અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો હતો. 192માંથી 160 સીટ પર ભગવો લહેરાયો હતો. ભાજપને સતત પાંચમી વાર બહુમતી પ્રાપ્ત થઈ હતી અને કોંગ્રેસને ગત ટર્મની બેઠકોમાં આઠ બેઠકનો વધારો થયાના સંતોષ સાથે વિપક્ષમાં બેસવાનુ સ્વીકારવું પડયું છે.
ભાજપની જીતનું કારણ
ભાજપ નેતાગીરીએ 60 વર્ષના અને 3 ટર્મ થઈ ગઈ હોય તેવા જૂના કોર્પોરેટરોના સ્થાને નવા ચહેરાને તક આપી હતી. કાર્યકરોની નારાજગી છતાં મોટાભાગના શહેરી મતદારોએ ભાજપમાં જ વિશ્વાસ વ્યક્ત કરી ભાજપના ઉમેદવારોને મત આપ્યા હતા. તેના પરિણામે ભાજપને બે બિનહરીફ બેઠક સહિત ફરી 160 બેઠક મળી હતી. ભાજપ નેતાગીરીને આ વખતની મ્યુનિ. ચૂંટણીમાં 165 થી 170 બેઠક જીતવાની આશા હતી, પરંતુ ખાડિયા, બાપુનગર અને સરસપુરમાં કુલ મળીને છ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
કોંગ્રેસની સીટ કેમ વધી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના 32 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આમ આદમી પાર્ટી અને AIMIM કરતાં મતદારોએ કોંગ્રેસને મત આપવાનું પસંદ કર્યું હતું. જેના કારણે કોંગ્રેસની 8 સીટ વધી હતી.
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ કેમ કાર્યા
આ વખતની મ્યુનિસિપલ ચૂંટણી ઘણા ઉમેદવારો માટે આશ્ચર્યજનક પરિણામો લઇ આવી હતી. ભાજપ નેતાગીરીએ મહેનત કરીને જે બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો 300-500 મતે વિજેતા બન્યા હતા તેવી બેઠકો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતા ત્રણ બેઠક ઉપર વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસના સિનિયર અને લડાયક ગણાતા રાજેશ્રી કેસરી, જગદીશભાઈ રાઠોડ તેમજ ધીમે ધીમે ઘડાતા જતાં અકબરભાઈ ભઠ્ઠી જેવા ઉમેદવારોનો પરાજય થવા પામ્યો હતો. જ્યારે ગોમતીપુરમાં સતત વિજયી બનતા કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ઇકબાલ શેખ આ વખતે ગોમતીપુર વોર્ડમાં અનામતના કારણે AIMIMમાં જોડાઈ ગયા હતા. પરંતુ ગોમતીપુરના મતદારોએ સ્વીકાર્યા નહોતા અને કોંગ્રેસની પેનલને વિજયી બનાવી હતી.
ભાજપની પેનલ ક્યાં તૂટી
મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ધારણા મુજબ જ કોંગ્રેસ પક્ષને લઘુમતી અને દલિત વર્ચસ્વવાળા વિસ્તારોમાંથી જ વધુમાં વધુ બેઠકો પ્રાપ્ત થવા પામી છે અને સાત વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. તેમજ સરસપુર રખિયાલ વોર્ડમાંથી એક અને બાપુનગર વોર્ડમાંથી એક એક બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેના પર સૌની નજર રહેશે.