Sat Aug 29 2026

Logo

ગુજરાતમાં બનશે દેશનું ત્રીજું સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટર: ગીર સોમનાથમાં થશે નિર્માણ

2026-03-25 15:33:46
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં બનશે દેશનું ત્રીજું સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટર: ગીર સોમનાથમાં થશે નિર્માણ

ગાંધીનગર: ભારત હવે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે અને આ વખતે તેનું કેન્દ્રબિંદુ ગુજરાત બનશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અને તમિલનાડુના કુલશેખરપટ્ટિનમ બાદ હવે દેશનું ત્રીજું સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર ગુજરાતમાં સ્થપાય તેવી પ્રબળ શક્યતાઓ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લામાં આ સેન્ટર માટે અનુકૂળ જગ્યાની ઓળખ કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ગુજરાત વૈશ્વિક સ્પેસ મેપ પર મજબૂત રીતે ઉભરી આવશે.

ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાજેતરમાં વિધાનસભામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe) સાથે પરામર્શ કરીને આ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રના કિનારે દીવ અને કોડિનારની વચ્ચે આવેલા આ વિસ્તારને શ્રીહરિકોટાની જેમ જ સેટેલાઇટ લોન્ચ પેડ તરીકે વિકસાવવામાં આવશે. ઈન-સ્પેસના સર્વે બાદ આ ભૌગોલિક સ્થિતિ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટે અત્યંત યોગ્ય હોવાનું માલૂમ પડ્યું છે.

સાણંદમાં તૈયાર થશે વિશાળ સ્પેસ પાર્ક

માત્ર લોન્ચિંગ સેન્ટર જ નહીં, પરંતુ ગુજરાત સરકાર સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપનીઓ માટે સાણંદ પાસે 100 એકરમાં એક આધુનિક 'સ્પેસ પાર્ક' પણ સ્થાપી રહી છે. આ પાર્ક અવકાશ વિજ્ઞાનને લગતા સંશોધનો અને સાધનોના ઉત્પાદન માટે હબ તરીકે કાર્ય કરશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ પણ વધી રહ્યું છે, જેમાં 'અજિસ્તા એરોસ્પેસ' જેવી કંપનીઓએ અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે નાના ઉપગ્રહોનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે.

અવકાશ ક્ષેત્રે ગુજરાતની નવી ઓળખ

ગુજરાતમાં આ સ્પેસપોર્ટના નિર્માણથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો તો ઊભી થશે જ, સાથે સાથે દેશની સંરક્ષણ અને સંદેશાવ્યવહાર ક્ષમતામાં પણ વધારો થશે. અત્યાર સુધી આપણે દક્ષિણ ભારત પર નિર્ભર હતા, પરંતુ હવે પશ્ચિમ ભારતના દરિયાકિનારેથી પણ સેટેલાઇટ લોન્ચ થઈ શકશે. આ પ્રોજેક્ટ ગુજરાતને ઉદ્યોગોની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ અગ્રેસર બનાવશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.