Thu Jun 18 2026

Logo

રેલવે અપડેટ: લાખાબાવળમાં સ્ટોપેજ 'ચાલુ', મોરબીમાં ૬ ડેમુ ટ્રેનો રદ - જાણો કઈ ટ્રેનોને અસર...

2026-02-28 16:17:57
Author: Devayat
Article Image

રાજકોટ/મોરબી: સૌરાષ્ટ્રમાં રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને જામનગર પાસેના લાખાબાવળ સ્ટેશન પર હંગામી ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેન સ્ટોપેજ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાખાબાવળ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ અને બંને પ્લેટફોર્મની કામગીરી પૂર્ણ થઈ જતાં હવે ટ્રેનો પૂર્વવત રીતે ઉભી રહેશે. આ અંતર્ગત ભાવનગર-ઓખા એક્સપ્રેસ અને રાજકોટ-ઓખા લોકલ ટ્રેનો ૨૮ ફેબ્રુઆરીથી તથા ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૧ માર્ચથી નિયમ મુજબ લાખાબાવળ સ્ટેશન પર ઉભી રહેશે.

બીજી તરફ, મોરબીમાં મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામ અને નટરાજ ફાટક પાસે નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરીને કારણે રેલવે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અનુરોધ પર વાંકાનેર-મોરબી સેક્શન પર દોડતી ૬ ડેમુ ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. આ નિર્ણય પાડાપુલના સમારકામ દરમિયાન માર્ગ પર વાહનોના ભારે ભારણ અને રાવે ફાટક વારંવાર બંધ થવાને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ અને જનતાની મુશ્કેલીઓ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.

જનહિત અને વાહનવ્યવહારની સુચારૂ વ્યવસ્થા જાળવી રાખવા માટે વાંકાનેર અને મોરબી વચ્ચેની આ ૬ ડેમુ ટ્રેનો ટ્રેન નંબર ૭૯૪૪૩ થી ૭૯૪૪૭ અને ૭૯૪૫૩, ૭૯૪૫૪ ૨૭ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ ૨૦૨૬ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આમ, એક તરફ જામનગરના મુસાફરો માટે સ્ટોપેજ શરૂ થવાના રાહતના સમાચાર છે, તો બીજી તરફ મોરબી-વાંકાનેર વચ્ચે મુસાફરી કરતા લોકોએ આગામી ૧૨ માર્ચ સુધી વૈકલ્પિક વ્યવસ્થા પર આધાર રાખવો પડશે.