Wed Aug 26 2026

Logo

મુંબઈમાં મરાઠી ભાષા ફરજિયાત કરવા મુદ્દે ઓટોચાલકોનું પ્રદર્શન, રસ્તા રોકી વાહનચાલકો સાથે ગુંડાગીરીના આરોપ

2026-08-24 17:50:26
Author: Mumbai Samachar Team
મુંબઈમાં મરાઠી ભાષા ફરજિયાત કરવા મુદ્દે ઓટોચાલકોનું પ્રદર્શન, રસ્તા રોકી વાહનચાલકો સાથે ગુંડાગીરીના આરોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના કાંદિવલી લિંક રોડ પર ઓટો-રિક્ષાચાલકોએ રસ્તા પર પોતાના વાહનો રોકીને મરાઠી ભાષા ફરજિયાત કરવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. રસ્તા પર ભયંકર ટ્રાફિક જામને કારણે પ્રવાસીઓને હેરાનગતિ પડી હતી. અમુક ઓટોરિક્ષા ચાલકોને ધમકી આપવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. બિનમરાઠી ભાષી ઓટો-રિક્ષાચાલકોના વિરોધ અન્વયે રસ્તો રોકવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિકને નિયંત્રણમાં લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મુંબઈના કેટલાક વિસ્તારમાં આજે સામાન્ય લોકોને કેટલાક ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો દ્વારા કથિત ગુંડાગીરીનો ભોગ બનવું પડ્યું હતું. આ ચાલકો રાજ્ય સરકારના મરાઠી શીખવાના અભિયાનનો વિરોધ કર્યો હતો અને સમુદાયના અન્ય ડ્રાઈવરોને મુસાફરોને બેસાડતા અટકાવ્યા હતા. અમુક ડ્રાઈવરોએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારી ઉંમર પચાસ-60 વર્ષની થઈ છે. અમે ક્યારેય સ્કૂલ ગયા નથી તો હવે અમને કઈ રીતે મરાઠી આવડશે. આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ભૂખ-હડતાળ પર ઉતરીશું.

સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક વીડિયોમાં ઉપનગરીય કાંદિવલી, મલાડ (પશ્ચિમ), સાંતાક્રુઝ, દહિસર, અંધેરી અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવો કરતા દર્શાવવામાં આવ્યા હતા. કાંદિવલી (પશ્ચિમ)ના લાલજીપાડામાં સવારે 9 વાગ્યાની આસપાસ વાહનચાલકો દ્વારા ભીડના સમયે રાસ્તા-રોકો કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી દેખાવકારોને વિખેરી નાખતા થોડીવારમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

એક જૂથે કથિત રીતે અન્ય ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો તેમજ એપ-આધારિત કેબ ચલાવતા ડ્રાઇવરોને મુસાફરોને લઈ જતા અટકાવ્યા હતા. તેમણે કથિત રીતે કેટલાક ડ્રાઇવરોને મુસાફરોને વાહનોમાંથી નીચે ઉતારવા દબાણ કર્યું હતું. કેટલાક ડ્રાઇવરોએ એવી પણ ફરિયાદ કરી હતી કે દેખાવકારોએ તેમના વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

બોરીવલી આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને જાણવા મળ્યું છે કે કોઈએ ડ્રાઇવરોમાં ખોટી માહિતી ફેલાવી છે કે સામાન્ય વપરાશની મરાઠી ભાષા નહીં આવડતી હોય એમને 5,000થી 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

20 ઓગસ્ટે આરટીઓ દ્વારા 1,268 કમર્શિયલ પેસેન્જર વાહન ચાલકને મરાઠી ભાષાની જરૂરી જાણકારી ન હોવા બદલ નોટિસ ફટકારી હતી. એના એક દિવસ પછી મહારાષ્ટ્રભરમાં 1,499 મરાઠી નહીં બોલતા ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી હતી. 
(પીટીઆઈ)