મુંબઈ: વંદે ભારત એક્સપ્રેસને તમે સ્ટેશન પરથી પસાર થતી કે રેલવે ટ્રેક પર ઝડપી ગતિએ દોડતી તો અનેક વખત જોઈ હશે, પરંતુ ઊંચા પહાડો અને ગાઢ જંગલો વચ્ચે આ અત્યાધુનિક ટ્રેનનો આકાશમાંથી દેખાતો નજારો ખરેખર અદભૂત છે. સોશિયલ મીડિયા પર હાલ વંદે ભારત એક્સપ્રેસનો આવો જ એક એરિયલ વીડિયો ચર્ચામાં છે, જેમાં ટ્રેન લીલીછમ હરિયાળી વચ્ચે ફિલ્મી દૃશ્યના માફક જોવા મળ્યું હતું.
વીડિયોમાં ચારે તરફ લીલાછમ જંગલોથી ઢંકાયેલા ઊંચા પહાડો નજરે પડે છે. આ પહાડોની વચ્ચે બનાવવામાં આવેલા વળાંકવાળા રેલવે ટ્રેક પર વંદે ભારત એક્સપ્રેસ ઝડપથી આગળ વધતી જોવા મળે છે. ડ્રોન કેમેરાથી ઉપરથી રેકોર્ડ કરવામાં આવેલા આ દૃશ્યમાં ટ્રેનનો કેસરિયા રંગ ગાઢ લીલાછમ જંગલ વચ્ચે ખાસ રીતે ઊભરી આવે છે.
New age trains! Make more in India 🇮🇳 pic.twitter.com/TUjZup3iKz
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 23, 2026
ટ્રેન જેમ જેમ પહાડોના વળાંકમાંથી પસાર થાય છે, તેમ તેમ કેમેરામાં એક સાથે પહાડ, જંગલ અને રેલવે ટ્રેકનો અદ્ભુત નજારો કેદ થાય છે. એક તરફ કુદરતની શાંતિ અને બીજી તરફ આધુનિક ટેક્નોલોજીનું પ્રતીક બનેલી વંદે ભારતની ઝડપ આ બંનેનું અનોખું સંયોજન આ આખા વીડિયોને વધુ ખાસ બનાવે છે.
આ દૃશ્યની સુંદરતામાં હળવા વાદળો અને ધુમ્મસે પણ વધારો કર્યો છે. કેટલાક ભાગોમાં તો એવું લાગે છે કે જાણે ઊંચા પહાડ વાદળોની ચાદરમાં છુપાઈ ગયા હોય. જમીન પરથી જોવામાં આવતો આ પ્રવાસ કદાચ સામાન્ય રેલવે મુસાફરી જેવો લાગે, પરંતુ હવામાંથી કેદ કરાયેલા આ દૃશ્યે સમગ્ર સફરને જાણે કોઈ ફિલ્મના દૃશ્યમાં ફેરવી દીધી છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ આ અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો સાથે તેમણે “નવી પેઢીની ટ્રેનો! ભારતમાં વધુ બનાવીએ” એવો સંદેશ લખ્યો હતો. પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આ વીડિયો તરફ ખેંચાયું છે. લોકો કુદરતી સૌંદર્ય અને ભારતની આધુનિક રેલ ટેક્નોલોજીના આ અનોખા સમન્વયને પસંદ કરી રહ્યા છે.
વંદે ભારત એક્સપ્રેસનો આ એરિયલ વ્યૂ માત્ર ટ્રેનની ઝડપ જ નહીં, પરંતુ ભારતના રેલવે નેટવર્ક અને કુદરતી સૌંદર્ય વચ્ચેનો અદ્ભુત તાલમેલ દર્શાવે છે. ગાઢ જંગલ, ઊંચા પહાડ, ધુમ્મસ અને તેની વચ્ચે દોડતી વંદે ભારતનો આ મનમોહક નજારો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના પર મંત્રમુગ્ધ બન્યા હતા.