Sat Mar 14 2026

Logo

વૈશ્વિક ઉથલપાથલ છતાં ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ, જાણો કોણે આપ્યો સપોર્ટ

2 weeks ago
Author: Tejas Rajpara
Article Image

મુંબઈ: ભારતીય શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ દિવસે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.  પાછલા સપ્તાહની પોઝિટિવ ટ્રેન્ડને આગળ ધપાવતા સપ્તાહના પહેલા દિવસે શેર બજાર લીલા નિશાન સાથે ખુલતુ જોવા મળ્યું. દલાલ સ્ટ્રીટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે ખુલ્યા હતા, જે દર્શાવે છે કે વૈશ્વિક દબાણ છતાં ભારતીય બજારમાં ખરીદીનો ટેકો જળવાઈ રહ્યો છે.

શેરબજારની શરૂઆતમાં BSE સેન્સેક્સ 92.12 પોઈન્ટના વધારા સાથે 82,906.83 પર ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 107.15 પોઈન્ટ ઉછળીને 25,678.40 ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સની 30 મુખ્ય કંપનીઓમાંથી 20 ના શેરમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં એક્સિસ બેન્કમાં સૌથી વધુ 1.21%નો ઉછાળો જોવો મળ્યો હતો. જ્યારે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ પણ બજારને ટેકો આપ્યો હતો. જોકે, ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા અને ઇન્ફોસિસ જેવા શેરોમાં શરૂઆતી ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખની છે કે, અમેરિકી સુપ્રીમ કોર્ટનો ટેરિફ વિરોધી ચુકાદો અને NVIDIA ના શાનદાર પરિણામોની અપેક્ષા જેવા વૈશ્વિક પરિબળોએ આજે ભારતીય શેરબજારને મજબૂત ટેકો આપ્યો છે.

વૈશ્વિક બજારની વોલેટાલિટી
વૈશ્વિક સ્તરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે બજારમાં ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્રમ્પે આયાત પરના ટેરિફને 10% થી વધારીને 15% કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય માટે તેમણે કલમ-122 નો ઉપયોગ કર્યો છે, જેની અસર હેઠળ અમેરિકી ફ્યુચર્સ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. વેપારીઓ અને ઉદ્યોગ જગતમાં આ નીતિને કારણે જીવનનિર્વાહના ખર્ચમાં વધારાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર પડી શકે છે.

રોકાણકારોની નજર આ અઠવાડિયે ટેક જાયન્ટ NVIDIA ના ચોથા ક્વાર્ટરના પરિણામો પર પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં આ કંપનીનો રિપોર્ટ બજારની આગામી દિશા નક્કી કરશે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઇરાન-અમેરિકા વચ્ચેની સૈન્ય હિલચાલને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. જેને પગલે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને કોમેક્સ પર તે $5,068 ના ઇન્ટ્રાડે હાઇ લેવલ પર પહોંચી ગયું છે.