હવામાનવિભાગ દ્વારા દેશભરના હવામાનને લઈને એક મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. આ સપ્તાહે પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે 29 જૂન સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ વરસાદ થવાનો છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં હજુ પણ કાળઝાળ ગરમી (હીટવેવ)નો પ્રકોપ યથાવત છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે.
હાલમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે. જો કે, આગામી 3 થી 4 દિવસમાં સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેના કારણે ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોને આવરી લેશે. આ સાથે જ તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પ્રવેશ કરે તેવી પ્રબળ સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ મધ્યપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.
ક્યારે ગરમીથી રાહત મળશે?
આગામી 3-4 દિવસ સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. પરંતુ ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો જોવા મળશે. મધ્ય ભારતમાં 2 થી 3 ડિગ્રી અને પૂર્વ ભારતમાં 1 થી 3 જુલાઈ વચ્ચે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
કયા રાજ્યો માટે કેવું એલર્ટ?
હવામાન વિભાગે દેશના વિવિધ ભાગો માટે અલગ-અલગ એલર્ટ જાહેર કર્યા છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિ ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ છે. બિહાર, ઓડિશા અને ઝારખંડમાં વીજળી પડવાની પણ આશંકા છે. હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હીટવેવને કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી છે.