Sun Sep 06 2026

Logo

દેશમાં ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો અંગે સરકાર એલર્ટ, સમીક્ષા બેઠક યોજી

2026-07-06 15:41:00
Author: Chandrakant Kanoja
દેશમાં ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો અંગે સરકાર એલર્ટ, સમીક્ષા બેઠક યોજી

નવી દિલ્હી : દેશમાં વધી રહેલા ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો પર નિયંત્રણ  માટે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ અંગે દિલ્હીમાં કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા  બેઠક યોજી હતી. 

ધનબાદ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલ માઈનિંગ અંગે ચિંતા 

આ સમીક્ષા બેઠક દરમિયાન ગૃહમંત્રીએ ધનબાદ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. કોલસા મંત્રાલયના અધિકારીઓએ ગૃહમંત્રીને માહિતી આપી કે ઓક્ટોબર 2025 ના પહેલા અઠવાડિયામાં કરવામાં આવેલી સમીક્ષા બાદ ઘણા નક્કર પગલાં લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સીઆઇએસએફ અને કોલ ઇન્ડિયા લિમિટેડના અધિકારીઓને ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 હેઠળ કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

સાધનો અને વાહનો જપ્ત કરવાની સત્તા 

આ કાયદા હેઠળ તેમને કોર્ટમાં કેસ દાખલ કરવા, ગેરકાયદે કોલસાના ભંડાર રાખવાના શંકાસ્પદ પરિસરમાં પ્રવેશ કરવા, શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરવા અને ગેરકાયદે રીતે કાઢવામાં આવેલા ખનીજ તેમજ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા  સાધનો અને વાહનો જપ્ત કરવાની સત્તા આપવામાં આવી છે.

આ સમીક્ષા બેઠકમાં મંત્રીઓ ઉપરાંત  કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય કોલસા સચિવ, કોલસા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સીઆઇએસએફ ,કોલ ઇન્ડિયા લિમિટેડ અને બીસીસીએલના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.