Wed Aug 26 2026

Logo

EV ચાર્જિંગમાં બ્લાસ્ટ બાદ એકસાથે 10 ગેસ સિલિન્ડર ફાટ્યા, 6 ના કરૂણ મોત

2026-03-18 09:05:00
Author: Mumbai Samachar Team
EV ચાર્જિંગમાં બ્લાસ્ટ બાદ એકસાથે 10 ગેસ સિલિન્ડર ફાટ્યા, 6 ના કરૂણ મોત

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. બુધવારે (18 માર્ચ) ની વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખું ઘર રાખમાં ફેરવાઈ ગયું હતું. કમનસીબે, આ ઘટનામાં ફસાયેલા એક જ પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને માંડ-માંડ બચાવી લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ આગ લાગવાનું પ્રાથમિક કારણ ઘરની બહાર ચાર્જિંગમાં મુકાયેલું ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) હોવાનું મનાય છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ જ્યારે વાહન ચાર્જ થઈ રહ્યું હતું, ત્યારે તેના ચાર્જિંગ પોઈન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ લાગેલી આગ વાહનમાંથી ઝડપથી ઘરની અંદર ફેલાઈ ગઈ હતી. આ મકાન બિઝનેસમેન મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હોવાથી ઘરમાં કેટલાક જ્વલનશીલ કેમિકલ્સ પણ પડ્યા હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ઘરમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા આધુનિક ઇલેક્ટ્રોનિક લોક જ પરિવાર માટે કાળ સાબિત થયા. આગ લાગ્યા બાદ પાવર કટ થઈ જવાથી ઘરના તમામ ઇલેક્ટ્રોનિક લોક જામ થઈ ગયા હતા. બેડરૂમ અને મુખ્ય દરવાજાના લોક ન ખુલવાને કારણે અંદર રહેલા લોકો બહાર નીકળી શક્યા નહીં અને અંદર જ ફસાઈ ગયા. રેસ્ક્યુ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને પણ દરવાજા તોડીને અંદર પ્રવેશવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયર વિભાગ અને પોલીસની ટીમ સામે અનેક પડકારો હતા. ઘરમાં અંદાજે 10 થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. આગની ગરમીને કારણે પોલીસની નજર સામે જ બે-ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા, જેનાથી બચાવ કાર્યમાં અવરોધ ઊભો થયો હતો. ફાયર ફાઈટરોએ પડોશી મકાનોની છત પરથી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ધુમાડાના ગોટેગોટા વચ્ચે ત્રણ લોકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ બાકીના 6 સભ્યો રૂમમાં જ ટ્રેપ થઈ ગયા હોવાથી તેમને બચાવી શકાયા નહોતા.