Tue Sep 01 2026

Logo

હિમાલયમાં હજારો ગ્લેશિયલ તળાવો બન્યા 'ટાઈમ બોમ્બ'! જાણો જો તૂટશે તો ભારત પર કેવો ખતરો મંડરાશે?

Kathmandu   2026-08-29 11:21:00
Author: Darshana Visaria
હિમાલયમાં હજારો ગ્લેશિયલ તળાવો બન્યા 'ટાઈમ બોમ્બ'! જાણો જો તૂટશે તો ભારત પર કેવો ખતરો મંડરાશે?

નેપાળમાં ગ્લેશિયર સંબંધિત તાજેતરની હોનારત બાદ સમગ્ર હિમાલય ક્ષેત્રમાં સ્થિત જોખમી ગ્લેશિયલ તળાવો (Glacial Lakes) નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હિમાલયની પર્વતમાળાઓમાં 9000થી વધુ હિમનદી જન્ય તળાવો નોંધાયેલા છે, જેમાંથી ભારતમાં સ્થિત સેંકડો તળાવો પર સતત સેટેલાઇટ અને ટેકનિકલ નજર રાખવામાં આવી રહી છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો આમાંથી કોઈ વિશાળ તળાવ અચાનક તૂટે તો ભારતમાં કેટલી મોટી હોનારત સર્જાઈ શકે? શું ભારત આવા ‘ગ્લેશિયર બોમ્બ’ સામે રક્ષણ મેળવવા સક્ષમ છે? ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી... 

શું છે ‘ગ્લેશિયર બોમ્બ’ અને GLOF (ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ)?
ગ્લેશિયર કોઈ ફુગ્ગાની જેમ અચાનક ફૂટતો નથી. વાસ્તવમાં ખતરો ગ્લેશિયલ સરોવર તૂટવાથી આવતા મહાપૂરનો છે. જ્યારે ગ્લેશિયર પીગળે છે ત્યારે બરફ, માટી, પથ્થરો અને કાટમાળનો કુદરતી ઢગલો એકત્ર થઈને ડેમ જેવી રચના બનાવે છે, જેને ભૂસ્તરશાસ્ત્રમાં ‘મોરેન’ (Moraine) કહે છે. આ મોરેનની પાછળ વિશાળ જળાશય રચાય છે. 

જ્યારે આ તળાવમાં વિશાળ હિમપ્રપાત (Avalanche), ભૂસ્ખલન કે વાદળ ફાટવાથી પાણીનું અતિશય દબાણ વધે છે, ત્યારે આ કાચો મોરેન તૂટી જાય છે. મોરેન તૂટતાં જ કરોડો લિટર પાણી, બરફ અને કાટમાળ મિનિટોમાં નીચેની ખીણો તરફ ધસી આવે છે, જેને GLOF (Glacial Lake Outburst Flood) કહેવામાં આવે છે.

હિમાલયમાં કેટલા ગ્લેશિયલ લેક્સ છે? ભારતના ૫૬ તળાવો હાઈ-રિસ્ક ઝોનમાં છે. અભ્યાસ મુજબ હિમાલયમાં આશરે 8357થી 9280 ગ્લેશિયલ લેક્સ છે, જેમાંથી 1000થી વધુ તળાવો માત્ર 1990 પછી અસ્તિત્વમાં આવ્યા છે. કોશી બેસિનમાં 1125, યાર્લુંગ ઝાંગ્બોમાં 773, માનસ ક્ષેત્રમાં 715 અને ઉપલા સિંધુ બેસિનમાં 619 તળાવો આવેલા છે.

ભારત સરકાર હાલ 2485 ગ્લેશિયલ લેક્સ અને વોટર બોડીઝ પર નજર રાખી રહી છે, જેમાંથી ૫૬ તળાવો અત્યંત હાઈ-રિસ્ક (અતિ જોખમી) કેટેગરીમાં છે. વર્ષ 2011માં ભારતીય મોનિટરિંગ હેઠળના તળાવોનું ક્ષેત્રફળ 1917 હેક્ટર હતું, જે 2025-26 સુધીમાં વધીને 2508 હેક્ટર થઈ ગયું છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આ તળાવો ઝડપથી મોટા થઈ રહ્યા છે.

ઉત્તરાખંડમાં 219 ‘હેંગિંગ ગ્લેશિયર્સ’નો વધારાનો ખતરો:
ઉત્તરાખંડમાં માત્ર તળાવો જ નહીં પરંતુ ઊંચા પર્વતીય શિખરો પર લટકતા હેંગિંગ ગ્લેશિયર્સ (Hanging Glaciers) પણ મોટું જોખમ છે. અલકનંદા ખીણમાં કરાયેલા સર્વે મુજબ 219 હેંગિંગ ગ્લેશિયર્સ નોંધાયા છે. તેમાંથી કોઈ હિસ્સો તૂટી પડે તો બદ્રીનાથ-માણા સહિત સમગ્ર નીચેના વિસ્તારમાં ક્ષણભરમાં કાટમાળનો પ્રલય આવી શકે છે.

ભૂતકાળમાં GLOFના કારણે ભારતમાં સર્જાયેલી મોટી આપત્તિઓ:
કેદારનાથ (2013): ચોરાબારી ગ્લેશિયલ લેક તૂટતાં મંદાકિની નદીમાં વિનાશક પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ચમોલી (2021): ઋષિગંગા અને ધૌલીગંગા ખીણમાં ગ્લેશિયર અને ખડકો તૂટી પડતાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ ધ્વસ્ત થયા હતા અને મોટી જાનહાનિ થઈ હતી.
દક્ષિણ લ્હોનક લેક, સિક્કિમ (2023): તીસ્તા નદી બેસિનમાં ગ્લેશિયલ ડેમ તૂટતાં સૈન્ય છાવણીઓ, પુલ અને ડેમને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.

નેપાળની ભોટેકોશી અને સુનકોશી નદીઓ સપ્તકોશી બનીને બિહારમાં પ્રવેશ કરે છે. 2008માં કોશી નદીએ પ્રવાહ બદલતાં બિહારમાં ભયાનક તારાજી સર્જી હતી. હાલ નેપાળની ઘટના બાદ બિહારના વાલ્મિકીનગર ગંડક બેરેજના તમામ 36 દરવાજા ખોલીને સુપૌલ, સહરસા, મધેપુરા અને ખગડિયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાત કરીએ ભારતની તૈયારની તો ભારત સેટેલાઇટ ઇમેજિંગ, ડ્રોન સર્વેલન્સ, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ (Early Warning Systems) અને સેન્સર્સ દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ મજબૂત કરી રહ્યું છે, જેથી પાણી નીચેની ખીણો કે રહેણાંક વિસ્તારોમાં પહોંચે તે પહેલાં લોકોને એલર્ટ કરી શકાય.