અમૂલ દવે
હોર્મુઝની ખાડીમાં સર્જાયેલું વર્તમાન સંકટ માત્ર મધ્ય પૂર્વનું પ્રાદેશિક યુદ્ધ નથી, પરંતુ તે 21મી સદીમાં પશ્ચિમી ગઠબંધન અને વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા માટેની સૌથી મોટી કસોટી સાબિત થઈ રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા છેડાયેલા જંગમાં ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ-ખાડીને બ્લોક કરી દીધી, તેની સૌથી ગંભીર અસર વોશિંગ્ટન અને બ્રસેલ્સના સંબંધો પર જોવા મળી છે.
વિશ્વના 20 ટકા તેલ અને ગેસના પરિવહન પર ઈરાનનો આ કબજો પશ્ચિમી અર્થતંત્રો માટે ગૂંગળામણ સમાન છે, છતાં આ કટોકટીએ અમેરિકા અને તેના પરંપરાગત યુરોપિયન સાથીઓ વચ્ચેના ઊંડા વૈચારિક મતભેદોને સપાટી પર લાવી દીધા છે. આ બ્લોકેજને કારણે વૈશ્વિક બજારોમાં તેલ પુરવઠાની સાંકળ તૂટી ગઈ છે, જેનાથી માત્ર એશિયા જ નહીં, પરંતુ સમગ્ર યુરોપિયન યુનિયનમાં ઊર્જાના ભાવ આસમાને પહોંચ્યા છે.
પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ માટે આ પરિસ્થિતિ એક રાજદ્વારી અને સૈન્ય પડકાર સાબિત થઈ રહી છે. ઈરાને જ્યારે એવી જાહેરાત કરી કે ખાડી ‘ખુલ્લી’ છે પરંતુ માત્ર તેના શત્રુ માટે બંધ છે ત્યારે ટ્રમ્પે અપેક્ષા રાખી હતી કે ‘નાટો’ (NATO) અને અન્ય પશ્ર્ચિમી શક્તિઓ તુરંત જ વોરશિપ (યુદ્ધપોત) મોકલીને આ માર્ગને બળજબરીથી ખોલાવશે. જોકે, આ વખતે યુરોપનું વલણ અગાઉના અખાતી યુદ્ધ કરતાં સાવ ભિન્ન છે.
ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને ઈટલી જેવાં રાષ્ટ્રોએ અમેરિકાની સૈન્ય મદદની અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે આ સંઘર્ષ અમેરિકાની એકતરફી નીતિઓનું પરિણામ છે અને તેઓ 2003ના ઈરાક યુદ્ધ જેવી ભૂલનું પુનરાવર્તન કરવા માગતા નથી. તેમની દલીલ છે કે અમેરિકા પર કોઈ સીધો હુમલો થયો નથી, બલ્કે અમેરિકા અને ઈઝરાયલ જ આક્રમક પક્ષ છે, તેથી આ ‘નાટો આર્ટિકલ પાંચ’નો વિષય બનતો નથી.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરનું વલણ આ બદલાતા સમીકરણોનું ઉત્તમ ઉદાહરણ છે. પરંપરાગત રીતે બ્રિટન હંમેશાં અમેરિકાના લશ્કરી અભિયાનમાં મોખરે રહ્યું છે, પરંતુ અત્યારે લંડન સાવચેતીભર્યું અંતર જાળવી રહ્યું છે. સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે એ માત્ર રાજદ્વારી મંત્રણાઓ અને સાથીઓ સાથે યોજના બનાવવામાં રસ ધરાવે છે, યુદ્ધના મેદાનમાં સીધા ઊતરવામાં નહીં. ટ્રમ્પ દ્વારા ‘નાટો’ને આપવામાં આવેલી ‘ખૂબ જ ખરાબ ભવિષ્ય’ની ચેતવણી પણ યુરોપિયન સંકલ્પને ડગાવી શકી નથી.
આ સ્થિતિ અમેરિકાના વૈશ્વિક નેતૃત્વ પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા પેસિફિક સાથીઓએ પણ લશ્કરી હસ્તક્ષેપથી હાથ ઊંચા કરી લીધા છે. યુરોપિયન દેશો હવે તેમની સુરક્ષા માટે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ તરફ આગળ વધી રહ્યા છે.
આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતની ભૂમિકા એક તટસ્થ હોવા છતાં એક મજબૂત શક્તિ તરીકે ઊભરી રહી છે. જ્યારે પશ્ર્ચિમી દેશો આંતરિક કલહમાં વ્યસ્ત છે ત્યારે ભારતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કોલિશનનો ભાગ બનવાને બદલે પોતાની સ્વતંત્ર નીતિ પસંદ કરી છે. ભારતની 80 ટકા તેલ આયાત મધ્ય પૂર્વ પર નિર્ભર હોવાથી, હોર્મુઝનું બંધ થવું ભારતીય અર્થતંત્ર માટે વિનાશક હોઈ શકે છે.
તેલના ભાવ 105 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચવા એ ભારતીય મધ્યમ વર્ગ અને ઉદ્યોગો માટે ખતરાની ઘંટડી છે. આવી સ્થિતિમાં, ભારતે અમેરિકાના દબાણને વશ થયા વગર ઈરાન સાથે સીધો સંવાદ સાધ્યો છે. આ કૂટનીતિ યુરોપ માટે પણ એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે લશ્કરી ગઠબંધન વગર પણ રાષ્ટ્રીય હિતોનું રક્ષણ થઈ શકે છે.
ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરની કૂટનીતિએ અહીં ચમત્કારિક પરિણામો આપ્યાં છે. જ્યારે પશ્ર્ચિમી જહાજો પર હુમલાનો ભય છે ત્યારે ભારતીય ધ્વજવાળા ઓઈલ-એલપીજી ટેન્કરો- ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ - સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી શક્યા છે. ઈરાને ભારતીય જહાજો માટે આપેલો ‘વિશેષ અપવાદ’ એ ભારતની સંતુલિત વિદેશ નીતિનું પરિણામ છે. ભારત એક તરફ અમેરિકા સાથે મજબૂત સંરક્ષણ સંબંધો ધરાવે છે, તો બીજી તરફ ઈરાનમાં ચાબહાર પોર્ટ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ દ્વારા પોતાનાં હિતો જાળવી રાખ્યા છે. ભારત જાણે છે કે ટ્રમ્પના કોલિશનમાં જોડાવું એટલે ઈરાન સાથેનાં વર્ષો જૂના સંબંધોનો અંત લાવવો, જે લાંબા ગાળે તેની ઊર્જા સુરક્ષા માટે જોખમી છે.
ભારતીય નૌસેનાનું ‘ઓપરેશન સંકલ્પ’ આ વ્યૂહરચનાનો લશ્કરી પાયો છે. વિશાખાપટ્ટનમ અને કોલકાતા ક્લાસનાં વિનાશક જહાજો અને MH-60 R હેલિકૉપ્ટર દ્વારા ભારતીય વેપારી જહાજોને જે રીતે એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા છે, તે તેની વધતી જતી દરિયાઈ શક્તિનું પ્રતીક છે. આ પદ્ધતિ પશ્ર્ચિમી દેશો માટે એક શીખ સમાન છે કે કેવી રીતે કોઈ પણ મોટા સંઘર્ષનો હિસ્સો બન્યા વગર પોતાનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી શકાય. યુરોપિયન દેશો પણ હવે ભારતની આ નીતિ તરફ આદરથી જોઈ રહ્યા છે, કારણ કે એ પોતે પણ આ જ રસ્તો અપનાવવા માગે છે - એટલે કે અમેરિકાના યુદ્ધમાં જોડાયા વગર વેપાર ચાલુ રાખવો. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં દરિયાઈ સુરક્ષા માટે ‘યુનિલેટરલ એસ્કોર્ટ’ (વ્યક્તિગત સુરક્ષા) એ વધુ અસરકારક માર્ગ સાબિત થઈ શકે છે.
વર્તમાન સંકટ એ પણ દર્શાવે છે કે રશિયા અને ચીન જેવી મહાસત્તા પણ સીધા હસ્તક્ષેપથી બચી રહી છે. ચીન જેવી આર્થિક મહાસત્તા પણ આ મામલે મૌન છે, જેનો અર્થ છે કે હવે દુનિયા ‘બહુધ્રુવીય’ (Multipolar) બની રહી છે. અમેરિકા હવે વિશ્વના પોલીસમેન તરીકેની તેની જૂની ભૂમિકા ભજવી શકતું નથી જો તેના સાથીઓ જ તેની સાથે ન હોય.
યુરોપ માટે આ સંકટ એક આત્મનિરીક્ષણની ક્ષણ છે. શું યુરોપે તેની ઊર્જા સુરક્ષા માટે અમેરિકાની વિદેશ નીતિના ઓશિયાળા રહેવું જોઈએ? ફ્રાન્સ અને જર્મની જેવાં દેશો હવે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ બીજા કોઈ મોટા યુદ્ધનો આર્થિક બોજ ઉઠાવવા સક્ષમ નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં જો ઈરાન વધુ આક્રમક બને તો યુરોપમાં ફુગાવો બેકાબૂ બની શકે છે. આથી જ, યુરોપિયન યુનિયન હવે ભારતની જેમ જ ઈરાન સાથે બેકચેનલ ડિપ્લોમસી દ્વારા કોઈ વચગાળાનો રસ્તો શોધવા પ્રયત્નશીલ છે. આ યુદ્ધે પશ્ર્ચિમી એકતાના આભાસી કવચને તોડી નાખ્યું છે અને રાષ્ટ્રીય હિતના આધારે નવા જોડાણની જરૂરિયાત ઊભી કરી છે.
આખરે, હોર્મુઝનું આ તોફાન વૈશ્વિક રાજકારણમાં એક નવો વળાંક છે. પશ્ર્ચિમી દેશોનું વિભાજન અને ભારત જેવી ઊભરતી શક્તિઓની સ્વતંત્ર નીતિ એ સંકેત આપે છે કે ભવિષ્યમાં સંઘર્ષોના ઉકેલ માત્ર લશ્કરી તાકાતથી નહીં, પરંતુ સંતુલિત કૂટનીતિ અને આર્થિક પરસ્પર નિર્ભરતાથી આવશે. ભારતની આ ‘સ્વતંત્ર નૌકા વ્યૂહરચના’ એ માત્ર પોતાની ઊર્જા સુરક્ષા માટેની ઢાલ નથી, પરંતુ વિશ્વ માટે એક નવો રાજદ્વારી માર્ગ છે, જ્યાં રાષ્ટ્રીય હિતોને કોઈ પણ વિદેશી દબાણ કરતાં સર્વોપરી રાખવામાં આવે છે. પશ્ર્ચિમી જગતે હવે એ સ્વીકારવું પડશે કે લશ્કરી જોડાણો કરતાં આર્થિક સ્થિરતા અને સાર્વભૌમત્વ વધુ મહત્ત્વના છે. હોર્મુઝની આ કટોકટીમાં ભારતની સફળતા એ વૈશ્વિક વ્યવસ્થામાં આવનારાં પરિવર્તનોની પૂર્વાહુતિ છે.