Mon Jun 08 2026

Logo

ચારિત્ર્ય પર શંકાને લઇ પત્નીની કરપીણ હત્યા કરનારા પતિ, તેના મિત્રની ધરપકડ

2026-03-30 16:56:59
Author: Yogesh D Patel
Article Image

ઉત્તર પ્રદેશથી પત્નીને નાલાસોપારા લાવ્યા બાદ નિર્જન સ્થળે લઇ જઇ ગળું ચીરી નાખ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પાલઘર જિલ્લામાં ચારિત્ર્ય પર શંકાને લઇ પત્નીની કરપીણ હત્યા કરીને ફરાર થયેલા પતિ અને તેના મિત્રને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ઉત્તર પ્રદેશથી પત્નીને નાલાસોપારા લાવ્યા બાદ નિર્જન સ્થળે લઇ જઇને આરોપી પતિએ તેનું ગળું ચીરી નાખ્યું હતું. 

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3 (વિરાર)ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રોશન રામજગ યાદવ (26) અને ભાનુપ્રતાપ વિજય બહાદુર યાદવ (30) તરીકે થઇ હતી. બંનેને વધુ તપાસ માટે માંડવી પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.

વિરાર પૂર્વમાં માંડવી પોલીસ સ્ટેશનની હદમાં વજ્રેશ્ર્વરીથી શિરસાડ જનારા માર્ગ પર ખેતરમાં 21 માર્ચે અજાણી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનું ગળું ચીરવામાં આવ્યું હતું અને તેના માથામાં ઇજાના નિશાન હતા. માંડવી પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કેસની સમાંતર તપાસ કરી રહી હતી.

પોલીસે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર, નાશિક અને ઉત્તર પ્રદેશમાં ગુમ થયેલી વ્યક્તિઓ વિશે માહિતી મેળવી હતી અને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ ગુનામાં સામેલ બંને આરોપીઓને 28 માર્ચે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીની પૂછપરછમાં મૃત મહિલાનું નામ મધુબાલા ઉર્ફે પ્રિયાકુમારી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાનો વતની અને નાલાસોપારામાં રહેતો આરોપી રોશન યાદવ તેની પત્ની મધુબાલાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેની હત્યા કરવાને ઇરાદે તે મધુબાલાને ઉત્તર પ્રદેશથી 15 માર્ચે નાલાસોપારા લઇ આવ્યો હતો. રોશન યાદવ તેના મિત્ર ભાનુપ્રતાપ સાથે મળીને પત્ની મધુબાલાને 19 માર્ચે નાલાસોપારાથી મોટરસાઇકલ પર માંડવી પોલીસ સ્ટેશનની હદમાં શિરવલી ગામના નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં ગળું ચીરીને મધુબાલાની હત્યા કરી હતી.