અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. અમદાવાદમાં ભાજપે ગઢ ખાડિયા ગુમાવ્યો હતો. તેમ છતાં 192 બેઠકમાંથી 160 સીટ પર કબજો કર્યો હતો. બાપુનગર અને સરસપુરમાં ભાજપની પેનલ તૂટી હતી. અમદાવાદના સરદારનગરમાં ભાજપનાં મૂળ પાકિસ્તાની ઉમેદવાર વિજેતા થયા હતા.

કોણ છે આ ઉમેદવાર
મૂળ પાકિસ્તાનના સિંધમાં જન્મેલા અને 1990માં હિજરત કરીને અમદાવાદમાં આવીને વસેલા ડિમ્પલ વરિન્દાનીનો સરદારનગર વોર્ડમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયો હતો. પાકિસ્તાનથી હિજરત કરીને આવ્યાના 22 વર્ષ બાદ તેમને ભારતીય નાગરિકતા મળી હતી. જેના લીધે પાકિસ્તાનથી હિજરત કરીને આવનારા લોકોને નાગરિકતા અપાવવા માટે વર્ષ 2016થી કાર્યરત છે. અત્યાર સુધી અમદાવાદમાં 4500 સહિત રાજ્યમાં 6000 જેટલા પાકિસ્તાનીઓને તેમણે નાગરિકતા અપાવી છે. ડિમ્પલ વરિન્દાનીને 19606 મત મળ્યા હતા.

ડિમ્પલ વરિન્દાની એ સરદારનગર વિસ્તારમાં સક્રિય ભાજપના નેતા અને સામાજિક કાર્યકર છે. તેઓ BJP કર્ણાવતી શહેર કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સરદારનગર વોર્ડ - 11 માંથી ભાજપે તેમને ટિકિટ આપી હતી. તેઓ હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટના પ્રમુખ છે. આ ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરોની પરિયાદ નિવારણ સમિતિના સભ્ય પણ છે.
અમદાવાદમાં શું આવ્યું પરિણામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો હતો. 192માંથી 160 સીટ પર ભગવો લહેરાયો હતો. ભાજપને સતત પાંચમી વાર બહુમતી પ્રાપ્ત થઈ હતી અને કોંગ્રેસની ગત ટર્મની બેઠકોમાં આઠ બેઠકનો વધારો થયો હતો અને 32 બેઠક મળી હતી.