એક જમાનો હતો ડિજિટાઈઝેશનનો અને હવે જમાનો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કે જેને આપણે સૌ એઆઈ (AI) તરીકે પણ ઓળખીએ છીએ એનો. હાલમાં એઆઈ અને એઆઈ સમિટ તમારા કાન પર વધારે પડ્યો હશે અને એનું કારણ છે તાજેતરમાં જ યોજાયેલી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026. જોકે, આ તમામ ચર્ચાઓ વચ્ચે તમને ક્યારેય એવો સવાલ થયો છે ખરો છે જે એઆઈ આજે આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયું છે તેને એઆઈ નામ કોણે આપ્યું, તેનો જન્મ ક્યારે અને કઈ રીતે થયો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ....
તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે યોજાયેલી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં સેમ ઓલ્ટમેન અને ડેમિસ હાસાબિસ જેવા દિગ્ગજોએ એઆઈના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. વાત કરીએ એઆઈ શબ્દના ઉત્પત્તિની તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1956માં કરવામાં આવ્યો હતો. આ નામ અમેરિકન કમ્પ્યુટર વિજ્ઞાની જ્હોન મેકકાર્થી (John McCarthy) એ સૂચવ્યું હતું. તે સમયે તેઓ એક યુવાન સંશોધક હતા અને મશીનોને માણસ જેવી વિચારવાની શક્તિ આપવા પર કામ કરી રહ્યા હતા.
1956માં અમેરિકાની ડાર્ટમાઉથ કોલેજમાં એક સંશોધન સંમેલન યોજાયું હતું, જેને આજે 'ડાર્ટમાઉથ કોન્ફરન્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ સંમેલનના પ્રસ્તાવ પત્રમાં જ્હોન મેકકાર્થીએ પ્રથમ વખત સત્તાવાર રીતે 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' શબ્દ લખ્યો હતો. માર્વિન મિન્સ્કી અને ક્લાઉડ શેનન જેવા વિજ્ઞાનીઓએ પણ આમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
મેકકાર્થી અને તેમના સાથીઓનું માનવું હતું કે જો મશીનો શીખી શકે, તર્ક કરી શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે, તો તે એક પ્રકારની 'કૃત્રિમ બુદ્ધિ' (Artificial Intelligence) જ છે. તે યુગમાં કમ્પ્યુટર્સ શરૂઆતી અવસ્થામાં હતા, પરંતુ આ વિજ્ઞાનીઓનું સપનું હતું કે એક દિવસ મશીનો ચેસ રમશે, ભાષા સમજશે અને જાતે નિર્ણયો લેશે.
વાત કરીએ એઆઈની સફર વિશે તો શરૂઆતી તબક્કામાં 1956 પછી એઆઈ શબ્દ લોકપ્રિય થયો, પરંતુ સંશોધન પૂરતો મર્યાદિત હતો. ત્યાર બાદ 1980ના દાયકામાં કમ્પ્યુટિંગ પાવર વધવા સાથે એઆઈ પર વધારે કામ ઝડપી બન્યું હતું. આજે એઆઈ મશીન લર્નિંગ, રોબોટિક્સ અને ચેટબોટ્સ દ્વારા હેલ્થકેર, બેંકિંગ અને સેલ્ફ-ડ્રાઇવિંગ કાર જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આમ, એક નાનકડા શબ્દ અને વિચારથી શરૂ થયેલી આ સફર આજે આપણા સૌના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે અને એક શક્તિશાળી ટેકનોલોજી બનીને ઊભરી રહી છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...