકડી હસવું આવે અને જેદી ફિલ્મી દુનિયા કે ટેલિવિઝનનું અસ્તિત્વ નોતું તેદી ભવાઈ કલા જ મનોરંજનનું બેસ્ટ સાધન હતું.
રાત્રે ગામનાં ચોરે કે ચોકમાં ભવાઈ ભજવાય તે જોવા ભારે ભીડ રહેતી અને સમાજ ઉપયોગી નાટકો ભજવે તેમ જ કુરિવાજ દૂર કરવા કટાક્ષ કરે એટલે જન જાગૃતિનું બેસ્ટ કામ કરે. ભવાઈ કલાનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે, તેનાથી તમે અવગત હશો પણ એક બ્રાહ્મણ પરિવારે એક દીકરીને બચાવવા કરેલ કામગીરીથી તેમનાં પર સંકટનાં વાદળો વરસી ગયા અને ભવાઈ કલા તરફ જવાનું થયું આવું બલિદાન આપનાર ભવાઈ પરિવારને જાજેરી જુવાર સલામ છે.
ભવાઈ ગુજરાતનું આશરે 700 વર્ષ જૂનું લોકનાટ્ય છે, જેના જનક 14મી સદીમાં સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અસાઈત ઠાકર હતા. સામાજિક કુરિવાજો પર કટાક્ષ અને મનોરંજન માટે શરૂ થયેલી આ કલામાં ભૂંગળ વાદ્ય મુખ્ય છે. એમાં અસાઈતે પટેલની પુત્રીને બચાવી જ્ઞાતિબહાર થયા બાદ વિકસાવી હતી એવી લોક વાયકા છે. શહેરો અને ગામડાઓમાં જઈ સામાજિક અને ધાર્મિક મેસેજ આપવાનું માધ્યમ એ ભવાઈ છે. ભવાઈમાં જે વાદ્યો વપરાય છે. તેનું ખાસ મહત્ત્વ છે.
ભવાઈમાં મુખ્યત્વે ભૂંગળ તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગી વગેરે વાજિંત્રો વપરાય છે. ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ ભવ પરથી ઊતરી આવ્યો હોઈ શકે છે, જેનો અર્થ અભિવ્યક્તિ અથવા લાગણી થાય છે. તે હિન્દુ દેવી અંબા સાથે પણ સંકળાયેલ છે. ભવનો અર્થ બ્રહ્માંડ અને આઈનો અર્થ માતા થાય છે, તેથી તેને બ્રહ્માંડની માતા અંબાને સમર્પિત કલા સ્વરૂપ પણ ગણી શકાય. ભવાઈને વેશા અથવા સ્વાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ ‘ઊઠવું’ થાય છે.
એવું માનવામાં આવે છે કે અસાઇત ઠાકરે લગભગ 360 નાટકો અથવા વેશા (શાબ્દિક પોશાક) લખ્યા હતા, પરંતુ ફક્ત 60 નાટકો જ બચ્યાં છે, જેમાં કેટલાક તેમના પોતાના નામ સાથે છે. તેમના એક નાટકમાં, અસાઇત તેમની રચના 1360 ઈ.સ.માં લખી હતી. ભવાઈ નાટકનો વિકાસ લોક મનોરંજનના પહેલાના સ્વરૂપોમાંથી થયો હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. તે મધ્યયુગીન સંસ્કૃત ઉપરૂપક (સ્વરૂપો) પરથી ઉદ્ભવ્યું હશે, આજે ભવાઈ કલા છેલ્લા શ્વાસ લે છે. સરકારે આગળ આવી તેમને પ્રોત્સાહન આપવું પડશે.