અનંત મામતોરા
ધરતી પર આઠ ચિરંજીવ છે, જેમને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે અને એમાંથી જ એક છે હનુમાન દાદા. તેમને અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા કહેવામાં આવે છે. ભગવાન રામ અને લક્ષ્મણ મૂર્છિત અવસ્થામાં હતા ત્યારે તેમના માટે સંજીવની બુટ્ટીની જરૂર હતી અને હનુમાનજી આખો પહાડ ઊંચકી લાવ્યા હતા. એથી જ તેમને મહાબલી કહેવાય છે.
રામ ચરિત માનસમાં ઉલ્લેખ છે કે સીતા માતા પાસે પ્રભુ શ્રીરામના સમાચાર લઈને હનુમાનજી પહોંચે છે ત્યારે તેમને અનેક આશીર્વાદ આપે છે. શ્રીરામના સમાચાર સાંભળીને સીતા માતાને અસીમ આનંદ થાય છે. તેમને જોઈને સીતા માતાનું તમામ કષ્ટ અને દુ:ખ દૂર થઈ જાય છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળ મિશ્રિત હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીને મનમાં સંતોષ થાય છે. ભગવાન શ્રીરામના પ્રિય જાણીને હનુમાનજીને આશીર્વાદ આપતાં સીતા માતા કહે છે કે ‘તમે બળ અને શીલના નિધાન બની જાઓ. હે પુત્ર! તમે અજર, અમર અને ગુણોથી સંપન્ન બની જાઓ. શ્રી રઘુનાથજી તમારા પર અપાર કૃપા વરસાવે.’
સીતા માતા હનુમાનજીને આઠ સિદ્ધિઓના વરદાન આપે છે. આ અષ્ટ સિદ્ધિઓ એટલે અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ. એને પ્રાપ્ત કરીને વ્યક્તિ કોઈપણ રૂપ અને દેહમાં વાસ કરવાની શક્તિ ધરાવે છે. તે સૂક્ષ્મતાની સીમા પાર કરીને સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટકાય બનવાનું સામર્થ્ય ધરાવે છે.
સીતાજી માતા લક્ષ્મીનું રૂપ છે. તેમણે જ હનુમાનજીને અમરતાનું વરદાન આપ્યું છે.
સીતા માતાને રાવણની કેદમાંથી મુક્ત કરાવવા માટે હનુમાનજીએ લંકામાં આગ લગાડી દીધી હતી. આટલું જ નહીં આખી વાનરસેના સાથે મળીને દરિયો પાર કર્યો હતો અને રામ નામના પથ્થરો વડે સેતુ બાંધ્યો હતો. રાવણ સાથે યુદ્ધ બાદ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા અયોધ્યા પાછા ફરે છે.
હનુમાનજી તેમની સેવામાં મગન થઈ જાય છે. ભગવાનની સેવા કરવામાં તેમને પરમ આનંદ મળે છે. તેમના જીવનનું લક્ષ જ પ્રભુ રામની સેવા હતું. રામ નામ જાપમાં જ તેઓ તલ્લીન રહેતા હતા.
પ્રભુ પ્રત્યેના તેમના અપાર પ્રેમનું ઉદાહરણ એક પ્રસંગમાં મળે છે. એક વખત માતા સીતા સેથામાં સિંદૂર પૂરી રહ્યાં હતાં. એ વખતે હનુમાનજી પૂછે છે કે સિંદૂર શું કામ લગાડવામાં આવે છે? તો માતા સીતાએ ઉત્તર આપ્યો કે પ્રભુ શ્રીરામને દિર્ઘાયુ મળે એ માટે. આટલું સાંભળતા જ હનુમાનજીએ તો આખા શરીરને સિંદૂરમાં ઓળઘોળ કરી દીધું હતું. આટલી હદે હનુમાનજી ભગવાન રામની ભક્તિ અને પ્રેમ કરતા હતા.
હવે વાત કરીએ કે હનુમાનજી ધરતી પર કેમ અજરામર થઈ ગયા?
જ્યારે ભગવાન શ્રી રામનો યુગ સમાપ્ત થવાનો હતો ત્યારે તેઓ સ્વર્ગ જવાની યાત્રા શરૂ કરવાના હતા. એ દરમિયાન અયોધ્યાના લોકો, વાનરસેના, તેમના અનેક મિત્રો અને સખા આદિ પણ સ્વર્ગ જવા તૈયાર થયા હતા. જોકે હનુમાનજી જઈ શક્યા નહીં. તેઓ ભગવાન રામના અસીમ ભક્ત હતા અને તેમની પણ ઇચ્છા સ્વર્ગ જવાની હતી. જોકે પ્રભુ શ્રીરામે હનુમાનજીને આદેશ આપી દીધો કે તેઓ કળિયુગના અંત સુધી ધરતી પર રહે અને રામભક્તોની રક્ષા કરે.
આ જ કારણ છે કે હનુમાનજી આજે પણ ધરતી પર હાજરાહજૂર વસે છે અને રામભક્તોની પોકાર સાંભળીને તેમના મનોરથ પણ પૂરા કરે છે.
એ અષ્ટસિદ્ધિઓનો અર્થ
અણિમા: સૌથી પહેલા સિદ્ધિ એટલે અણિમા. એનો અર્થ થાય છે પોતાના શરીરને એક અણુ સમાન સૂક્ષ્મ કરી શકવાની શક્તિ ધરાવનાર.
મહિમા: આ અણિમાની વિપરીત સિદ્ધિ છે. સાધક જ્યારે ઇચ્છે ત્યારે પોતાના શરીરને વિશાળ કરવાનું સામર્થ્ય ધરાવે છે. તે પોતાના શરીરને કોઈપણ સીમા સુધી ફેલાવી શકે છે.
ગરિમા: આ સિદ્ધિને પ્રાપ્ત કરનાર સાધક શરીરના ભારને અસિમીત રીતે વધારી શકે છે. એટલે કે એના શરીરનો વજન વધી જાય છે અને એને કોઈ શક્તિ હલાવી ન શકે.
લઘિમા: સાધકનું શરીર એટલું હલકું થઈ જાય છે કે તે પવન કરતા પણ વધુ તેજ ગતીથી દોડી શકે છે.
પ્રાપ્તિ: આ સિદ્ધિથી સાધક કોઈપણ સ્થળે અડચણ વગર જઈ શકે છે. અદૃશ્ય પણ થઈ શકે છે.
પ્રાકામ્ય: કોઈના પણ મનની વાત સરળતાથી સમજી શકે છે.
ઇશિત્વ: આ ભગવાનની પદવી છે. આ સિદ્ધિ મળતા જ સાધક પોતે ભગવાન સમાન બની જાય છે.
વશિત્વ: વશિત્વ પ્રાપ્ત કરનાર સાધક કોઈપણને પોતાનો દાસ બનાવી શકે છે. કોઈને પણ પોતાના વશમાં કરી શકે છે.