Thu Jun 18 2026

Logo

ગૌહત્યારાઓ ચાલી ન શકે તેવી વ્યવસ્થા કરી છે, મંત્રી બનતા સાથે જ પગે પડવા આવેલો: દૂધરેજમાં હર્ષ સંઘવીએ શું કહ્યું?

2026-03-03 12:27:00
Author: Devayat Khatana
Article Image

સુરેન્દ્રનગર: જિલ્લાના દૂધરેજમાં વડવાળા દેવની જગ્યામાં ગઇકાલે ભવ્ય હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દૂધરેજનો હોળી મહોત્સવ ઘણી બધી રીતે મહત્વપૂર્ણ હતો. આ વર્ષના હોળી ઉત્સવ પર ભવ્ય શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન, જગ્યાના લઘુમહંતની ચાદરવિધિ તેમજ જગ્યાના મહંતને અખાડા દ્વારા જગદગુરુની પદવીની તિલકવિધિ સહિત ખાસ આકર્ષણ રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ સહભાગી બન્યા હતા. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અહી એક મહત્વપૂર્ણ વાત કરી હતી, જે હાલ ખૂબ ચર્ચાઇ રહી છે. 

વિસ્તારથી વાત કરીએ તો, સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડવાળા દેવની જગ્યામાં ખાતે હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે આ વર્ષે  ભવ્ય શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન, જગ્યાના લઘુમહંતની ચાદરવિધિ તેમજ જગ્યાના મહંતને અખાડા દ્વારા જગદગુરુની પદવીની તિલકવિધિને કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ અવસરે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જનમેદનીને સંબોધતા ગૌરક્ષા પ્રત્યે સરકારની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "હું ગૃહ મંત્રી બન્યો અને બનતાની સાથે બીજા જ દિવસે વહેલી સવારે વડવાળા પગે પડવા પહોંચી ગયેલો. વડવાળા પહોંચતા જ લાખો માલધારી, ગૌભક્તોના આશીર્વાદ અને સહયોગથી પેલું કામ મે હાથમાં લીધું તે હતું ગૌમાતાની રક્ષા કરવી અને ગૌભક્તોની રક્ષા કરવી. ગુજરાતમાં ગૌહત્યારાઓને શોધી શોધીને પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી હું દૂધરેજ વડવાળાના દર્શન કરીને લઈને નીકળ્યો હતો. પહેલા જ વર્ષે અનેક ગૌહત્યારાનો સફાયો કરવાનો ધર્મ મને તમારા સહયોગથી મને પ્રાપ્ત થયો હતો. એક વર્ષમાં જ 18થી વધુ ગૌહત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદની સજા અમારી સરકારે અપાવી છે.  તેમણે કહ્યું હતું કે, પહેલી વાર આવેલો ત્યારે ગૌહત્યારાઓના આશીર્વાદ લઈને ગયેલો અને આજે બીજી વાર જે આશીર્વાદ આપશો તે કામગીરી કરીને હિસાબ આપવા આવીશ.  તેમણે માલધારી સમાજને આ ઉમદા કાર્યમાં એકજૂથ થવા માટે આહવાન કર્યું હતું. આ સાંસ્કૃતિક સાંજ લોક કલાકારોના સૂરીલા પર્ફોર્મન્સથી ગુંજી ઉઠી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

 

અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ ખાતે  હોળી મહોત્સવ ૨૦૨૬ નિમિત્તે એક ઐતિહાસિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મહંત કણીરામદાસ બાપુની અત્યંત પ્રિય એવી ગૌલોકવાસી 'શીતલ ગાય'ની સ્મૃતિમાં નવનિર્મિત "શ્રી શીતલ ગૌશાળા"નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૧૦ એકર જમીનમાં પથરાયેલી આ આધુનિક ગૌશાળા પૂજ્ય કણીરામદાસ બાપુના ગૌ-પ્રેમનું જીવંત પ્રતીક છે. 'શીતલ ગાય' માત્ર છ માસની હતી ત્યારથી બાપુની સાથે રહેતી હતી અને વર્ષ ૨૦૧૭માં તેના દેવલોક પામવાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી.  તેની યાદમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના ૨૫૦થી વધુ સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ગૌશાળા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. 

આ ધર્મોત્સવમાં જગદગુરુ શંકરાચાર્યશ્રી (દ્વારકા), રામાનંદાચાર્ય શ્રી, મોરારીબાપુ તેમજ ભારતભરના ૨૫૦ થી વધુ મહામંડલેશ્વરો અને રાજકીય-સામાજિક મહાનુભાવો આશીર્વચન પાઠવવા પધાર્યા હતા. મહોત્સવના કાર્યક્રમ મુજબ સવારે ૮:૩૦ કલાકે મહાયજ્ઞ, ૧૦:૩૦ કલાકે ગૌશાળા લોકાર્પણ અને ૧૧:૦૦ કલાકે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ્યાના મહંત કણીરામદાસ બાપુને જગદગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી અને જગ્યાના લઘુમહંતની જાહેરાત કરીને ચાદરવિધિ કરવામાં આવી હતી.