- ડૉ. ભાનુબેન કે. વ્યાસ
ફાગણ મહિનાના પ્રારંભના દિવસોમાં રાજસ્થાનની ધરતી પર પગ મૂકતાં જ ત્યાંની પ્રજાનાં અંતરમાંથી પ્રકટતો ગીતધ્વનિ આપણા અંતરનો કબજો લઈ લે...
‘દિવાળી તો અઠે કઠે,
પણ હોળી તો ઘરે ઘરે’...
‘ગુજરાતી દિવાળી અને મારવાડીની હોળી’ - એ લોકોક્તિમાં પણ મારવાડ અને હોળી એકબીજા સાથે કેવાં ઓતપ્રોત બની ગયાં છે એ પ્રકટ થાય છે. સંસ્કૃતિના પ્રતીક જેવા તહેવારો કોઈક કથાનો સહારો લઈને બન્યા છે.
ફાગણ સુદ પૂનમે આપણે હોળી પ્રગટાવીએ છીએ. અગ્નિની જવાળાઓ હોલિકાનું દહન કરી દે છે. પણ પ્રહલાદને આંચ પણ આવતી નથી. કથા એવું કહે છે કે રાક્ષસરાજ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બંને દિતિના પુત્રો હતા.વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો ત્યારે એ સમાચાર મળતા હિરણ્યકશિપુ ગુસ્સે ભરાઈને વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. માતા દિતિએ તેને સમજાવીને વાર્યો પણ મનમાં તેણે દૃઢ નિશ્ર્ચય કરી લીધો કે પોતે તપ કરી અજર-અમર બની વિષ્ણુ સાથે યુદ્ધ કરશે જ. પોતાના સંકલ્પ પ્રમાણે એણે તપ કરી બ્રહ્માજી પાસેથી અમરત્વનું વરદાન મેળવ્યું. આવું વરદાન મળતાં તે ખૂબ અભિમાની બન્યો. તે દેવોને પણ ત્રાસ પહોંચાડતો હતો. આવા અસુર રાજવીને ત્યાં પ્રહ્લાદનો જન્મ થયો. વિષ્ણુદેવર્ષિ પિતાને ત્યાં વિષ્ણુ-ભક્ત પુત્રનો જન્મ એ વિધિની જ કોઈ અગમ્ય લીલા છે.
‘પ્રહ્લાદ સમા ભક્તો અહીંયાં રાક્ષસને પેટે જન્મ્યા છે.
કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યાં છે!’
પિતાને પુત્રની વિષ્ણુ ભક્તિ ગમી નહીં. આથી તેમણે ભક્તિનો માર્ગ છોડાવવા માટે પહેલાં સમજણનો અને અંતે બળનો પણ ઉપયોગ કર્યો. પુત્રને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યો જે પ્રભુકૃપાએ નિષ્ફળ ગયા. આથી ખૂબ જ ધૂંધવાયેલા રાજાએ પોતાની બહેન હોળિકાને હુકમ કર્યો કે એણે પ્રહ્લાદને ખોળામાં મૂકી પકડી રાખીને ચિતામાં બેસવું. હોળિકાને તો વરદાન હતું કે તે સદ્વૃત્તિનો વિરોધ નહીં કરે, ભગવદ્ ભક્તિને નહીં કનડે તો અગ્નિ તેને નહીં બાળે. હોલિકા પ્રહ્લાદને લઈ ચિતા પર બેઠી. પ્રહ્લાદને ખોળામાં લીધા. ચિતા સળગી, હોલિકા બળી ગઈ ને પ્રહ્લાદ જીવતો રહ્યો!
અસદ્વૃત્તિ ભસ્મીભૂત થઈ. આજે પણ એ પાશવી વૃત્તિ નષ્ટ પામી નથી. એ હોલિકારૂપે જીવતી જ છે. તો સાથે સાથે પ્રહ્લાદના પ્રતીકરૂપે દૈવી વૃત્તિ કે સદ્વિચાર જીવતાં જ છે. અનાદિકાળથી બંને વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે. આપણે પ્રયત્નપૂર્વક પાશવી વૃત્તિને હોળીમાં હોમવાની છે.
જે દિવસે હોલિકા પ્રહ્લાદને લઈને અગ્નિમાં બેસવાનાં હતાં તે દિવસે નગરના લોકોએ ઘરઘરમાં અગ્નિ પ્રકટાવી, પ્રહ્લાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી. અગ્નિદેવે જાણે લોકોની પ્રાર્થના સ્વીકારી અને લોકોએ ઈચ્છ્યું હતું તેમ પ્રહ્લાદ અગનકસોટીમાંથી પાર ઊતરી નરશ્રેષ્ઠ બન્યા. હોલિકાનું દહન થયું. આ અગ્નિપૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું અને ચૌટે ચૌટે હોળી પ્રકટાવી, હોળીની પૂજા કરવાની શરૂઆત થઈ. હોલિકા પૂજન એ અસદ્વૃત્તિના નાશ અને સદ્વૃત્તિના રક્ષણનું પ્રતીક બન્યું એટલે તો કહ્યું છે-
‘સૌ પાપો એમાં જલાવે છે, એ રાગદ્વેષ ભુલાવે છે.
પ્રેમે સૌ પાવન થાયે છે, આવે છે, હોળી માતા આવે છે.’
આજે ફાગણ સુદ પૂનમની રાતે આપણે હોળી પ્રકટાવી, ધાણી, ચણા, ખજૂર વગેરેથી હોળીની પૂજા કરીએ છીએ. તેની પ્રદક્ષિણા કરીએ છીએ. એક વર્ષ દરમ્યાન અવતરેલાં બાળકોને પણ હોળીની પ્રદક્ષિણા કરાવી, અગ્નિદેવ પાસે એમના રક્ષણની પ્રાર્થના કરીએ છીએ.
હોલિકાદહનથી તથા પ્રહ્લાદ રક્ષણથી ખુશ થયેલા લોકોએ બીજે દિવસે ઉત્સવ મનાવ્યો, એકબીજા ઉપર રંગ-ગુલાલ છાંટયા, કેસૂડાંનાં રંગ છાંટયા. આ પ્રસન્નતાનો દિવસ એટલે ધૂળેટી.
હોળીની મસ્તી કંઈક ઓર જ છે. હોળી એટલે આગ, ધુળેટી એટલે રાગ; હોળી એટલે તેજ, ધુળેટી એટલે રંગ. હોળીના અગ્નિમાં જીવનની બુરાઈઓ હોમી દઈએ, આપણને પજવતા ખોટા વિચારો તથા મનના મેલને હોમી દઈએ. હોલિકા તો આપણને અસદ્વૃત્તિનું સતત દહન કરવાનો સંદેશ આપે છે.
‘પાપ જલાવો હોલિકામાં, ભરો પુણ્યની ઝોળી,
પ્રભુપાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી!’
હોળી-ધુળેટીની વાત નીકળતાં જ કૃષ્ણ-રાધાની યાદ આવ્યા વિના ન જ રહે. રાધા-કૃષ્ણના એ અતૂટ નાતાને હોળી નિમિત્તે કેટલાંક કૃષ્ણગીતોમાં આપણા કવિઓએ ઉમળકાથી
ગાયો છે.
‘હોરી ખેલે નંદલાલ
બિરજમેં હોરી ખેલે નંદલાલ.’
હોળી ઉપર રચાયેલાં ગીતો ખાસ કરીને ‘કાફી’ રાગમાં ગવાય છે એ એની એક વિશેષતા છે.
આજે શિષ્ટતા અને સભ્યતાના અંચળા હેઠળ સાચા આનંદને આપણે વિસરવા માંડ્યા છીએ ત્યારે ઉત્સાહ અને ઉમંગને શિસ્તબદ્ધ રીતે વહેતો મૂકતા આ ઉત્સવનો મહિમા કરવાની ખાસ જરૂર છે. પૂનમની અજવાળી રાતે રાસની રમઝટ બોલાવીએ કોપરાની અને ખજૂરની લહાણી કરીએ, અશ્લિલતાના કાળા કાદવને દૂર રાખી, અસદ્વૃત્તિનું દમન કરી, અદમ્ય ઉત્સાહ અને આનંદથી જીવનના સન્માર્ગ પર મક્કમતાથી આગળ વધીએ. હળવાં, નિર્દોષ મસ્તીતોફાનથી જીવનને ભર્યું ભર્યું બનાવવાનો આ ઉત્સવ છે. ગુલાલની સંગે આપણી ગુલાબી વૃત્તિ પ્રકટવી જોઈએ. હોળી અને ધુળેટીનો ઉત્સવ એટલે માનવીમનને માંજવાનો ઉત્સવ.
હોળી તો મારવાડની પ્રજાનો અતિમાનીતો ઉત્સવ છે. ખેતી કરતા ગ્રામલોકો દાતરડાને ઘડીભર બાજુએ મૂકી, ફાગણના ફાગ ખેલી લે છે. સામાન્ય મજૂર, નોકરચાકર, મોટા અધિકારી કે રાષ્ટ્રપ્રમુખ પણ પોતાની મોટાઈનો અંચળો દૂર કરી, ભેદભાવ ભૂલી હોળીની મસ્તી માણે છે. રાજાશાહીના સમયમાં રાજવી કુટુંબોમાં આ તહેવાર અજબ રીતે ઉજવાતો. ઓઝલ પડદામાંથી ક્યારેય મુખ બહાર નહીં કાઢતી નારી ધુળેટીમાં થોડી સ્વતંત્રતા અનુભવતી. અહીં એ નોંધવાનું મન થાય છે કે ચાચા નહેરુને પણ આ તહેવાર ખૂબ જ પ્રિય હતો.
સિન્થેટીક રંગોથી, કાદવથી કે ‘ઓઈલ પેઈન્ટ’થી ધુળેટી રમતી આપણી નવી પેઢી અબીલ, ગુલાલના આનંદને લૂંટવાનું શીખશે ખરી? ન જાને...!
લોકોની જિંદગીમાં હોળીનો અર્થ શો? હોળીને દિવસે આપણે પરંપરાને, ચાલતા આવેલા નિયમો તથા રૂઢિને ભૂલી જઈએ છીએ અને આપણી જાતને બંધનમાંથી છોડાવી છૂટી મૂકી દઈએ છીએ. આપણી બધી જવાબદારીઓ કે જેનો ભાર આપણા મન પર રહ્યા કરે છે, તેને ફગાવીને મુક્તિનો શ્ર્વાસ લઈએ છીએ.
ટૂંકમાં, હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો તેમ જ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ્વૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.
‘પાપ જલાવો હોલિકામાં, ભરો પુણ્યની ઝોળી,
પ્રભુપાદ જીવન ધરશો તો હોળી એ જ
દિવાળી!’
‘પર્વચક્ર: આપણાં ઉત્સવો’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની