દિવ્યકાંત પંડ્યા
સિનેમામાં લવ સ્ટોરીઝ આવે છે, ઍક્શન ફિલ્મ્સ આવે છે, થ્રિલર આવે છે, હોરર આવે છે... દરેક પ્રકારની ફિલ્મ્સના પોતાના ચાહકો હોય છે, પરંતુ એક એવી વાત છે જે લગભગ દરેક પ્રકારની ફિલ્મમાં કામ કરે છે અને દર્શકોને હંમેશાં આકર્ષે છે. એ છે `વાપસી'. કોઈ વ્યક્તિ બધું ગુમાવી બેસે, લોકો તેનો સાથ છોડી દે, પરિસ્થિતિ તેની સામે થઈ જાય અને પછી તે ફરી ઊભી થાય, ફરી પોતાનું સ્થાન બનાવે તો એવી વાર્તાઓ લોકો સુધી ઝડપથી પહોંચે છે, કારણ કે વાપસીની વાત માત્ર ફિલ્મની નથી હોતી, એ જીવનની વાત હોય છે.
`મૈં વાપસ આઉંગા'નું શીર્ષક સાંભળતાં જ આવી લાગણી જન્મે છે. એવું લાગે છે કે કોઈ જણ ક્યાંક ગયો છે, કંઈક ખોવાઈ ગયું છે અથવા કંઈક અધૂરું રહી ગયું છે અને હવે તે ફરી પાછો ફરવાનો છે. ફિલ્મની અંદર પણ આ ભાવના પ્રેમીની વાપસી સાથે જોડાયેલી છે. પ્રેમકથાઓમાં મળવા કરતાં ઘણી વખત વિખૂટા પડવાની અને ફરી મળવાની ક્ષણ વધુ અસરકારક બની જાય છે, કારણ કે રાહ જોવી-કોઈની ખોટ અનુભવવી અને પછી ફરી તેને મળવું... આ લાગણીઓ સાથે મોટા ભાગના દર્શકો કોઈને કોઈ રીતે જોડાઈ શકે છે.
જોકે રસપ્રદ વાત એ છે કે `મૈં વાપસ આઉંગા'ની વાપસી માત્ર ફિલ્મની વાર્તા સુધી સીમિત નથી રહી. ફિલ્મની પોતાની સફર પણ એક પ્રકારની વાપસીની કહાની બની ગઈ. આજના સમયમાં ફિલ્મનું ભવિષ્ય ઘણી વખત પહેલા જ અઠવાડિયામાં નક્કી થઈ જાય છે. પહેલા દિવસના આંકડા, પહેલા વીક-એન્ડના આંકડા અને સોશ્યલ મીડિયા પર આવતી પ્રતિક્રિયાઓના આધારે તરત નિર્ણય થઈ જાય છે કે ફિલ્મ ચાલી કે નહીં. ઘણી ફિલ્મ્સને પોતાનો દર્શક શોધવાનો સમય જ મળતો નથી.
`મૈં વાપસ આઉંગા' માટે પણ શરૂઆત બહુ સરળ નહોતી. પહેલા અઠવાડિયામાં કલેક્શન ઘટ્યાં. બીજી તરફ `હોન્ટેડ 3ડી' જેવી અણઘડ ફિલ્મે અપેક્ષા કરતાં વધારે ચર્ચા મેળવી અને બજારનું ધ્યાન ખેંચ્યું. સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો માની લે કે હવે ફિલ્મ માટે આગળ વધવું મુશ્કેલ છે, પરંતુ ઘણી વખત દર્શકોનો નિર્ણય શરૂઆતના આંકડાથી અલગ હોય છે.
અહીંથી ફિલ્મ માટે સૌથી મહત્ત્વની બાબત શરૂ થઈ. જેમ જેમ લોકો ફિલ્મ જોતા ગયા તેમ તેમ તેની ચર્ચા વધતી ગઈ.
દર્શકોને ફિલ્મની અંદર રહેલી અતિશય લાગણી સ્પર્શી ગઈ, જે તેમણે થિયેટરમાં રડતાં-રડતાં મહેસૂસ કરી. અને તે સૌએ પોતાની રીતે ફિલ્મને બીજા સુધી પહોંચાડી. સિનેમામાં આજે પણ દર્શકોની ભલામણ જેટલી અસરકારક કોઈ બાબત નથી. મોટા પ્રચારથી લોકો થિયેટર સુધી આવી શકે, પરંતુ ફિલ્મને લાંબો શ્વાસ દર્શકો જ આપે છે.
એ જ કારણ છે કે બીજા અઠવાડિયામાં આ ફિલ્મે જોરદાર વૃદ્ધિ નોંધાવી. લગભગ 130 ટકાનો ઉછાળો અને બીજા શુક્રવારે પહેલા શુક્રવાર કરતાં બમણાથી વધુ કમાણી. શરૂઆતમાં જે લોકો રાહ જોઈ રહ્યા હતા, તેમણે પણ ફિલ્મ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. ફિલ્મ વિશેની ચર્ચાનો સ્વર બદલાઈ ગયો.
કદાચ આ જ કારણ છે કે આવી ઘટનાઓ લોકોનું ધ્યાન ખેંચે છે, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ મોટા ભાગના લોકોની સફર સીધી નથી હોતી. દરેકને તરત સફળતા મળતી નથી. ઘણી વખત મહેનત છતાં પરિણામ મોડું આવે છે. ક્યારેક લોકો વિશ્વાસ ગુમાવી દે છે, પરંતુ જીવનમાં સૌથી મહત્ત્વની ક્ષણ ઘણી વખત એ હોય છે જ્યારે માણસ ફરી એક વાર પ્રયાસ કરે છે. વાપસીનો અર્થ માત્ર પાછા આવવો નથી. વાપસીનો અર્થ છે ફરીથી પોતાની જગ્યા બનાવવી.
આ આખી વાતમાં એક વધુ રસપ્રદ વાપસી જોવા મળે છે અને એ છે દિગ્દર્શક ઇમ્તિયાઝની. કોઈ પણ નિર્દેશકની કારકિર્દી હંમેશાં એકસરખી નથી રહેતી. ક્યારેક સતત સફળતા મળે છે તો ક્યારેક એવી ફિલ્મ્સ પણ આવે છે જે અપેક્ષા પ્રમાણે કામ નથી કરતી. એવા સમયે એક સફળ ફિલ્મ માત્ર કમાણીનો વિષય નથી રહેતી. આ ફિલ્મ સાથે ઈમ્તિયાઝ અલીની બૉક્સ ઑફિસ પર સફળતાની વાપસી પણ છે.
ઇમ્તિયાઝ અલીની છેલ્લી અમુક ફિલ્મ્સ જેવી કે `જબ હેરી મેટ સેજલ' અને `લવ આજ કલ' (2020) બૉક્સ ઑફિસ પર ધારી સફળતા મેળવી શકી નહોતી. અને એ પહેલાં પણ તેની `તમાશા' જેવી અમુક ફિલ્મ્સ માટે એવું કહેવાયું છે કે તે સારી હોય છે, પણ દર્શકો તેને મોડી સ્વીકારે છે. વર્ષો પછી દર્શકોને સમજાય છે એટલે એ પણ અમુક વર્ગને ખૂબ ગમવા છતાં બૉક્સ ઑફિસ પર સુપરહિટ નીવડી નહોતી.
આ રીતે જોવામાં આવે તો `મૈં વાપસ આઉંગા'માં વાપસીના ત્રણ અલગ રંગ જોવા મળે છે. વાર્તામાં પ્રેમીની વાપસી છે.
બૉક્સ ઑફિસ પર ફિલ્મની વાપસી છે. અને નિર્દેશક તરીકે ઇમ્તિયાઝની સફળતાભરી વાપસી છે. કદાચ આ જ કારણ છે કે ફિલ્મનું શીર્ષક માત્ર એક નામ કરતાં વધારે બની જાય છે.
`મૈં વાપસ આઉંગા' જેવી એક સરળ વાત એટલી અસર કરે છે, કારણ કે એ એવી લાગણી છે જેને જીવનમાં કોઈ ને કોઈ સમયે લગભગ દરેક વ્યક્તિએ અનુભવી છે અને કદાચ એ માટે જ વાપસીની વાર્તાઓ ક્યારેય જૂની થતી નથી!
લાસ્ટ શૉટ
`મૈં વાપસ આઉંગા' પહેલાંની ઇમ્તિયાઝની ફિલ્મ `અમર સિંઘ ચમકીલા' સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી અને તેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.