Sat Aug 29 2026

Logo

યુદ્ધથી અસરગ્રસ્ત દેશોનાં ચલણ નહીં પણ રૂપિયો જ કેમ તૂટે છે?

2026-04-01 08:49:00
Author: Bharat Bharadwaj
યુદ્ધથી અસરગ્રસ્ત દેશોનાં ચલણ નહીં પણ રૂપિયો જ કેમ તૂટે છે?

એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ

ભારતીય રૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડૉલર સામે 95 રૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂપિયાએ 30 માર્ચે અમેરિકન ડોલર સામે 88 પૈસા તૂટીને 95.22 પ્રતિ ડૉલરની નવી નીચલી સપાટી બનાવેલી.  નાણાકીય વરસના છેલ્લા દિવસે થોડો સુધારો થતાં રૂપિયો 94ની અંદર આવી ગયો એ સારા સમાચાર છે પણ એકંદરે રૂપિયાની હાલત ખરાબ તો છે જ. 

અમેરિકા-ઇઝરાયલના ઇરાન સામેના યુદ્ધને લીધે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે રૂપિયો સતત તૂટતો જ જાય છે ને છેલ્લા એક મહિનામાં જ અમેરિકન ડૉલર સામે 4 ટકાથી વધારે  ઘટ્યો છે.  યુદ્ધના કારણે રૂપિયાના ધોવાણમાં તેજી આવી છે, બાકી રૂપિયો ઘણા સમયથી ઘસાઈ જ રહ્યો છે ને તેની સાબિતી એ છે કે, 2025-26ના નાણાકીય વર્ષમાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 1 ટકાથી વધુ તૂટી ગયો છે.

 

ઇરાન યુદ્ધ ચાલુ રહેશે તો અમેરિકન ડૉલર સામે રૂપિયો 98 સુધી જઈ શકે છે એવી આગાહીઓ થઈ રહી છે. કદાચ સદી પણ નોંધાવી દે. ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મજાક ઉડાવતાં કટાક્ષ કરેલો કે, ડૉલર સામે રૂપિયો મનમોહનસિંહની ઉંમર કરતાં પણ વધારે ઝડપથી વધી રહ્યો છે. મોદી સાહેબના શાસનમાં તો એ સ્પર્ધા જ નથી રહી. 

મોદી સાહેબ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર 65 વર્ષ હતી ને ડૉલર સામે રૂપિયો 58ની સપાટી પર હતો. 12 વર્ષમાં મોદી સાહેબ 75 પર પહોંચ્યા ને રૂપિયો 95ને પાર થઈ ગયો છે. મોદી સાહેબને લાંબું આયુષ્ય મળે ને ઉંમરની સદી પૂરી કરે એવી શુભકામના છે પણ મોદી સાહેબ સદી પૂરી કરશે એ પહેલાં ડોલર સામે રૂપિયો સદી પૂરી કરી ચૂક્યો હશે તેમાં બેમત નથી.  

ગયા વરસે રૂપિયામાં ધોવાણ શરૂ થયું ત્યારે આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને હાસ્યાસ્પદ દલીલ કરી હતી કે, રૂપિયો નબળો નથી પડી રહ્યો પણ અમેરિકાનો ડૉલર મજબૂત થઈ રહ્યો છે તેથી ડૉલરના ભાવ ઉંચકાઈ રહ્યા છે. નિર્મલા સીતારામન પાસેથી કોઈ બુદ્ધિગમ્ય વાતની અપેક્ષા છે જ નહીં તેથી તેમની વાતથી આંચકો નહોતો લાગ્યો પણ કેટલાક ભક્તજનોએ આ વાતને વધાવી લઈને સોશ્યલ મીડિયા પર જોરશોરથી તેનો પ્રચાર કરેલો.

આ ભક્તજનોના લાભાર્થે એક હકીકત તરફ ધ્યાન દોરી દઈએ કે, રૂપિયા સામે ડૉલર જ નહીં પણ યુરો અને પાઉન્ડ પણ મજબૂત થયા છે. વરસ પહેલાં એક યુરોના 92 રૂપિયાની આસપાસ હતા ને અત્યારે 108 છે જ્યારે એક પાઉન્ડના 108 રૂપિયાની આસપાસ હતા એ અત્યારે 124 રૂપિયા છે. 

 

હા, ખુશ થવું જ હોય તો એ વાત પર થઈ શકીએ કે, ડૉલર સામે રૂપિયો હજુ 100ની અંદર છે જ્યારે પાકિસ્તાની રૂપિયો તો 300ને પાર થઈ ગયો છે. આર્થિક મોરચે આપણી સ્પર્ધા અમેરિકા, જાપાન, યુકે, દક્ષિણ કોરીયા જેવા દેશો સાથે હોવાના દાવા સરકાર દ્વારા થાય છે પણ સરખામણી કરવાની વાત આવે ત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને શ્રીલંકા સાથે કરાય છે એ જોતાં આપણા કરતાં પાકિસ્તાની રૂપિયાનું વધારે ધોવાણ થયું છે એ વાતે ખુશ થઈ શકાય !

આ બધી વાસ્તવિકતા રજૂ કરવી એ ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે ને તેનો અર્થ નથી તેથી એ વાત પડતી મૂકીએ ને બે મહત્ત્વના મુદ્દા પર આવીએ. પહેલો મુદ્દો એ કે, રૂપિયો કેમ આ રીતે તૂટી રહ્યો છે ? બીજો મુદ્દો એ કે, આપણી સરકાર કેમ રૂપિયાનું ધોવાણ રોકી શકતી નથી ?

અત્યારે રૂપિયાના ધોવાણ માટે ઈરાન યુદ્ધને કારણભૂત ગણાવાય છે પણ વાસ્તવમાં આ ધોવાણ લાંબા સમયથી થઈ રહ્યું છે કેમ કે આપણે આર્થિક રીતે એકદમ નબળા છીએ અને બીજા દેશો પર નિર્ભર છીએ. આપણે આત્મનિર્ભરતાની વાતો કરીએ છીએ પણ આપણે વાસ્તવમાં પરાવલંબી છીએ. આપણે દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર હોવાના દાવા કરીએ છીએ પણ બહારના દેશોને આ અર્થતંત્રમાં ભરોસો જ નથી. કહેવાતા નિષ્ણાતો રૂપિયાના ધોવાણ માટે જે કારણો આપે છે તેના પર નજર નાખશો તો પણ આ વાત સમજાશે.

અત્યારે ઈરાન સામેનું યુદ્ધ, ક્રૂડના ભાવમાં ઉછાળો અને વિદેશી રોકાણકારોના ભારતીય બજારમાંથી પલાયન એ ત્રણ કારણો મુખ્ય ગણાવાય છે. આ ત્રણેય કારણો જ સાબિત કરે છે કે, આપણા રૂપિયા કે આપણા અર્થતંત્રની મજબૂતાઈ બહારનાં પરિબળો પર આધારિત છે.

 

નિષ્ણાતોનું કહેવું છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ માર્ચ મહિનામાં અત્યાર સુધી ભારતીય શૅરબજારમાંથી લગભગ આઠ અબજ ડૉલર એટલે કે લગભગ 83 હજાર કરોડ રૂપિયા  ઉપાડી લીધા છે. વૈશ્વિક અનિશ્ર્ચિતતા અને યુદ્ધના ડરથી વિદેશી રોકાણકારો પોતાના પૈસા ઉપાડીને અમેરિકી બોન્ડ્સ સહિતની સુરક્ષિત જગ્યાએ રોકી રહ્યા છે અને આ મોટા પાયે વેચાણથી રૂપિયા પર દબાણ ઘણું વધી ગયું છે. આ વાતનો અર્થ એ થાય કે, ભારતમાં રોકાણ કરવામાં વિદેશીઓને સલામતી લાગતી નથી.

 

આ સલામતી લાગતી નથી કેમ કે ભારતનું અર્થતંત્ર પોતે એટલું મજબૂત નથી કે ગમે તેવા આંચકાને પચાવીને પણ સારું વળતર આપે. ઈરાનમાં યુદ્ધ થયું તેમાં તો શૅરોમાં કડાકો બોલી ગયો ને આપણો રૂપિયો પણ તૂટી ગયો. આવા બરડ અર્થતંત્ર પર કોણ ભરોસો કરે ? 

 

શરમની વાત પાછી એ છે કે, આપણે ત્યાં હજુ સુધી નથી એક મિસાઈલ પડ્યું કે નથી આપણે સીધી રીતે યુધ્ધમાં સામે ને છતાં શેરો ને રૂપિયામાં રમખાણ છે જ્યારે યુદ્ધથી અસરગ્રસ્ત સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત વગેરે દેશોનાં ચલણ મજબૂત છે. 

આ દેશોનાં ચલણો ડોલર સામે તૂટ્યાં નથી ને બીજી તરફ આ ચલણો સામે પણ રૂપિયો એક મહિનાના તળિયે છે. વોટ્સએપ યુનિવર્સિટીના સિલેબસની બહાર નિકળીને ગુગલ પર થોડું સર્ચ કરશો તો પણ આ વાત સમજાઈ જશે.

હવે બીજા મુદ્દાની વાત કરીએ. આપણી સરકાર કેમ રૂપિયાનું ધોવાણ રોકી શકતી નથી ? આ સવાલનો જવાબ સરળ છે. આપણી પાસે એવી નેતાગીરી જ નથી કે જે વૈશ્વિક આર્થિક પ્રવાહોને સમજી શકે ને એ પ્રમાણે વર્તી શકે. 

આ દેશમાં નાણાં મંત્રાલય એવી વ્યક્તિના હાથમાં છે કે જેને રૂપિયાનું ધોવાણ રોકવા માટે કશું કરવાના  બદલે મોદી વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય નેતા છે તેની વાત કરવામાં વધારે રસ છે. ને રીઝર્વ બેંક અર્થશાસ્ત્રીઓ નહીં પણ આઈએએસ અધિકારીઓ ચલાવે છે. આ બધાથી અલિપ્ત પ્રજા મિથ્યાભિમાનમાં રાચે છે ને નેતાઓએ ચટાવેલા કહેવાતી મહાનતાના અફીણના કેફમાં ગુલતાન છે.

મોદીએ આ સ્થિતિ બદલવી હોય તો દેશને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવો પડે. ભાજપ કરોડો કાર્યકરોનો પક્ષ છે ને આર્થિક બાબતોની સમજ પડતી હોય એવા સેંકડો નેતા હશે. નિર્મલા જેવાં નબળાં નાણાં મંત્રીને બદલે એમાંથી કોઈને નાણાં મંત્રાલય સોંપવું પડે. રિઝર્વ બેંકમાં પણ ચાપલૂસ અધિકારીઓને નહીં પણ અર્થશાસ્ત્રીઓને બેસાડવા પડે. બાકી રૂૂપિયાની હૈયાહોળી ચાલુ જ રહેશે.