Mon Aug 31 2026

Logo

નબળો ડૉલર અને ક્રૂડતેલમાં પીછેહઠ સાથે રૂપિયો 23 પૈસા મજબૂતઃ 93ની અંદર

2026-04-17 19:50:22
Author: Ramesh Gohil
નબળો ડૉલર અને ક્રૂડતેલમાં પીછેહઠ સાથે રૂપિયો 23 પૈસા મજબૂતઃ 93ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધ તરફથી) 
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 382.36 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 23 પૈસા મજબૂત થઈને 93ની સપાટીની અંદર ઉતરીને 92.91ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 93.14ના બંધ સામે સુધારાના અન્ડરટોને 92.93ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.98 અને ઉપરમાં 92.65 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 23 પૈસાના ઉછાળા સાથે 92.91ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે પણ ડૉલર સામે રૂપિયામાં 19 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. 

એકંદરે આજે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા સુધારાતરફી વલણ સાથે વિશ્વ બજારમાં ડૉલરમાં સલામતી માટેની માગમાં ઘટાડો થવાથી જોવા મળેલી પીછેહઠ તેમ જ ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડ ઉપરાંત ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ યુદ્ધ વિરામના નિર્દેશોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ 92.50થી 93.20 આસપાસની જોવા મળી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.12 ટકા ઘટીને 97.90 આસપાસ તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ 3.23 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 96.18 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય સ્થાનિક સ્તતરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 504.86 પૉઈન્ટની અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 156.80 પૉઈન્ટની તેજી જોવા મળી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.