Wed Sep 09 2026

Logo

હાર્દિક પંડ્યા શું કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે? રહાણેના સ્થાને કૅપ્ટન બનશે?

2026-08-06 20:15:07
Author: Ajay Motiwala
હાર્દિક પંડ્યા શું કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમશે? રહાણેના સ્થાને કૅપ્ટન બનશે?

કોલકાતાઃ હાર્દિક પંડ્યા (HARDIK PANDYA) આઇપીએલની પાંચ ટાઇટલ-વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સાથેની બીજી મુદતમાં (કૅપ્ટન તરીકે) નિષ્ફળ ગયો એ સાથે હવે તે (ટ્રેડ ડીલમાં) બીજી કોઈ ટીમ સાથે જોડાઈ જશે એવી જોરદાર ચર્ચા વચ્ચે એક અહેવાલમાં જણાવાયું છે કે હાર્દિક કદાચ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં જોડાઈ જશે અને અજિંક્ય રહાણેના સ્થાને તેને કદાચ કૅપ્ટન્સી સોંપવામાં આવશે.

પાંચ ટ્રોફી જીતી ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ફ્રૅન્ચાઇઝી હાર્દિકને મેળવવા 20 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવા તૈયાર છે એવું થોડા દિવસ પહેલાં એક અહેવાલમાં જણાવાયું ત્યાર બાદ હવે એવી વાત ઉડી છે કે તેને મેળવવા કોલકાતાનું ફ્રૅન્ચાઇઝી પ્રયત્નશીલ છે. હાર્દિકને ટીમમાં સમાવી લેવા તો ઠીક, તેને કેકેઆરનો કૅપ્ટન બનાવવામાં આવશે એવી પણ વાત સંભળાઈ રહી છે.

2022માં હાર્દિકની કૅપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતી લીધી હતી અને 2023માં એ ટીમ રનર-અપ બની હતી. છેલ્લી બે સીઝનમાં અજિંક્ય રહાણેએ કેકેઆરની કૅપ્ટન્સી સંભાળી હતી, પરંતુ રહાણેએ તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે અને કેકેઆરનું ફ્રૅન્ચાઇઝી હવે નવા કૅપ્ટનની શોધમાં છે.

હાર્દિકની આઇપીએલ કરીઅર પર એક નજર કરીએ તો તે આ ટૂર્નામેન્ટમાં 162 મૅચ રમ્યો છે જેમાંથી 150 મૅચમાં તેને બૅટિંગ કરવા મળી છે. એમાં તેણે કુલ 146.28ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 2,955 રન બનાવ્યા છે જેમાં 10 હાફ સેન્ચુરી સામેલ છે. કુલ 116 મૅચમાં તેણે બોલિંગ કરી છે અને એમાં કુલ 82 વિકેટ લીધી છે અને 5/36 તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.