Sat Mar 14 2026

Logo

ડૉલર સામે રૂપિયો ચાર પૈસા વધ્યો

3 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં ગઈકાલના બંધ સામે ચાર પૈસા વધીને 90.68ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.72ના બંધ સામે સુધારાના અન્ડરટોને 90.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.71 અને ઉપરમાં 90.59ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા વધીને 90.68ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છેકે ગઈકાલે પણ ડૉલર સામે રૂપિયો બે પૈસા વધીને બંધ રહ્યો હતો. 

એકંદરે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલીના નિર્દેશ અને આજે ઈક્વિટી માર્કેટમાં સુધારો આવવાની સાથે અમુક અંશે રિઝર્વ બૅન્કની પણ ડૉલરમાં છૂટીછવાઈ વેચવાલીનું દબાણ રહેતા રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને સુધારા સાથે બંધ રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલકુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવી રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા વધીને 97.22 આસપાસ તેમ જ બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.22 ટકા વધીને બેરલદીઠ 67.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 283.29 પૉઈન્ટ અને 93.95 પૉઈન્ટ વધીને બંધ આવ્યા હોવાથી તથા ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 995.21 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.