Thu Mar 12 2026

Logo

આરોગ્ય પ્લસઃ અમુક ઈજામાં કઈ રીતે થઈ શકે પ્રાથમિક સારવાર...

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

દાઝીએ ત્યારે શું કરવું - શું ન કરવું ?
શું કરવું ? 
* ખોટી શરમ કે ગભરાહટ રાખ્યા વિના જો કોઇ નજીકમાં ન હોય તો મદદ માટે જોરશોરથી બૂમો પાડવી.
* તરત જ ઠંડા પાણીનો નળ ખોલી તેની નીચે દાઝેલો ભાગ રાખવો. જો નળ ન હોય તો દાઝેલા ભાગ પર પાણીની ધાર કરવી અથવા પાણીમાં 10-15 મિનિટ ડૂબાડી રાખવો.
* અગ્નિ જો માત્ર કપડાં ઉપર જ લાગ્યો હોય તો તરત જ તે કપડાને કાઢી નાખવા.
* વીંટી, ઘરેણાં, ઘડિયાળ વગેરે બહાર પહેરેલી વસ્તુઓ તરત જ કાઢી નાખવી. નહીંતર સોજો વધી જશે.
* જો શરીરના વધારે ભાગ ઉપર આગ લાગેલી હોય તો નજીકમાં ધૂળ કે કાદવ હોય ત્યાં તરત જ આળોટવા લાગવું.

શું ન કરવું ? 
* જે લોકો આપણને બચાવવા માગતા હોય તેમને આપણાથી દૂર ન કરવા.
* દાઝેલા ભાગ-ઉપર બને ત્યાં સુધી બરફ ન ઘસવો કે તેના પર ખૂબ જ ઠંડું પાણી પણ ન નાખવું. કેમ કે, તેનાથી રૂઝ આવતા વાર લાગે છે અને ચામડીને વધારે નુકસાન થાય છે.
* દાઝેલું કપડું જો ચામડી સાથે ચોંટી ગયું હોય તો તેને કાઢવાનો પ્રયત્ન ન કરવો. ચિકિત્સક પાસે સારવાર લેવી.
* ફોડલાઓ ફોડવા નહીં. નહીતર ચેપ લાગી શકે છે અને જો ફોડલાઓ ફૂટી ગયા હોય તો તેને ખુલ્લા ન રાખવા.
* અન્ય કપડાઓ દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન ન કરવો.

દાઝી ગયા પછી શું કરવું - શું ન કરવું ?
શું કરવું ? 
* દાઝેલા ભાગ ઉપર કુંવારપાઠાનું લાબરું લગાવવું. તેનાથી દુ:ખાવો ઓછો થાય છે અને ચામડીને જલદી રૂઝ લાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.
* દાઝેલા ભાગને હૃદયથી ઊંચો રાખવો. જેથી શરીરમાં બ્લડપ્રેશર જળવાઇ રહે છે.
* પાણી અને પ્રવાહી પદાર્થો ખૂબ જ લેવા. તેમાં પણ નારિયેળનું પાણી વધારે પીવું.

શું ન કરવું ?
* દાઝેલા ભાગ ઉપર ઘી કે અન્ય કોઇ લોશનો ન લગાવવા. તેનાથી કોઇ ફાયદો થતો નથી.
* દાઝેલા હાથ કે પગને હૃદયથી નીચે ન રાખવા.
* ખાંડ, તળેલા અને મીઠાવાળા પદાર્થો રૂઝ લાવવામાં ખૂબ જ વાર લગાડે છે. માટે જયાં સુધી રૂઝ ન આવે ત્યાં સુધી આવા પદાર્થો ન લેવા.

દાઝ્યા હોય તેના ઉપચાર 
સૂકા કોપરાને પાણીમાં ઘસીને તેનો લેપ દાઝેલા ભાગ ઉપર ચોપડવાથી દાહ અને બળતરા મટે છે.
ત્રિફળાચૂર્ણ (હરડે+બહેડા+આંબળા) ને થોડા પાણીમાં લસોટીને તેનો ઘસારો-લેપ દાઝેલી ચામડી ઉપર સવાર-સાંજ ચોપડવાથી દાઝવાથી થયેલ સફેદ ચામડી અસલ જેવી થઇ શકે છે.
કુંવારપાઠાનો ઘાટો રસ દાઝ્યા ઉપર વારંવાર લગાડવો.
ખૂબ પાકાં કેળાને બરાબર મસળી ત્યારબાદ દાઝેલા ઘા પર લગાવીને પાટો બાંધી દેવો.
તુલસીરસ અને કોપરેલ ઉકાળીને દાઝેલા પર ચોપડવાથી તેની બળતરા મટે છે, ફોલ્લા અને જખમ ઝડપથી રૂઝાઇ જાય છે.
દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટેકા કાપી ઘસવાથી ફોલ્લા થતા નથી અને ચામડીમાં ડાઘ પડતા નથી. દિવસમાં ત્રણ-ચાર વાર આમ કરવું.
દાઝેલા ઘા પર મધ લગાવવાથી રૂઝ જલદી આવે છે અને ઘાના ડાઘા ઓછા થાય છે.
દાઝેલા ઘા પર માપસર કકડાવેલું તેલ ઠારીને ચોપડાવવાથી ખૂબ ફાયદો થાય છે.
દાઝેલા ઘા ઉપર તાંદળજાનો રસ ચોપડવો.
ચણાના લોટનું પાતળું પ્રવાહી દાઝ્યા ઉપર સારું કામ કરે છે.

ચક્કર કે મૂર્છા આવવાનાં લક્ષણ 
મગજને પૂરતું લોહી ન મળતા વ્યક્તિ થોડો સમય બેભાન થઇ જાય છે.
ધબકારા ઓછા થઇ જવા અને આંખે અંધારા આવવા.
* ચામડી ઠંડી થઇ જવી અને શરીરમાં વધારે પરસેવો વળવો.
* માથું ફરવા લાગે અને શરીરનું સંતુલન ન રહે.
* પેટમાં દુ:ખવું.

ચક્કર કે મૂર્છા આવવાનાં કારણ
* બ્લડ પ્રેશર કે બ્લડસુગરમાં ફેરફાર થવાથી
* ખૂબ જ ભૂખ અને તરસ લાગવાથી
* શરીરમાં વધુ પડતો દુ:ખાવો થવાથી
* વધુ પડતી ઠંડી-ગરમીમાં રહેવાથી
* ખૂબ જ માનસિક બોજમાં જીવવાથી

કોઇને ચક્કર કે મૂર્છા આવે તો આપણે શું કરવું ?
* તેમને જમીન પર ખુલ્લા વાતાવરણમાં વ્યવસ્થિત સુવડાવી દેવા.
* જો તેણે કોઇ ફીટ કપડાં પહેર્યાં હોય તો તરત જ ઢીલાં કરી નાખવાં.
* બંને પગ ઊંચા કરવા, જેથી મગજને લોહી મળે.
* મૂર્છા ઊતરી ગઇ હોય, તો પણ તેને 15-20 મિનિટ સુધી સુવડાવી રાખવા. ત્યાર પછી ધીરે-ધીરે ઊભા કરવા.
* ખાંડવાળું પાણી કે ફ્રૂટજ્યૂસ પિવડાવવું.

પોતાને ચક્કર કે મૂર્છા આવે ત્યારે શું કરવું ?
* તરત જ જે કાંઇ ક્રિયા કરતા હોય તે બંધ કરીને નજીકની ખુલ્લી જગ્યામાં બંને પગ માથાથી ઊંચા રહે તે રીતે સૂઇ જવું.
* અથવા બંને પગ વચ્ચે માથું રહે તેમ બેસી જવું, જેથી મગજને લોહી મળે.
* ઊંડા શ્વાસ લેવા. જેથી મગજને પ્રાણવાયુ મળે.
* મૂર્છા ઊતરી ગયા પછી 15-20 મિનિટ સુધી સૂઇ રહેવું. ત્યાર પછી ધીરે-ધીરે ઊભા થવું.

ચક્કર કે મૂર્છાના ઉપચાર
શરીરમાં પાણીનું પ્રમાણ જરૂર કરતાં ઓછું ન થઇ જાય તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું.
હાથની આંગળી વડે કાનને ખેંચવા. જેથી કાનનું પ્રેશર સંતુલિત રહે છે અને મગજને લોહી મળે છે.
નાકમાં હૂંફાળાં ઘીનાં ચાર-પાંચ ટીપાં નાખવાં. જેથી મગજને શુદ્ધ પ્રાણવાયુ મળે.
બેભાનીમાં નાકમાં મરીનું ચપટી ચૂર્ણ ભૂંગળી વડે ફૂંકતા તરત જ દર્દી ભાનમાં આવે છે.

વારંવાર આવતા ચક્કર કે મૂર્છાના ઉપચાર
આમળાનું ચૂર્ણ અને સાકર બંને 1-1 ચમચી ઘી સાથે રોજ લેવું.
1 ચમચી બદામનો ભૂકો, 1 ચમચી ઘી અને સાકર દૂધ સાથે લેવું.
1 ગ્રામ મરીનું ચૂર્ણ, અડધી ચમચી ઘી અને અડધી ચમચી સાકર ભેગું કરીને લેવું.
તુલસીના 10 પાન સાથે 2 મરી સવાર-સાંજ ચાવવા.