Thu Jun 11 2026

Logo

દ્વારકા-સાપુતારામાં ક્યાં સુધીમાં હેલીપોર્ટ કાર્યરત થશે? સરકારે આપ્યો જવાબ

2026-03-25 13:15:00
Author: Mayurkumar Patel
Article Image

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના અંતિમ દિવસે હેલીપોર્ટનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે રાજ્યમાં હેલીપોર્ટ વિક્સવવાની કામગીરીનો પ્રશ્ન પૂછ્યો હતો.

તેમણે પૂછ્યું કે, 31-12-2023ની સ્થિતિએ રાજ્યના સાત  ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ હેલીપોર્ટ વિક્સાવવા માટે જમીન મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ હતી તે હકીકત સાચી છે કે કેમ? તે પૈકી ક્યા સ્થળોએ કેટલી જમીન તા. 31-12-2025ની સ્થિતિએ મેળવવામાં આવી અને આ સ્થળોએ ક્યાં સુધીમાં હેલીપોર્ટ કાર્યરત કરવામાં આવશે?

જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, રાજ્યના સાત ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ હેલીપોર્ટ વિક્સાવવા માટે જમીન મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. દ્વારકા , સાપુતાર અને ગુંજા (વડનગર) માટે જમીન ફાળવવામાં આવી છે. દ્વારકા ખાતે 2028ના અંત સુધીમાં અને સાપુતારા ખાતે 2029ના અંત સુધીમાં હેલીપોર્ટ કાર્યરત કરવામાં આવશે. અન્ય સ્થળોએ જમીન મેળવવાની કામગીરી પૂર્ણ થયા બાદ હેલીપોર્ટ વિકસાવવાની કામગીરી નિયમો મુજબ કરવામાં આવશે.

હેલીપોર્ટ શું છે.

હેલીપોર્ટએ હેલિકોપ્ટરના ઉતરાણ, ઉપડવા, પાર્કિંગ અને ઈંધણ ભરવા માટેની સુવિધાઓ ધરાવતું એક ખાસ સ્થળ છે. તે હેલિપેડ કરતાં મોટું અને વધુ સુવિધાયુક્ત હોય છે, જ્યાં પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા કે ટર્મિનલ પણ હોઈ શકે છે. ગુજરાતમાં પ્રવાસન અને યાત્રાધામોને જોડવા માટે સરકારે મહત્વના સ્થળોએ હેલીપોર્ટ વિકસાવવાનું આયોજન કર્યું છે. 
ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રાધામોને વેગ આપવા માટે મુખ્ય સ્થળોએ હેલીપોર્ટ બનાવી રહી છે, જેમાં દરેક પાછળ આશરે ₹20 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.  તેનો મુખ્ય હેતુ પ્રવાસન, ઈમરજન્સી સેવાઓ અને મહત્વની વ્યક્તિઓના પ્રવાસને સરળ બનાવવાનો છે.

હેલીપોર્ટ અને હેલિપેડમાં શું છે ફરક

હેલીપોર્ટ અને હેલિપેડમાં ફરક છે.  હેલિપેડ માત્ર હેલિકોપ્ટરના ઉતરાણ માટેની સપાટી છે, જ્યારે હેલીપોર્ટમાં રિફ્યુઅલિંગ (ઈંધણ), હેંગર (પાર્કિંગ) અને મુસાફરોની સુવિધાઓ હોય છે. ગુજરાતના પ્રવાસન નકશામાં હેલીપોર્ટના ઉમેરાથી કનેક્ટિવિટી વધશે અને યાત્રાળુઓનો સમય બચશે.